Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાનખેડેમાં પટેલ-પાવર પછી મયંક-મૅજિક

વાનખેડેમાં પટેલ-પાવર પછી મયંક-મૅજિક

04 December, 2021 11:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની ચારેય વિકેટ મુંબઈમાં જન્મેલા ગુજરાતી કિવી સ્પિનર એજાઝ પટેલે લીધી ઃ ઓપનર અગરવાલ એકલો લડ્યો અને દમદાર અણનમ સદી ફટકારી

મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલ


વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ભીના આઉટફીલ્ડને કારણે મોડી શરૂ થયેલી ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસનો શરૂઆતનો હિસ્સો કિવીઓનો રહ્યો અને ત્યાર પછી યજમાન ભારતીય ટીમ સન્માનજનક સ્થિતિમાં આવી ગઈ હતી. ભારતનો પ્રથમ દાવનો સ્કોર રમતના અંત સુધીમાં ૭૦ ઓવરમાં ૪ વિકેટે ૨૨૧ રન હતો. મયંક અગરવાલ ૧૨૦ રને અને વૃદ્ધિમાન સહા ૨૫ રને રમી રહ્યો હતો.
એજાઝની બોલિંગમાં સૌથી વધુ રન
ગઈ કાલે પહેલા દિવસે એવા બે હરીફ ખેલાડીઓ ચમક્યા જેમાંનો એક આ સિરીઝ માટે ખૂબ વિચિત્ર સંજોગોમાં સિલેક્ટ થયો હતો અને બીજાને આ ટેસ્ટમાં રમવા મળશે કે નહીં એની શંકા હતી. ૩૩ કિવી લેફ્ટ-આર્મ સ્પિનર એજાઝ પટેલે (૨૯-૧૦-૭૩-૪) જૂન મહિના પછી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બોલિંગ જ નહોતી કરી છતાં તેને ભારત-પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો અને તે બન્ને ટેસ્ટમાં અલગ-અલગ રીતે ચમકી ગયો. કાનપુરની પહેલી ટેસ્ટમાં તેણે કુલ ૩ વિકેટ લેવા ઉપરાંત છેલ્લે રાચિન રવીન્દ્ર સાથે મળીને ટેસ્ટ ડ્રૉમાં ખેંચી કાઢી હતી. ગઈ કાલે વાનખેડેમાં ભારતની જે ચાર વિકેટ પડી એ ચારેચાર વિકેટ તેણે લીધી હતી. જોકે ગઈ કાલના પાંચ કિવી બોલરોમાં સૌથી વધુ ૭૩ રન એજાઝની બોલિંગમાં બન્યા હતા.
મયંકની ચોથી ટેસ્ટ-સેન્ચુરી
બીજી તરફ, ઈજાગ્રસ્ત કે. એલ. રાહુલના સ્થાને ટીમમાં આવેલા ઓપનર મયંક અગરવાલે (૧૨૦ રન, ૨૪૬ બૉલ, ૪ સિક્સર, ૧૪ ફોર) પ્રથમ ટેસ્ટમાં માત્ર ૧૩ અને ૧૭ રન બનાવ્યા હોવાથી મુંબઈની ટેસ્ટમાં વિરાટ કોહલીને સમાવવા (અજિંક્ય રહાણેને બદલે) તેને ડ્રૉપ કરવાનાં કેટલાક નિષ્ણાતોનાં સૂચન હતાં અને ભારતીય ક્રિકેટમાં પણ એવી અટકળ હતી. જોકે મયંકે ગઈ કાલે માનસિક દબાણ હેઠળ એવું પર્ફોર્મ કર્યું કે તે આવતી બે-ત્રણ ટેસ્ટ-સિરીઝ સુધી ટીમમાં ફિક્સ થઈ ગયો છે. આ તેની ચોથી ટેસ્ટ-સદી છે. એક તબક્કે ભારત ૮૦ રનમાં બાકીનો ટૉપ-ઑર્ડર ગુમાવી બેઠું હતું, પરંતુ મયંક ક્રીઝમાં ટકી રહ્યો હતો. ટોચના ત્રણેય ખેલાડી (શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી)ને એજાઝે આઉટ કર્યા બાદ પ્રથમ ટેસ્ટના સેન્ચુરિયન-હીરો શ્રેયસ ઐયરની વિકેટ પણ તેણે લીધી હતી. એક તબક્કે તેણે બે ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. જોકે મયંકે ખાસ કરીને એજાઝના એક બૉલમાં સિક્સર ફટકારી ત્યારથી તે માનસિક દબાણમાંથી બહાર આવી ગયો હતો અને મુક્ત મનથી રમ્યો હતો. મયંકે ચારમાંથી ત્રણ સિક્સર એજાઝ પટેલની બોલિંગમાં ફટકારી હતી.
પુજારા, કોહલીના ૦ઃ ગિલના ૪૪
ગઈ કાલે ચેતેશ્વર પુજારા (૦) ફરી ફ્લૉપ ગયો હતો અને કૅપ્ટન વિરાટ કોહલી કમબૅક બાદ પહેલા જ દાવમાં ઝીરોમાં આઉટ થયો હતો. જોકે એ પહેલાં ઓપનર શુભમન ગિલે (૪૪ રન, ૭૧ બૉલ, ૧ સિક્સર, ૭ ફોર) મયંકને ૨૮મી ઓવર સુધી સાથ આપીને ૮૦ રનની ભાગીદારી કરી હતી.

