અમદાવાદમાં જીતના જશન દરમ્યાન નૅશનલ ફ્લૅગ પહેરીને ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે રોમૅન્ટિક થવું હાર્દિક પંડ્યાને ભારે પડ્યું
રવિવારે ફાઇનલ મૅચ જીત્યા બાદ મેદાન પર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ સાથેની આવી ઉજવણીને કારણે ઊભો થયો નવો વિવાદ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની T20 વર્લ્ડ કપની જીત બાદ ઉજવણી દરમ્યાન રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવા બદલ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ પુણેના શિવાજીનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પુણે સ્થિત વકીલ વાજિદ ખાન બિડકરે આ ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.
ફરિયાદ મુજબ ટુર્નામેન્ટ જીત્યા બાદ મેદાન પર ભારતીય ટીમના ઉજવણીના ઘણા વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. આવા જ એક વિડિયોમાં હાર્દિક પંડ્યા ખભા પર તિરંગો ઝંડો લપેટીને મેદાન પર નાચતો અને દોડતો જોવા મળે છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ઉજવણી દરમ્યાન હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે સ્ટેજ પર સૂતો જોવા મળ્યો હતો. એના ખભા પર તિરંગો હજી પણ લપેટાયેલો હતો જે કથિત રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન છે.
ADVERTISEMENT
ઍડ્વોકેટ વાજિદ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હાર્દિક પંડ્યા કોઈ છપરીની જેમ ગળામાં રાષ્ટ્રધ્વજ બાંધીને ફરતો હતો. તે જીતની ઉજવણીમાં એટલો ખોવાઈ ગયો હતો કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ પહેરીને સૂઈ ગયો. મારું માનવું છે કે આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે. ૧૯૭૧ના રાષ્ટ્રીય ધ્વજ અધિનિયમની કલમ બે મુજબ તિરંગાની ગરિમાને ઠેસ પહોંચાડી શકાય નહીં.’
