૩૨૦ રનના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાન- A ૨૧૮ રનમાં આૅલઆઉટ, ચાર વિકેટ ઝડપી આૅલરાઉન્ડર નિશાંત સિંધુ બન્યો મૅન આૅફ ધ મૅચ
અશોક શર્મા
શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ઇન્ડિયા-A ટીમે ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે. ગઈ કાલે છેલ્લી લીગ મૅચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન-A સામે ૧૦૧ રનથી મસમોટી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ચાર પૉઇન્ટ અને ૦.૫૯૭ના રનરેટ સાથે પૉઇન્ટ-ટેબલમાં ટૉપમાં પહોંચી ગઈ હતી.
ફાઇનલ મોટા ભાગે શ્રીલંકા સાથે
હવે ફાઇનલમાં ભારતીય ટીમ સામે કોણ ટકરાશે એનો નિર્ણય આવતી કાલે થશે. મોટા ભાગે શ્રીલંકા સામે જ મુકાબલો થશે, કેમ કે નબળા રનરેટને લીધે અફઘાનિસ્તાને છેલ્લી મૅચમાં શ્રીલંકાને કમસે કમ ૧૨૧ રનથી હરાવવું પડશે. જો આ મૅચમાં અફઘાનિસ્તાન ૨૫૦ની આસપાસનો ટાર્ગેટ ચેઝ કરતું હશે તો એ એણે ૨૯મી ઓવર સુધીમાં મેળવી લેવો પડશે.
ADVERTISEMENT
સૂર્યવંશી ફરી ન ગાજી શક્યો
આગલી ત્રણેય મૅચમાં ૧૪, ૪૪ અને ૨૧ રન સાથે કોઈ મોટી કમાલ ન કરી શકનાર વૈભવ સૂર્યવંશી ગઈ કાલે ૩૮ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૩૮ રન જ બનાવી શક્યો હતો. તેને મળેલા બે જીવતદાનનો પણ તે કોઈ ફાયદો નહોતો ઉઠાવી શક્યો. જોકે ભારતીય ટીમ કૅપ્ટન તિલક વર્મા (૭૫ બૉલમાં પાંચ ફોર સાથે ૫૯), ઓપનર પ્રિયાંશ આર્ય (૪૨ બૉલમાં એક સિક્સર અને ૯ ફોર સાથે ૫૮) અને કુમાર કુશાગ્ર (૬૭ બૉલમાં પાંચ ફોર સાથે ૫૮ રન)ની હાફ સેન્ચુરીની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૧૯ રનનો ચૅલેન્જિંગ સ્કોર બનાવવામાં સફળ થઈ હતી.
સિંધુનો તરખાટ, ૪ વિકેટ લીધી
બે ઓવરમાં ૨૦ રન સાથે મજૂબત શરૂઆત કર્યા બાદ અફઘાનિસ્તાની બૅટરો ફસડાઈ પડ્યા હતા અને ૩૬.૫ ઓવરમાં ૨૧૮ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયા હતા. ભારત વતી ઑલરાઉન્ડર નિશાંત સિંધુએ ૬.૫ ઓવરમાં એક મેઇડન સાથે ૩૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. જ્યારે યશ ઠાકુરને બે તેમ જ અંશુલ કમ્બોજ, વિપ્રાજ નિગમ, સૂર્યાંશ શેડગે અને અનુકૂલ રોયને એક-એક વિકેટ મળી હતી.
