કૃણાલે રવિવારે ટ્વિટર પર હાર્ટવાળા ઇમોજી સાથે કૅપ્શનમાં ‘કવિર કૃણાલ પંડ્યા’ લખ્યું હતું

કૃણાલ પંડ્યા, પત્ની પંખુરી અને પુત્ર કવિર
વડોદરામાં રહેતા ભારતીય ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાની પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો એને પગલે ગઈ કાલે સચિન તેન્ડુલકર અને હરભજન સિંહ સહિત ઘણા ક્રિકેટરોએ કૃણાલને સોશ્યલ મીડિયા પર પહેલી વાર પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. કૃણાલ-પંખુરીએ પુત્રનું નામ કવિર રાખ્યું છે. કૃણાલે રવિવારે ટ્વિટર પર હાર્ટવાળા ઇમોજી સાથે કૅપ્શનમાં ‘કવિર કૃણાલ પંડ્યા’ લખ્યું હતું.
સચિને ટ્વિટર પર કૃણાલ અને પંખુરીને અભિનંદન આપતાં લખ્યું હું, ‘તમને બન્નેને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છા. ગૉડ બ્લેસ ઍન્ડ લૉટ્સ ઑફ લવ ટુ કવિર.’ ભૂતપૂર્વ ક્રિકેટર અને સંસદસભ્ય હરભજન સિંહે પણ ટ્વિટર પર ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ....ગૉડ બ્લેસ’નો સંદેશ લખ્યો હતો. કૃણાલના નાના ભાઈ હાર્દિક પંડ્યાએ પહેલી વાર પેરન્ટ્સ બનેલાં ભાઈ-ભાભી માટેના ઇન્સ્ટાગ્રામ પરના મેસેજમાં ‘લવ યુ બેબીઝ’ લખવાની સાથે આનંદ વ્યક્ત કરીને અભિનંદન આપ્યાં હતાં.
કૃણાલ ભારત વતી છેલ્લે જુલાઈ ૨૦૨૧માં રમ્યો હતો. તે ભારત વતી પાંચ વન-ડે અને ઓગણીસ ટી૨૦ રમ્યો છે. તે આઇપીએલમાં અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યા પછી આ વર્ષે લખનઉની ટીમ વતી રમ્યો હતો.