કોહલી આઉટ નહોતો : વેટોરી
વાનખેડેમાં ગઈ કાલે ૩૦મી ઓવરમાં ભારતના ૮૦ રનના સ્કોર પર કોહલી હજી ઝીરો પર જ હતો ત્યાં પોતાના ચોથા બૉલમાં (એજાઝ પટેલનની ઓવરના છઠ્ઠા બૉલમાં) તેના બૅટની જરાઅમસ્તી કટ લાગી હોવા છતાં અમ્પાયરે તેને એલબીડબ્લ્યુની અપીલમાં આઉટ આપ્યા પછી રિવ્યુની અપીલમાં થર્ડ-અમ્પાયર વીરેન્દર શર્માએ પહેલાં બૅટથી કટ લાગી હોવાનો સ્પષ્ટ પુરાવો ન મળતાં કોહલીને આઉટ જાહેર કર્યો હતો. એ સાથે કોહલી નિરાશ થયો હતો. પ્રેક્ષકોએ અમ્પાયરનો હુરિયો બોલાવ્યો હતો. કિવીઓના ભૂતપૂર્વ સ્પિનર ડૅનિયલ વેટોરીએ પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘કોહલીના બૅટની પહેલાં કટ લાગી હતી એ સ્પષ્ટ દેખાતું હતું.’ ભૂતપૂર્વ ભારતીય બૅટર વસીમ જાફરે પણ એવો જ મત આપ્યો હતો.



119
વાનખેડેમાં ભારતીય ઓપનરોમાં ગાવસકરના અત્યાર સુધી આટલા રન હાઇએસ્ટ હતા, પણ હવે મયંકે ૧૨૦ નૉટઆઉટ સાથે તેમનો ૪૫ વર્ષનો વિક્રમ તોડ્યો છે. યોગાનુયોગ, બે દિવસ પહેલાં ગાવસકરે જ મયંકને ટેક્નિકમાં સુધારો કરવાની સલાહ આપી હતી.


