બે વાર છ-છ સિક્સર સાથે ઝુડાઈ જનાર IPLનો પ્રથમ બૉલર બન્યો
યુઝવેન્દ્ર ચહલ
બુધવારે જાહેર થયેલી આગામી T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્થાન મેળવીને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે રાહતનો શ્વાસ લીધો હતો. લાંબા સમય બાદ ચહલ ભારતીય ટીમમાંથી બહાર હતો, પણ આ સિલેક્શન બાદ પહેલી જ મૅચમાં તે બરાબરનો ઝુડાઈ ગયો હતો અને એક નામોશીભર્યો રેકૉર્ડ તેના નામે થઈ ગયો હતો.
નવાઈની વાત એ છે કે આ નામોશીભર્યો રેકૉર્ડ તેણે તેની લૅન્ડમાર્ક ૩૦૦મી ટી૨૦ મૅચમાં કર્યો હતો. ભારત વતી ૩૦૦ T20 મૅચ રમનાર તે ૧૧મો ખેલાડી બન્યો હતો. ગુરુવારે સાંજે હૈદરાબાદ સામે ચહલે IPl કરીઅરના સૌથી મોંઘા સ્પેલમાં ૪ ઓવરમાં ૬૨ રન આપી દીધા હતા અને કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. તેણે પહેલી ઓવરમાં ૭, બીજીમાં ૧૮, ત્રીજીમાં ૨૧ અને ચોથી ઓવરમાં ૧૬ રન આપ્યા હતા. તેની આ ૪ ઓવરમાં બૅટરોએ ૬ સિક્સર અને ચાર ફોર ફટકારી દીધી હતી. આ સાથે જ IPLમાં જેના સ્પેલમાં બે વાર છછ્છ સિક્સર ફટકારી હોય એવો પ્રથમ બોલર બન્યો હતો. આ પહેલાં ૨૦૧૫માં જ્યારે તે બૅન્ગલોર વતી રમતો હતો ત્યારે મુંબઈ સામે કરેલી ૪ ઓવરમાં ૬ સિક્સર સાથે ૫૧ રન આપ્યા હતા. આ ઉપરાંત ચહલ ૬૨ રન સાથે રાજસ્થાનનો સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો.