Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોલંબો ટેસ્ટ-મૅચમાં ગિલ ઍન્ડ કંપનીએ ૫૦૩-૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી

કોલંબો ટેસ્ટ-મૅચમાં ગિલ ઍન્ડ કંપનીએ ૫૦૩-૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી

Published : 25 August, 2026 01:13 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શતકવીર ધ્રુવ જુરેલ અને ઇન્જર્ડ રિષભ પંતે આઠમી વિકેટ માટે ૧૧૨ રનની પાર્ટનરશિપ કરી, શ્રીલંકાએ બીજા દિવસના અંતે ૮ રનમાં બે વિકેટ ગુમાવી દીધી

બીજા દિવસના અંતે શ્રીલંકાએ ૮ રને બે વિકેટ ગુમાવી હતી.

બીજા દિવસના અંતે શ્રીલંકાએ ૮ રને બે વિકેટ ગુમાવી હતી.


કોલંબો ટેસ્ટ-મૅચમાં બીજા દિવસે વરસાદના વિઘ્ન વચ્ચે ટીમ ઇન્ડિયાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. દેવદત્ત પડિક્કલનના ૧૧૭ રન પછી ધ્રુવ જુરેલના અણનમ ૧૧૫ રનની મદદથી ટીમ ઇન્ડિયાએ ૧૩૮ ઓવરમાં 
૫૦૩-૯ના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. દિવસના અંતે શ્રીલંકાએ ત્રણ ઓવરમાં ૮-૨નો સ્કોર કર્યો હોવાથી ભારતીય ટીમ પાસે ૪૯૫ રનની જંગી લીડ બચી હતી. 
ભારતીય ટીમે બીજા દિવસે ૮૬મી ઓવરમાં ૩૦૦-૫ના સ્કોર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. પહેલા દિવસે ત્રણ રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયેલા રિષભ પંતે બીજા દિવસે ૮૯ બૉલમાં ૬ ફોર અને બે સિક્સની મદદથી ૬૩ રનનું યોગદાન આપ્યું હતું. રિષભ પંત અને ધ્રુવ જુરેલ વચ્ચે આઠમી વિકેટ માટે ૧૫૨ બૉલમાં ૧૧૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. 
સાતમા ક્રમે રમવા આવેલા ધ્રુવ જુરેલે ૧૭૭ બૉલમાં ૯ ફોર અને બે સિક્સની મદદથી અણનમ ૧૧૫ રન કર્યા હતા. નવમા ક્રમે રમીને માનવ સુથારે ૫૧ બૉલમાં ૧૮ રન કર્યા હતા. શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોએ ૨૯ ઓવરમાં ૧૦૬ રન આપીને ચાર વિકેટ લીધી હતી. સ્પિનર્સ કેશરા નુવંતા અને પ્રભાત જયસૂર્યાએ ૨-૨ વિકેટ લીધી હતી, જ્યારે ફાસ્ટ બોલર લાહિરુ કુમારાને એક સફળતા મળી હતી. 
શ્રીલંકાની પહેલી ઇનિંગ્સની બૅટિંગ શરૂ થઈ ત્યારે ઓપનર લાહિરુ ઉદારા ૧ રનના સ્કોર પર પ્રસિદ્ધ ક્રિષ્નાની ઓવરમાં યશસ્વી જાયસવાલના હાથે કૅચઆઉટ થયો હતો. ત્રીજા ક્રમે રમવા આવેલો પ્રભાત જયસૂર્યા બે રનના સ્કોરે માનવ સુથારની ઓવરમાં LBW આઉટ થયો હતો. 

કૅપ્ટન શુભમન ગિલને પાછળ છોડીને WTCમાં ભારતનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો રિષભ પંત



ભારતના વિકેટકીપર-બૅટર રિષભ પંતે શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટ-મૅચમાં ૬૩ રન કરીને કેટલીક મોટી સિદ્ધિઓ મેળવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં રિષભ પંત ભારતનો હાઇએસ્ટ રન-સ્કોરર બન્યો છે. ૪૨ મૅચમાં ૨૯૪૮ રન કરીને રિષભ પંતે કૅપ્ટન શુભમન ગિલને (૪૨ મૅચમાં ૨૯૧૭ રન)ને પાછળ છોડ્યો હતો.  
ભારતીય વિકેટકીપર-બૅટર તરીકે ભારતની બહાર વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ-રન કરનાર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકૉર્ડ પણ રિષભ પંતે તોડ્યો છે. ધોનીએ ૨૦૦૬થી ૨૦૧૪ સુધી ૪૮ ટેસ્ટ-મૅચમાં ૨૪૯૬ રન કર્યા હતા. રિષભ પંતે ૨૦૧૮થી વિદેશી ધરતી પર ૩૬ ટેસ્ટ-મૅચમાં ૨૫૩૪ રન કર્યા છે. 
હાથના કાંડાની ઇન્જરી છતાં રમી રહેલા રિષભ પંતે ૯૫ મીટરનો સિક્સ માર્યો હતો, જેનાથી સ્ટેડિયમની એક સોલર પેનલને નુકસાન થયું હતું. બેન સ્ટોક્સ (૧૩૮ સિક્સ), બ્રેન્ડન મૅક્લમ (૧૦૭ સિક્સ) પછી રિષભ પંત ૧૦૨ સિક્સ સાથે ટેસ્ટ-ક્રિકેટના સિક્સર કિંગ્સમાં ત્રીજા ક્રમે પહોંચ્યો છે. ઍડમ ગિલક્રિસ્ટ (૧૦૦ સિક્સ) સાથે હવે ચોથા ક્રમે સરકી ગયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 01:13 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK