ચેતેશ્વર પુજારાએ કલકત્તા ટેસ્ટ-મૅચમાં ટીમ ઇન્ડિયાની ૩૦ રનની શરમજનક હાર માટે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા
ચેતેશ્વર પુજારા
ભારતના ભૂતપૂર્વ સ્ટાર બૅટર ચેતેશ્વર પુજારાએ કલકત્તા ટેસ્ટ-મૅચમાં ટીમ ઇન્ડિયાની ૩૦ રનની શરમજનક હાર માટે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સિનિયર પ્લેયર્સની નિવૃત્તિને કારણે ભારતીય ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. આ વિશે કૉમેન્ટેટર પૅનલની ચર્ચા દરમ્યાન ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ‘હું એ વાત સાથે સહમત નથી કે પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાથી ભારત ઘરઆંગણે હાર્યું છે. હું એ વિચારને પચાવી શકતો નથી કે ભારત ઘરઆંગણે હારી ગયું. જો તેઓ ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડમાં હારી જાય તો એ વાત ઠીક છે.’
તે વધુમાં કહે છે કે ‘આ નવી ટીમમાં પ્રતિભાને જોતાં ભારતનું ઘરઆંગણે હારવું અસ્વીકાર્ય છે. બધા ખેલાડીઓના ફર્સ્ટ-ક્લાસ રેકૉર્ડ શાનદાર છે છતાં જો આપણે હારી જઈએ તો એનો અર્થ એ છે કે કંઈક ગરબડ છે. જો આપણે આ મૅચ સારી પિચ પર રમી રહ્યા હોત તો ભારત કદાચ જીતી ગયું હોત. આવી ટર્નિંગ પિચ પર તમે વિરોધી ટીમને પણ જીતવાની સમાન તક આપી રહ્યા છો. આપણી પાસે એટલી પ્રતિભા છે કે ભારત-A પણ સાઉથ આફ્રિકા સામે મૅચ જીતી શકે છે.’


