એક સમયે ૧૭૩ રને યજમાન ટીમે સાત વિકેટ ગુમાવી હતી, સોનલ દિનુશાએ ૮૫ રન કરીને સ્કોર ૨૬૫-૮ પર પહોંચાડ્યો : ટીમ ઇન્ડિયા પાસે હજી 238 રનની મોટી લીડ બાકી
સ્પિનર માનવ સુથારે ૮૩ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી.
કોલંબો ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા સામે શ્રીલંકાએ શાનદાર ફાઇટબૅક આપી હતી. ૫૦૩-૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરનાર ટીમ ઇન્ડિયા સામે શ્રીલંકાએ ત્રીજા દિવસના અંત સુધી ૮૩.૪ ઓવરમાં ૨૬૫-૮નો સ્કોર કર્યો હતો. એક સમયે શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં ૪૫.૩ ઓવરની રમતમાં ૧૭૩ રને ૭ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્રીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાએ ચોથી ઓવરમાં ૮-૨ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ આગળ વધારી હતી. ચોથા ક્રમે રમી રહેલા પસિંદુ સૂરિયાબંદરાએ ૧૩૩ બૉલમાં ૮ ફોરની મદદથી ૮૦ રન નોંધાવ્યા હતા. મુશ્કેલ સમયમાં સાતમા ક્રમે બૅટિંગ કરીને સોનલ દિનુશાએ ૬ ફોર અને બે સિક્સની મદદથી ૧૩૭ બૉલમાં અણનમ ૮૫ રન કર્યા હતા.
ભારત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૪ ઓવરમાં ૪૭ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. સ્પિનર માનવ સુથારે ૨૧ ઓવરમાં ૮૩ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે ૧-૧ સફળતા મેળવી હતી. પહેલી મૅચ રમી રહેલા સારાંશ જૈને ૧૮ ઓવરમાંથી પાંચ ઓવર મેઇડન ફેંકીને ૫૧ રન આપ્યા, પણ વિકેટલેસ રહ્યો હતો. ૨૩૮ રનની લીડ બાકી હોવાથી ટીમ ઇન્ડિયા આજે બાકીની બે વિકેટ ઝડપથી લઈને ફૉલો-ઑન આપવાનો પ્રયાસ કરી શકે છે.
ICC આચારસંહિતાના ભંગ બદલ પ્રભાત જયસૂર્યા સામે કાર્યવાહી
ADVERTISEMENT
શ્રીલંકાનો સ્પિનર પ્રભાત જયસૂર્યા ભારત સામેની બીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન ગેરવર્તન માટે કાર્યવાહીનો સામનો કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે. એક દિવસ પહેલાં યશસ્વી જાયસવાલ અને અસિથા ફર્નાન્ડોને માથાકૂટ બદલ પચીસ ટકા મૅચ-ફીનો દંડ થયો હતો.
સોમવારે દિવસના અંતિમ બૉલ પર આઉટ થયા પછી પૅવિલિયન પરત ફરતી વખતે તેણે બૅટથી બાઉન્ડરી પર મૂકવામાં આવેલા જાહેરાતના બોર્ડને ફટકો માર્યો હતો. મૅચ દરમ્યાન ક્રિકેટના સાધનોને નુકસાન પહોંચાડવા બદલ ICC આચારસંહિતાની કલમ ૨.૨ના ઉલ્લંઘન બદલ તેને એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. ૨૪ મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો હતો.
રિષભ પંતની ઇન્જરીએ ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી
કોલંબો ટેસ્ટ-મૅચના બીજા દિવસે વિસ્ફોટક બૅટિંગ કરનાર રિષભ પંત બીજા દિવસના અંતે વિકેટકીપિંગ માટે આવ્યો નહોતો. આ ભારતીય ક્રિકેટરે ત્રીજા દિવસે પણ વિકેટકીપિંગની જવાબદારી સંભાળી નહોતી. ધ્રુવ જુરેલે તેની જગ્યાએ વિકેટકીપિંગ કરી હતી. ત્રીજા દિવસની રમત દરમ્યાન કોલંબોથી રિષભ પંતનો એક ચિંતાજનક વિડિયો સામે આવ્યો હતો. હાથના કાંડા બાદ તેના ખભા પર પણ ઇન્જરી જોવા મળી હતી. ટીમ-મૅનેજમેન્ટે કહ્યું કે ‘તેના જમણા ખભામાં ગંભીર ઈજા થઈ છે. સવારે જ્યારે તેણે વૉર્મ-અપ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દુખાવાને કારણે તેની હિલચાલ રોકવી પડી. રાતભર તેની દેખરેખ રાખવામાં આવશે અને આશા છે કે તે કાલે સ્ટમ્પ પાછળ પાછો ફરશે.’
