૪૭ રનથી હારીને હૈદરાબાદ આઉટઃ સૂર્યવંશીએ ૧૨ સિક્સર ફટકારીને ક્રિસ ગેઇલને પછાડ્યો પણ જરાક માટે તેનો ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ ચૂકી ગયો : હવે આ જ મેદાનમાં ફાઇનલ-પ્રવેશ માટે આવતી કાલે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર
વૈભવ સૂર્યવંશીએ ૧૨ સિક્સરોની રમઝટ બોલાવી ગેઇલનો રેકૉર્ડ તોડ્યો.
ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરના સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલા એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સે વન્ડર-બૉય વૈભવ સૂર્યવંશી અને ઇંગ્લૅન્ડના પેસ બોલર જોફ્રા આર્ચરના દમ પર સનરાઇઝર્સ હૈદરાબાદને ૪૭ રનથી હરાવીને સેમી ફાઇનલ સમી ક્વૉલિફાયર 2માં પ્રવેશ કરી લીધો હતો. સૂર્યવંશીની ૨૯ બૉલમાં ૧૨ સિક્સર અને પાંચ ફોર સાથેની ૯૭ રનની ધમાકેદાર ઇનિંગ્સના જોરે આપેલા ૨૪૪ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદ ઑલઆઉટ થતાં પહેલાં ૧૯.૨ ઓવરમાં ૧૯૬ રન જ બનાવી શક્યું હતું. હવે આવતી કાલે ફાઇનલ-પ્રવેશ માટે આ જ મેદાનમાં રાજસ્થાનની ટક્કર ક્વૉલિફાયર 1માં હારનાર ગુજરાત ટાઇટન્સ સામે થશે.
ગેઇલનો એક રેકૉર્ડ તૂટ્યો, એક બચી ગયો
ADVERTISEMENT
વૈભવ સૂર્યવંશીની કુલ ૧૨ સિક્સર સાથે આ સીઝનમાં તેની કુલ ૬૫ સિક્સર થઈ ગઈ હતી. આ સાથે તેણે T20 ટુર્નામેન્ટની એક સીઝનમાં સૌથી વધુ સિક્સરના ક્રિસ ગેઇલ (૫૯ સિક્સર)ના રેકૉર્ડને તોડી નાખ્યો હતો. જોકે એ જરાક માટે તેનો જ એક અન્ય રેકૉર્ડ તોડી નહોતો શક્યો. સૂર્યવંશી ૨૮ બૉલમાં ૯૭ રન સાથે રમી રહ્યો હતો ત્યારે ગેઇલનો ૩૦ બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો રેકૉર્ડ ખતરામાં આવી ગયો હતો, પણ પેસ બોલર પ્રફુલ્લ હિન્ગેના શૉર્ટ બૉલમાં વૈભવ અપર કટ મારવા ગયો અને ડીપ થર્ડમૅનના સ્થાને રવિચન્દ્રન સ્મરણને કૅચ આપી બેઠો હતો. આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો અને વૈભવ પણ ખૂબ જ નિરાશા સાથે પૅવિલિયન પાછો ફર્યો હતો. વૈભવ ઉપરાંત ધ્રુવ જુરેલે પણ ૨૧ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૦ રન બનાવ્યા હતા. જુરેલના રૂપમાં ત્રીજી વિકેટ પડી ત્યારે રાજસ્થાનનો સ્કોર ૧૩.૫ ઓવરમાં ૧૯૨ હતો. રાજસ્થાન ૨૬૦ પ્લસનો ટાર્ગેટ આપશે એવું લાગતું હતું પણ ત્યાર બાદ ૩૭ બૉલમાં રાજસ્થાન ૫૧ રન જ બનાવી શક્યું હતું. હૈદરાબાદ વતી પ્રફુલ્લ હિન્ગે ૫૪ રનમાં ૩ વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો હતો.
334.48: ૨૯ બૉલમાં ૯૭ રન દરમ્યાન વૈભવનો આ સ્ટ્રાઇક-રેટ IPLની ૯૦ પ્લસની ઇનિંગ્સમાં હાઇએસ્ટ બની ગયો હતો. તેણે એક દિવસ પહેલાં જ રજત પાટીદાર (૨૮૧.૮૧ના સ્ટ્રાઇક-રેટ સાથે ૩૩ બૉલમાં અણનમ ૯૩ રન)ના રેકૉર્ડને તોડી નાખ્યો હતો.
વૈભવે 16 બૉલમાં ફટકારેલી હાફ સેન્ચુરી IPL પ્લેઑફમાં જૉઇન્ટ ફાસ્ટેસ્ટ બની ગઈ હતી. સુરેશ રૈનાએ ૨૦૧૪માં પંજાબ સામે આવી કમાલ કરી હતી.
IPLની એક ઇનિંગ્સમાં કાલની હાઇએસ્ટ 12 સિક્સ સાથે વૈભવે તેના જ રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી.
4: એક ઇનિંગ્સમાં ૧૦ કે વધુ સિક્સરોની કમાલ વૈભવે ચોથી વાર કરીને ગેઇલના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી.
આર્ચરનો તરખાટ
૨૪૪ રનના ટાર્ગેટ છતાં રાજસ્થાનને ડર હૈદરાબાદના ટૉપ થ્રી બૅટરોનો હતો, પણ જોફ્રા આર્ચરે એ ત્રણેયને એટલે કે અભિષેક શર્મા (૦), ટ્રૅવિસ હેડ (૧૭) અને ઈશાન કિશન (૩૩)ને પૅવિલિયન ભેગા કરીને રાજસ્થાનની જીત પાકી કરી દીધી હતી. નીતિશકુમાર રેડ્ડી (૨૦ બૉલમાં ૩૮) અને સલિલ અરોરા (૨૧ બૉલમાં ૩૫ રન)ના પ્રતિકાર છતાં હૈદરાબાદ ૧૯૬ રન જ બનાવી શક્યું હતું.
ઑરેન્જ કૅપ ફરી વૈભવના શિરે ૯૭ રન સાથે સીઝનમાં કુલ ૬૮૦ રન કરીને વૈભવે ગુજરાતના સાઈ સુદર્શન (૬૫૨ રન) પાસેથી ઑરેન્જ કૅપ પાછી મેળવી લીધી હતી.
