મુંબઈના વર્તમાન માહોલને જોતાં આજથી શરૂ થનારી ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં સિરાજને તક મળે એવી શક્યતા, સહા થયો ફિટ
વાનખેડેની પિચ જોઈ રહેલો ન્યુ ઝીલૅન્ડનો રૉસ ટેલર. (તસવીર : પી.ટી.આઇ.)
મુંબઈના વાનખેડેમાં રમાનારી બીજી ટેસ્ટ મૅચ પહેલાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીના મતે વર્તમાન વરસાદી માહોલને જોતાં વધુ એક ફાસ્ટ બોલરને રમાડવામાં આવશે. હાલમાં મુંબઈમાં કમોસમી વરસાદને કારણે તાપમાન ઘણું ઓછું થઈ ગયું છે. હવામાં રહેલા ભેજને કારણે ફાસ્ટ બોલરોને મદદ થઈ શકે છે. મૅચની પૂર્વસંધ્યાએ આયજિત પ્રેસ-કૉન્ફરન્સમાં કોહલીએ કહ્યું હતું કે ‘હવામાનમાં પલટો આવ્યો છે. અમારે એને ધ્યાનમાં લેવું પડે. એના આધારે જ તાલમેલ ગોઠવવામાં આવશે. આ મૅચ પૂરતી ત્રણ સ્પિનરોની નીતિની સમીક્ષા કરવામાં આવશે.’ જોકે એનો અર્થ એવો છે કે પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.
કોહલીએ કહ્યું કે ‘પાંચપાંચ દિવસ આવો જ માહોલ રહેશે એમ ન કહી શકાય. એથી વિવિધ પરિસ્થિત મુજબ બોલરોની પસંદગી કરવી પડે. જો બધા જ સંમત હોય તો અમે ફેરબદલ કરીશું. સહા હવે પોતાની ડોકની સમસ્યામાંથી સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે.’ જોકે ટીમ યુવા ખેલાડી શ્રીકાર ભરત પર વિશ્વાસ મૂકશે કે નહીં એના વિશે કોઈ ફોડ પાડ્યો નહોતો.
પિચ પરના કવરને કારણે વધુ સ્વિંગ મળશે : સાઉધી
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉધીના મતે ઘટેલું તાપમાન અને લાંબા સમય સુધી પિચને ઢાંકી રાખવામાં આવતાં બૉલને સ્વિંગ કરવામાં મદદ થશે. અગાઉ કાનપુરની સ્પિનરો માટે મદદગાર ગ્રીન પાર્ક પિચ પર પણ તેણે ભારતીય બૅટર્સને પરેશાન કર્યા હતા છતાં નીલ વૅગનરને બીજી ટેસ્ટમાં તક મળશે કે નહીં એ મામલે તેણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. સાઉધીએ કહ્યું કે કોચ અને કૅપ્ટને પિચ જોઈ છે. તેઓ વરસાદ અને હવામાનની પરિસ્થિતિના આધારે નિર્ણય લેશે.

