પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકાનો ૩૧ રનથી વિજય ઃ શાર્દુલ-બુમરાહની લડત એળે ગઈ

મેચ સમયની તસવીર
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-શ્રેણી ૧-૨થી ગુમાવી બેઠેલું ભારત ગઈ કાલે પાર્લના બૉલેન્ડ પાર્કમાં પ્રથમ વન-ડે પણ હારી ગયું હતું. યજમાન ટીમના ૨૯૬/૪ના સ્કોર સામે ભારતીયો ૮ વિકેટે ૨૬૫ રન બનાવી શકતાં ૩૧ રનથી હારી ગયા હતા. મુખ્ય બોલર કૅગિસો રબાડા સિરીઝમાં નથી એમ છતાં યજમાન ટીમે જીત સાથે શરૂઆત કરવામાં સફળતા મેળવી હતી. ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (૫૦ અણનમ, ૪૩ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહ (૧૪ અણનમ, ૨૩ બૉલ, એક ફોર)ની નવમી વિકેટ માટેની ૫૧ રનની ભાગીદારી એળે ગઈ હતી.
કૅપ્ટન ટેમ્બા બવુમા (૧૧૦ રન, ૧૪૩ બૉલ, ૮ ફોર) અને ૩૦ વન-ડેના અનુભવી રૅસી વૅન ડર ડુસેન (૧૨૯ અણનમ, ૯૬ બૉલ, ચાર સિક્સર, નવ ફોર) વચ્ચેની ૨૦૪ રનની ભાગીદારી ભારતને સૌથી ભારે પડી હતી. બન્નેની આ બીજી સદી હતી.
ઘણા સમયે મેદાન પર જોવા મળેલા શિખર ધવન (૭૯ રન, ૮૪ બૉલ, ૧૦ ફોર)નું ટીમ ઇન્ડિયામાં સૌથી મોટું યોગદાન હતું, પરંતુ એ પણ એળે ગયું હતું. કૅપ્ટન્સીના બોજમાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલા વિરાટ કોહલી (૫૧ રન, ૬૩ બૉલ, ૩ ફોર)એ વન-ડેમાં ૬૩મી હાફ સેન્ચુરી નોંધાવી હતી. અહીં યાદ અપાવવાનું કે માર્ચ ૨૦૨૧માં પુણેમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચના ૭ રન અગાઉની ચાર વન-ડેમાં કોહલીએ હાફ સેન્ચુરી (૬૬, ૫૬, ૬૩, ૮૯) ફટકારી હતી.
પાર્લની પિચ ગઈ કાલે ભારતની ઇનિંગ્સમાં બૅટિંગ માટે વધુ ટફ બની હતી જેના પર ધવન અને કોહલીને બાદ કરતાં બાકીના બૅટર્સ સારું નહોતા રમી શક્યા. જોકે પેસ બોલરો શાર્દુલ અને બુમરાહે ક્રીઝ પર લાંબો સમય ટકીને મુખ્ય બૅટર્સને કેવી રીતે લાંબી ઇનિંગ્સ રમી શકાય એનો ગર્ભિત ઇશારો કર્યો હતો.કૅપ્ટન કે. એલ. રાહુલ ઓપનિંગમાં ફક્ત ૧૨ રન બનાવી શક્યો હતો, જ્યારે ચોથા નંબર પર બૅટિંગ કરનાર રિષભ પંત (૧૬) ફેહલુકવાયોના ‘વાઇડ’ બૉલમાં હરીફ વિકેટકીપર ડી કૉકના હાથે સ્ટમ્પ-આઉટ થયો હતો. શ્રેયસ ઐયર (૧૭) અને પ્રથમ વન-ડે રમનાર વેંકટેશ ઐયર (૨) પણ નિષ્ફળ ગયા હતા.
બવુમાની કૅપ્ટન્સ ઇનિંગ્સ
સાઉથ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને પોતે જ શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેની અને રૅસી વૅન ડર ડુસેન વચ્ચે ચોથી વિકેટ માટે ૨૦૪ રનની ભાગીદારી થઈ હતી. બવુમાએ ખૂબ જ ધૈર્યપૂર્વક રમીને એક છેડો સાચવી રાખ્યો હતો, જ્યારે ડુસેનની આક્રમક અને એન્ટરટેઇનિંગ ઇનિંગ્સ હતી. તેઓ ટીમના સ્કોરને ૬૮/૩ ઉપરથી ૨૭૨ રન સુધી લઈ ગયા હતા. ચોથી વિકેટ બવુમાની પડી હતી. તેને બુમરાહે લૉન્ગ-ઑન પર કૅપ્ટન રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા વિકેટકીપર ક્વિન્ટન ડી કૉકે ઓપનિંગમાં ૨૭ રન અને જેનમન મલાને ૬ રન બનાવ્યા હતા. એઇડન માર્કરમ પણ માત્ર ૪ રન બનાવી શક્યો હતો અને છેલ્લે ડેવિડ મિલર બે રને અણનમ રહ્યો હતો. યજમાન ટીમને એક્સ્ટ્રામાં ૧૮ રન મળ્યા હતા. સાઉથ આફ્રિકાઅે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૨૯૬ રન બનાવ્યા હતા. ભારતના પાંચમાંથી માત્ર બે બોલરને વિકેટ મળી હતી. વાઇસ-કૅપ્ટન અને ટેસ્ટનો સુકાની બનવાની તૈયારી બતાવનાર બુમરાહે બે અને રવિચન્દ્રન અશ્વિને એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વરને ૬૪ રનમાં, શાર્દુલ ઠાકુરને ૭૨ રનમાં અને યુઝવેન્દ્ર ચહલને ૫૩ રનમાં વિકેટ નહોતી મળી.
વેંકટેશની કરીઅર શરૂ
ઑલરાઉન્ડર વેંકટેશ ઐયરે ટી૨૦ ઇન્ટરનૅશનલ બાદ ગઈ કાલે વન-ડેમાં પણ કરીઅર શરૂ કરી હતી. સાઉથ આફ્રિકા વતી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર માર્કો જેન્સેને ડેબ્યુ કર્યું હતું.
બીજી વન-ડે શુક્રવાર, ૨૧મી જાન્યુઆરીએ પાર્લમાં જ રમાશે.
કોહલીએ સચિનનો રેકૉર્ડ તોડ્યો : ગાંગુલી, દ્રવિડને પણ ઓળંગ્યા
સચિન તેન્ડુલકરે વિદેશી ધરતી પરની પિચો પર વન-ડે મૅચોમાં જે કુલ ૫૦૬૫ રન બનાવ્યા હતા એ આંકને વિરાટ કોહલીએ ગઈ કાલે પાર કર્યો હતો. કોહલીએ ૬૩ બૉલમાં ૫૧ રન બનાવ્યા હતા. વિદેશી પિચો પર સૌથી વધુ રન કુમાર સંગકારા (૫૫૧૮)ના નામે છે. કોહલી ગઈ કાલે ૨૭ રન પર પહોંચ્યો ત્યારે તેણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે મૅચોમાં ભારતીયોમાંથી સૌથી વધુ રન બનાવનાર સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડને પણ પાર કર્યા હતા. જોકે સાઉથ આફ્રિકા સામે ભારતીયોમાં સચિનના ૨૦૦૧ રન હાઇએસ્ટ છે. કોહલી ૧૩૩૮ રન સાથે હવે બીજા નંબર પર છે.