મનીષ પાંડેને આ સીઝનમાં પહેલી વખત જ બૅટિંગ કરવાની તક મળી હતી.
મુંબઈ સામે વિનિંગ ફોર ફટકારીને ઉજવણી કરતો રિન્કુ સિંહ.
વિરાટ કોહલી અને રોહિત શર્માની જેમ તમામ IPL સીઝન રમનાર મનીષ પાંડે બુધવારે મુંબઈ સામે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને છવાઈ ગયો હતો. ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરવા દરમ્યાન મનીષ પાંડે ત્રીજા ક્રમે રમીને ૩૩ બૉલમાં ૬ ફોરની મદદથી ૪૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. છેલ્લે તે ૨૦૨૦માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા સમયે રાજસ્થાન રૉયલ્સ સામે અણનમ ૭૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. IPLમાં ૧૦મી વખત પ્લેયર ઑફ ધ મૅચ બનેલો મનીષ પાંડે આ ટુર્નામેન્ટમાં પહેલી વખત મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સામે આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ સામે ૪૯ બૉલ રમ્યા બાદ તે પહેલી વખત આઉટ થયો હતો. આ લિસ્ટમાં શિખર ધવન (૬૬ બૉલ બાદ) પહેલા ક્રમે છે. મનીષ પાંડેને આ સીઝનમાં પહેલી વખત જ બૅટિંગ કરવાની તક મળી હતી.
IPLની સીઝનમાં સૌથી વધુ સફળ રન-ચેઝનો એક દાયકા જૂનો રેકૉર્ડ તૂટ્યો
ADVERTISEMENT
બુધવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ૪ વિકેટે મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત નોંધાવી હતી. મુંબઈએ ૯૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૧૪૭-૮નો સ્કોર કર્યો હતો. કલકત્તાએ ૧૮.૫ ઓવરમાં ૬ વિકેટના નુકસાન સાથે ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરીને પ્લેઑફની પોતાની આશા જીવંત રાખી હતી. કલકત્તાની આ લો-સ્કોરિંગ રન-ચેઝ સાથે એક દાયકા જૂનો ટુર્નામેન્ટનો મોટો રેકૉર્ડ તૂટ્યો હતો. IPLની વર્તમાન સીઝન સૌથી વધુ સફળ રન-ચેઝવાળી સીઝન બની ગઈ છે. હમણાં સુધી ૬૫ મૅચમાં ૪૨ વખત ટીમોએ રન-ચેઝ કરીને જીત નોંધાવી છે. અગાઉ ૨૦૧૬માં ૬૦ મૅચમાં ૪૧ વખત ટીમોએ રન-ચેઝની મદદથી જીત મેળવી હતી.
