ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી દીધી...
ગૌતમ ગંભીર, રિષભ પંત
ચૅમ્પિયન્સ ટ્રોફીના અભિયાનની શરૂઆત પહેલાં ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેના નિવેદન અનુસાર ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કે. એલ. રાહુલ ભારતીય ટીમ માટે વિકેટકીપર-બૅટર તરીકે પહેલી પસંદ રહેશે. ગૌતમ ગંભીર કહે છે, ‘રાહુલ હાલમાં અમારો નંબર વન વિકેટકીપર છે અને હું હમણાં એટલું જ કહી શકું છું. રિષભ પંતને તક મળશે, પણ અત્યારે રાહુલ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને અમે બે વિકેટકીપર-બૅટ્સમેન સાથે રમી શકીએ નહીં.’
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં રિષભ પંત ભારતીય સ્ક્વૉડનો એકમાત્ર પ્લેયર હતો જેને એક પણ મૅચ રમવાની તક મળી નહોતી.
ADVERTISEMENT
પાંચમા ક્રમે રાહુલ પહેલાં અક્ષર પટેલને પહેલી બે મૅચમાં મેદાન પર ઉતારવાના નિર્ણયને યોગ્ય ગણાવીને ગંભીર કહે છે, ‘ટીમનું હિત કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. અમે ઍવરેજ અને આંકડા જોતા નથી. અમે જોઈશું કે કયો પ્લેયર સારું પ્રદર્શન કરી શકે છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પ્રૅક્ટિસ-મૅચ નહીં રમે રોહિત ઍન્ડ કંપની
૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ સુધી રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પ્રૅક્ટિસ-મૅચમાં ભાગ નહીં લેશે. ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની સિરીઝ રમનાર ભારતીય ટીમ ૧૫ ફેબ્રુઆરીએ દુબઈ પહોંચશે. ૨૦ ફેબ્રુઆરીથી ભારતીય ટીમ બંગલાદેશ સામે ગ્રુપ-સ્ટેજની મૅચ રમવાનું શરૂ કરશે.
અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને બંગલાદેશ ૧૪ અને ૧૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાનની ત્રણ A ટીમ સામે એક-એક પ્રૅક્ટિસ-મૅચ રમશે. અફઘાનિસ્તાન ૧૬ ફેબ્રુઆરીએ ન્યુ ઝીલૅન્ડ સામે પણ પ્રૅક્ટિસ-મૅચ રમશે. ૧૪ ફેબ્રુઆરીએ લાહોરમાં અફઘાનિસ્તાન, ૧૭ ફેબ્રુઆરીએ કરાચીમાં સાઉથ આફ્રિકા અને એ જ દિવસે દુબઈમાં બંગલાદેશ પાકિસ્તાનની A ટીમ સામે પ્રૅક્ટિસ-મૅચમાં ઊતરશે. ન્યુ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રૅક્ટિસ-મૅચ ૧૬ ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. બધી પ્રૅક્ટિસ-મૅચ ડે-નાઇટ મૅચ હશે.

