કિવી ટીમ ૯૨ રનમાં ઑલઆઉટ થઈ હતી અને શ્વેતા સેહરાવતની ટીમે ૨૯ રનથી વિજય મેળવ્યો હતો

ગઈ કાલે ઓપનર ઑલિવિયાની વિકેટ લીધા બાદ સાથીઓ સાથે સેલિબ્રેશનના મૂડમાં પેસ બોલર હર્લી ગાલા. તસવીર અતુલ કાંબળે
જાન્યુઆરીમાં પહેલી જ વાર રમાનારા વિમેન્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની પૂર્વતૈયારીરૂપે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ વિમેન અન્ડર-19 ટીમ સામેની ટી૨૦ શ્રેણીમાં ગઈ કાલે ચોથી મૅચ પણ જીતીને ઇન્ડિયા વિમેન અન્ડર-19 ટીમે ૪-૦થી સરસાઈ મેળવી લીધી હતી અને હવે આવતી કાલે રમાનારી છેલ્લી મૅચ પણ જીતીને ભારતીય ટીમ ૫-૦થી ક્લીન સ્વીપ કરી શકશે.
ઇન્ડિયા અન્ડર-19ની સ્પિનર મન્નત કશ્યપે પાંચ વિકેટ લીધી હતી.
ગઈ કાલે બૅટિંગ લીધા બાદ ઇન્ડિયા અન્ડર-19 ટીમે ઓપનર જી. ત્રિશાના ૩૯ રનની મદદથી ૯ વિકેટે ૧૨૧ રન બનાવ્યા હતા. કિવી ટીમ ૯૨ રનમાં ઑલઆઉટ થઈ હતી અને શ્વેતા સેહરાવતની ટીમે ૨૯ રનથી વિજય મેળવ્યો હતો. વાગડ સમાજની ઑલરાઉન્ડર હર્લી ગાલાએ ઓપનર ઑલિવિયા ગેઇન (૧૩)ની સસ્તામાં વિકેટ અપાવીને પ્રવાસી ટીમને ફરી એક વાર પરાજયનો દરવાજો દેખાડ્યો હતો. જોકે લેફ્ટ-આર્મ સ્પિનર મન્નત કશ્યપ ગઈ કાલની સ્ટાર-બોલર હતી. તેણે પચીસ રનમાં પાંચ વિકેટ લીધી હતી. બે વિકેટ શબનમે અને એક વિકેટ સોનિયા મેંધિયાએ લીધી હતી.