Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ બેસ્ટ બુમરાહ સામે સ્વીપ શૉટ રમવાનું સપનું હતું

વર્લ્ડ બેસ્ટ બુમરાહ સામે સ્વીપ શૉટ રમવાનું સપનું હતું

20 April, 2024 08:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના શ્વાસ અધ્ધર કરી દેનારો ૨૫ વર્ષનો આશુતોષ ટીમને જીત નહોતો અપાવી શક્યો, પણ વર્ષોથી જે શૉટની પ્રૅક્ટિસ કરતો હતો એ દુનિયાના બેસ્ટ ફાસ્ટ બોલરને ફટકારવામાં તે સફળ થયો હતો

આશુતોષ શર્મા

આશુતોષ શર્મા


પાંચ વખતની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે ગુરવારે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સને માત્ર ૯ રનથી હરાવીને ‍સીઝનની ત્રીજી જીત મેળવી હતી. ૧૯૨ રન બનાવ્યા બાદ પંજાબે માત્ર ૧૪ રનમાં ચાર વિકેટ ગુમાવી દેતાં મુંબઈ મોટા માર્જિનથી જીતશે એવું લાગતું હતું, પણ પંજાબના મિડલ ઑર્ડર બૅટર શશાંક સિંહ (૪૧ રન) અને આશુતોષ શર્મા (૨૮ બૉલમાં અણનમ ૬૧ રન) ફરી એક વાર ટીમની વહારે આવ્યા હતા અને અફલાતૂન ફટકાબાજી કરી ટીમને જીતના દ્વાર સુધી દોરી ગયા હતા, પણ પાંચ બૉલ બાકી હતા ત્યારે ટીમ ઑલઆઉટ થઈ જતાં પંજાબનો ૯ રનથી પરાજય થયો હતો. કરોડપતિ સ્ટાર ખેલાડીઓ વચ્ચે ફરી ૨૦ લાખમાં ખરીદાયેલા શશાંક સિંહ અને આશુતોષ શર્મા ટીમ માટે મૂલ્યવાન સાબિત થયા હતા.

આશુતોષ શર્મા નવો સૂર્યકુમાર



સાત સિક્સર અને બે ફોરની આશુતોષની અફલાતૂન ફટકાબાજીથી ક્રિકેટચાહકો અને ક્રિકેટપંડિતો ભારે ખુશ હતા અને તેમને એમાં નવો સૂર્યકુમાર દેખાયો હતો. આશુતોષે સૂર્યકુમારની સ્ટાઇલમાં ૩૬૦ ડિગ્રી શૉટ્સ રમીને મુંબઈના બોલરોની બરાબરની ધુલાઈ કરી હતી. આશુતોષે જસપ્રીત બુમરાહના બૉલમાં સ્વીપ શૉટમાં ફટકારેલી સિક્સરે તો બધાને ચોંકાવી દીધા હતા. સોશ્યલ મીડિયામાં ચાહકો તેના પર ફિદા થઈ ગયા હતા. મૅચ બાદ આશુતોષે કહ્યું હતું કે ‘બુમરાહ સામે સ્વીપ શૉટ રમવાનું મારું સપનું હતું. હું એ શૉટ રમવા માટે ખૂબ પ્રૅક્ટિસ કરતો હતો અને વર્લ્ડના બેસ્ટ બોલર સામે હું એ શૉટ ફટકારી શક્યો હતો. મને મારામાં પૂરા ભરાસો હતો કે હું ટીમને જીત અપાવી શકીશ, પણ ન અપાવી શક્યો. હાર-જીત તો રમતનો જ એક ભાગ છે.’
ખાવાનાં ફાંફાં હતાં, અમ્પાયરિંગ પણ કર્યું


મધ્ય પ્રદેશનો ૨૫ વર્ષનો આશુતોષ તેના શહેર રતલામમાં ક્રિકેટ માટે યોગ્ય સગવડ ન હોવાથી ૧૦ વર્ષની ઉંમરે ઇન્દોર શિફ્ટ થઈ ગયો હતો. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી ઇન્દોરમાં એકલા રહેવું-ખાવું અને અન્ય ખર્ચનાં ફાંફાં પડી રહ્યાં હોવાથી પૈસા માટે લોકલ મૅચમાં અમ્પાયરિંગ કરવું પડ્યું હતું જેથી એક ટંકનું ભોજન મૅનેજ થઈ શકતું હતું. તે ભૂતપૂર્વ ક્રિકેટર અમય ખુરશિયાના સંપર્કમાં આવ્યો અને તેનું નસીબ ચમકી ગયું હતું. મધ્ય પ્રદેશની ટીમમાં એન્ટ્રી મળી અને શાનદાર પર્ફોર્મ કર્યું હતું, પણ કોચ તરીકે ચંદ્રકાન્ત પંડિતની એન્ટ્રી બાદ ફરી તેના ખરાબ દિવસ શરૂ થયા અને ટીમમાંથી આઉટ થતાં ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. એ પછી રેલવેની ટીમમાં પ્રવેશ કરીને ફરી મેદાનમાં ઊતર્યો અને એક મૅચમાં તેણે ૧૧ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને યુવરાજ સિંહનો રેકૉર્ડ તોડીને ધમાદેકાર કમબૅક કર્યું હતું. પંજાબના બૅટિંગ-કોચ સંજય બાંગડની નજરમાં આવ્યો અને ૨૦ લાખમાં તેને IPLનો કૉન્ટ્રૅક્ટ મળી ગયો હતો. 

પંજાબની પાંચમાંથી ચાર હાર છેલ્લી ઓવરમાં


પંજાબ માટે આ સીઝનમાં નસીબનો જરાય સાથ નથી મળી રહ્યો. આ સીઝનમાં તેની પાંચ હારમાંથી ચાર તો છેલ્લી ઓવરમાં જોવા મળી હતી. ગુરુવારે મુંબઈ સામે છેલ્લી ઓવરના પહેલા બૉલમાં ૯ રનથી હાર થઈ એ પહેલાં હૈદરાબાદ સામે છેલ્લા બૉલમાં માત્ર બે રનથી અને રાજસ્થાન સામે સેકન્ડ લાસ્ટ બૉલમાં ૩ વિકેટે તથા બૅન્ગલોર સામે પણ છેલ્લી ઓવરમાં ૪ વિકેટે હાર જોવી પડી હતી.

આજની મૅચ- દિલ્હી કૅપિટલ્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, સાંજે ૭.૩૦ વાગ્યે,  દિલ્હી

આવતી કાલની મૅચ- કોલકાતા નાઇટ રાઇડર્સ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, બપોરે ૩.૩૦ વાગ્યે,  કલકત્તા અને પંજાબ કિંગ્સ v/s ગુજરાત ટાઇટન્સ, સાંજે ૭.૩૦ વાગ્યે,  મુલ્લાંપુર

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2024 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK