એક સમયે ધોની પાસેથી કૅપ્ટન્સી છીનવી લેનાર સંજીવ ગોયન્કા કહે છે...
સંજીવ ગોયન્કા
લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કાએ હાલમાં એક પૉડકાસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું કે ‘મેં ધોની જેવો લીડર ક્યારેય જોયો નથી. તેનો વિચાર અને દૃષ્ટિકોણ, આ ઉંમરે વ્યક્તિ પોતાને કેવી રીતે બદલી શકે છે. તે એક યુવા બોલરને ઘાતક મૅચવિનર તરીકે તૈયાર કરી શકે છે. તે જાણે છે કે તેના પ્લેયર્સનો તેણે ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ હું તેની સાથે વાત કરું છું, મને કંઈક શીખવા મળે છે. તેણે મારા ઘરે મારા પૌત્રને પણ ક્રિકેટની ટિપ્સ આપી હતી.’
૨૦૧૬ અને ૨૦૧૭માં મહેન્દ્ર સિંહ ધોની સંજીવ ગોયન્કાની પુણે સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો. એ સમયે કેટલીક નિષ્ફળતાઓને કારણે આ જ સંજીવ ગોયન્કાએ ધોની પાસેથી કૅપ્ટન્સી છીનવીને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથને આપી દીધી હતી. ધોની માટે પુણે સુપર જાયન્ટ્સમાં વિતાવેલાં બે વર્ષ અપમાનની ચૂસકી પીવા જેવા હતા.