વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે સેમી-ફાઇનલ મૅચમાં ૨૫૪ રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે જેકબ બેથલે ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ભારતીય ફૅન્સને શાંત રાખ્યા હતા.
જેકબ બેથલ
વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે સેમી-ફાઇનલ મૅચમાં ૨૫૪ રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે જેકબ બેથલે ૨૧૮.૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ભારતીય ફૅન્સને શાંત રાખ્યા હતા. જોકે જસપ્રીત બુમરાહની ઓવરમાં હાર્દિક પંડ્યાના થ્રો અને સંજુ સૅમસનની સ્ટમ્પિંગને કારણે તેની ૭ સિક્સ, ૮ ફોરની મદદથી ૪૮ બૉલમાં રમેલી ૧૦૫ રનની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
મેન્સ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ કે ફાઇનલ મૅચમાં રમાયેલી આ સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ હતી. તેણે પહેલી સેમી-ફાઇનલમાં ૧૦૦ રન કરનાર ન્યુ ઝીલૅન્ડના ફિન ઍલનનો રેકૉર્ડ ૨૪ કલાકની અંદર તોડી નાખ્યો હતો. ફિન ઍલન (૩૩ બૉલ) બાદ તે આ ટુર્નામેન્ટના ઇતિહાસની ૪૬ બૉલની બીજી ફાસ્ટેસ્ટ સદી ફટકારનાર બૅટર બન્યો છે. જેકબ બેથલે ઇંગ્લૅન્ડ તરફથી T20 વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ ૧૯ બૉલની ફિફ્ટી પણ નોંધાવી હતી.
બાવીસ વર્ષ ૧૩૩ દિવસની ઉંમરે તે ઇંગ્લૅન્ડ માટે ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનાર યંગેસ્ટ બૅટર બન્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં તેણે સાઉથ આફ્રિકા સામે વન-ડે મૅચમાં ૮૨ બૉલમાં ૧૧૦ રન અને જાન્યુઆરી ૨૦૨૬માં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-મૅચમાં ૨૬૫ બૉલમાં ૧૫૪ રન ફટકાર્યા હતા અને ગુરુવારે તેણે ભારત સામે પહેલી T20 ફૉર્મેટની પહેલી સદી કરી હતી. તે પહેલો એવો ક્રિકેટર બન્યો છે જેણે ત્રણેય ફૉર્મેટમાં પહેલી સદી ડોમેસ્ટિક નહીં પણ ઇન્ટરનૅશનલ લેવલે રમવા દરમ્યાન ફટકારી હોય.
સપ્ટેમ્બર ૨૦૨૪માં તેણે ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું હતું. ૬ ટેસ્ટ-મૅચમાં તેણે ૪૭૬ રન, ૨૧ વન-ડે મૅચમાં ૬૦૩ રન અને ૩૧ T20 મૅચમાં ૬૯૭ રન કર્યા છે. તે એક સ્પિન બોલર પણ છે. તેણે અંગ્રેજ ટીમ માટે ટેસ્ટમાં ૪ વિકેટ અને બન્ને વાઇટ-બૉલ ફૉર્મેટમાં ૮-૮ વિકેટ સ્પિનર તરીકે નોંધાવી છે.
બાર્બેડોઝમાં થયો હતો જન્મ, ૧૩ વર્ષની ઉંમરે ઇંગ્લૅન્ડ શિફ્ટ થયો, ૨૦૨૨માં ભારત સામેની સેમી-ફાઇનલ દર્શક તરીકે જોઈ હતી
જેકબ બેથલનો જન્મ ૨૦૦૩માં કૅરિબિયન ટાપુ બાર્બેડોઝમાં થયો હતો. ત્યાંની ગલીઓમાં તેનું બાળપણ ક્રિકેટના માહોલ વચ્ચે જ પસાર થયું હતું. તેના પપ્પા ગ્રેહામ બેથલ બાર્બેડોઝના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર હતા અને તેના પહેલા કોચ પણ. ૧૩ વર્ષની ઉંમરે તેને ઇંગ્લૅન્ડની રગ્બી સ્કૂલમાં ક્રિકેટ સ્કૉલરશિપ મળી અને તેના જીવનની દિશા બદલાઈ ગઈ હતી.
૨૦૨૨માં T20 વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ભારતને માત આપી હતી. એ સમયે ઍડીલેડના મેદાન પર તે દર્શક તરીકે હાજર હતો. એ સમયનો ફોટો પણ હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ છે.
