કહે છે ખેલાડી આખી જિંદગી રમતો નથી રહેવાનો, પરંતુ ભણતર જિંદગીભર કામ લાગશે, ભણવાનું અવગણીને ફક્ત રમતગમત પર જ ધ્યાન આપવાને જોખમી ગણાવીને સિંધુ કહે છે...
ફક્ત એક ઇન્જરી ખેલાડીની કરીઅર ખતમ કરી નાખે છે
બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુને એજ્યુકેશનને અવગણીને ફક્ત રમતગમત પર જ ધ્યાન કૅન્દ્રિત કરવું જોખમી લાગે છે, કારણ કે માત્ર એક ઈજા ખેલાડીની કરીઅર ખતમ કરી શકે છે. આથી ખેલાડીએ બૅક-અપ પ્લાન તૈયાર રાખવો ખૂબ જ જરૂરી છે.
પી. વી. સિંધુ થોડા સમય પહેલાં દુબઈમાં યુદ્ધને લીધે ઍરપોર્ટ બંધ થઈ જતાં થોડાક દિવસો સુધી ફસાઈ ગઈ હતી અને આખરે સુરક્ષિત બૅન્ગલોર પાછી ફરી હતી. ગઈ કાલે ગુરુગ્રામમાં એક સ્કૂલના કાર્યક્રમમાં યુવાનોને સલાહ આપતાં તેણે કહ્યું હતું કે ‘કોઈ મોઢામાં સોનાની ચમચી સાથે જન્મ નથી લેતું. એજ્યુકેશન હોય કે રમતગમત, તમારે સખત મહેનત કરવાની હોય છે. રમતગમત અને એજ્યુકેશન બન્ને જ મહત્ત્વનાં છે. મેં MBA કર્યું છે એટલે હું જાણું છું કે આ બન્ને એક સાથે કરવું સહેલું નથી. તમે સવારે ટ્રેઇનિંગ માટે જાઓ, પાછા આવીને ભણો અને પાછા સાંજે ટ્રેઇનિંગ સેશનમાં જાઓ; ખૂબ જ અઘરું છે, પણ સત્ય એ છે કે સ્પોર્ટ્સ એક નાનકડી બાબત છે જ્યારે એજ્યુકેશન જિંદગીભર તમારી સાથે રહેશે. રમતગમત મહત્ત્વપૂર્ણ છે, પણ એટલું પણ નહીં કે તમે એના માટે તમારું ભણવાનું બિલકુલ છોડી દો. તમને મારી વાત અત્યારે કદાચ કડવી લાગતી હશે અથવા તમને એ અત્યારે સમજાય નહીં રહી હોય, પણ જિંદગીના એક પડાવ પર તમને જરૂર અહેસાસ થશે કે ભણતર પણ મહત્ત્વનું છે, કારણ કે તમે જાણો છો કે રમતગમત ક્યારેક જોખમી બની જાય છે. એક ઇન્જરી ખેલાડીની કરીઅરને ખતમ કરી નાખે છે.’
ADVERTISEMENT
સ્પોર્ટ્સમાં ઈજા બાદ કમબૅક કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે એમ જણાવીને પી. વી. સિંધુએ વધુમાં જણાવ્યું હતું કે ‘હું વર્ષોથી રમું છું. એક સમય આવશે ત્યારે તમારે રિટાયર થવું પડશે. તમે ૪૫, ૫૦ કે ૬૦ વર્ષની ઉંમરે હાઇએસ્ટ લેવલે સ્પોર્ટ્સ ન રમી શકો એનો તમારે સ્વીકાર કરવો જ રહ્યો. ઈજાઓ ગમે ત્યારે થઈ શકે છે, એ કહીને નથી આવતી. ઈજાઓ, સર્જરી બાદ કમબૅક કરવું આસાન નથી. ક્યારેક તો એક ઈજા પણ તમારી કરીઅરને ખતમ કરી નાખે છે. આથી તમારે આની માટે તૈયાર રહેવું જરૂરી છે.’