"મારા હોમટાઉનમાં આવીને ૪ વિકેટ લેવામાં સફળ થવા બદલ પોતાને નસીબદાર માનું છું અને ખૂબ ખુશ પણ છું. વાનખેડેમાં આ સિદ્ધિ સ્પેશ્યલ છે." : એજાઝ પટેલ

મુંબઈકર એજાઝ પટેલ વિશે ખાસ જાણવા જેવું


૧. કિવી લેફ્ટ-આર્મ સ્પિનર એજાઝ યુનુસ પટેલનો જન્મ ૧૯૮૮ની ૨૧ ઑક્ટોબરે મુંબઈમાં થયો હતો. ૧૯૯૬માં તે ૮ વર્ષનો હતો ત્યારે તેનાં મમ્મી-પપ્પા ન્યુ ઝીલૅન્ડમાં સ્થાયી થયાં હતાં. તેના પિતા રેફ્રિજરેશનના બિઝનેસમાં કામ કરતા હતા અને મમ્મી સ્કૂલ-ટીચર હતાં. તેઓ મૂળ ભરૂચ જિલ્લાના ટાંકરિયા ગામનાં છે.
૨. ક્રિકેટર બનવાનું એજાઝનું નાનપણમાં સપનું હતું જ નહીં. તે ઘણી વાર હૉલિડે માટે મુંબઈ આવ્યો હતો. જોકે આ વખતે ક્રિકેટરના રૂપમાં આવ્યો અને મુંબઈમાં ભારતને ભારે પડ્યો.
૩. એજાઝ નાનપણમાં ફાસ્ટ બોલર હતો, પરંતુ ભૂતપૂર્વ કિવી સ્પિનર દીપક પટેલના કોચિંગમાં તે સ્પિનર બન્યો હતો.
૪. ૩૩ વર્ષનો એજાઝ પટેલ મુંબઈમાં જન્મ્યા બાદ મુંબઈમાં જ ભારત વતી ટેસ્ટ રમનારો ઇંગ્લૅન્ડના ડગ્લાસ જાર્ડિન પછીનો બીજો ક્રિકેટર છે.
૫. ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ સ્પિનરો દીપક પટેલ અને જિતેન પટેલ પછી હવે એજાઝ પટેલ ઝળકી રહ્યો છે.
૬. બે વર્ષ પહેલાં એજાઝ ભારતમાં હૉલિડે માણવા આવ્યો હતો ત્યારે તે મુંબઈ ઇન્ડિયન્સના બૅટર્સ માટે નેટ બોલર બન્યો હતો.
૭. કાનપુર ટેસ્ટના હીરો રાચિન રવીન્દ્રની જેમ એજાઝનું પણ ટેસ્ટમાં આ પહેલું જ વર્ષ છે.

બે ટેસ્ટમાં ચાર કૅપ્ટન : ૧૩૨ વર્ષમાં પહેલો કિસ્સો

વિરાટ કોહલીએ ગઈ કાલે બીજી ટેસ્ટથી ટીમ ઇન્ડિયામાં કૅપ્ટન તરીકે કમબૅક કર્યું અને કેન વિલિયમસને સિરીઝની પહેલી ટેસ્ટમાં કોણીમાં થયેલી ઈજા વકરી જતાં બીજી ટેસ્ટમાં રમવાનું માંડી વાળ્યું એ સાથે ૧૮૮૯ (૧૩૨ વર્ષ પહેલાં)ના અનોખા વિક્રમની બરાબરી થઈ હતી. કોહલીની વાપસી થતાં પ્રથમ ટેસ્ટના સુકાની અજિંક્ય રહાણે બાદ ભારતની બીજી ટેસ્ટમાં બીજો કૅપ્ટન (કોહલી) જોવા મળ્યો. રહાણે ઈજાને લીધે નથી રમ્યો. વિલિયમસન બીજી ટેસ્ટની બહાર થઈ જતાં ટૉમ લૅથમે સુકાન સંભાળ્યું છે. એ રીતે, બે ટેસ્ટમાં કુલ ચાર કૅપ્ટન જોવા મળ્યા.
૧૮૮૯માં સાઉથ આફ્રિકામાં ઇંગ્લૅન્ડ સામે જે બે ટેસ્ટ રમાઈ હતી એમાં યજમાન ટીમ વતી અનુક્રમે ઓવેન ડનેલે તથા વિલિયમ મિલ્ટને અને ઇંગ્લૅન્ડ વતી સી. ઔબ્રેએ અને મૉન્ટી બૉડને કૅપ્ટન્સી સંભાળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 December, 2021 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK