શિખર ધવનની ભૂતપૂર્વ પત્નીને ૫.૭ કરોડ રૂપિયા વ્યાજ સહિત પરત કરવાનો આદેશ આપ્યો દિલ્હીની એક ફૅમિલી કોર્ટે : ઑસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા પસાર કરાયેલું છૂટાછેડા સંબંધિત મિલકત-સમાધાન અમાન્ય ગણાવ્યું
આ કપલે ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા
દિલ્હીની એક ફૅમિલી કોર્ટે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનની ભૂતપૂર્વ પત્ની આયેશા મુખરજી સાથે ઑસ્ટ્રેલિયામાં થયેલા પ્રૉપર્ટી-સેટલમેન્ટને અમાન્ય જાહેર કર્યું છે. તેને ૫.૭ કરોડ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી કોર્ટે ફેબ્રુઆરી ૨૦૨૪માં ઑસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા આપવામાં આવેલા મિલકત-ટ્રાન્સફર અને સેટલમેન્ટના આદેશોનો ભારતમાં અમલ પર સ્ટે મૂક્યો હતો.
કોર્ટે નોંધ્યું કે લગ્ન ભારતમાં નોંધાયેલાં હતાં અને વિદેશી કોર્ટ પાસે વિવાદ પર નિર્ણય લેવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ‘ધવન આ મામલે ઑસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા જાહેર કરાયેલા કોઈ પણ આદેશથી બંધાયેલો નથી. શિખર ધવન પાસે ધમકી, દબાણ અને કપટપૂર્ણ સંજોગોમાં પ્રૉપર્ટી-સેટલમેન્ટના દસ્તાવેજો પર સહી કરાવવામાં આવી હતી. આયેશા મુખરજી ઑસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા આપેલા ચુકાદા અનુસાર ૧૬.૯ કરોડ રૂપિયાની માગણી પણ નહીં કરી શકે.’
ADVERTISEMENT
આ કપલે ૨૦૨૩માં છૂટાછેડા લીધા હતા અને ધવનને તેના પુત્ર જોરાવર સાથે મર્યાદિત મુલાકાત-અધિકારો આપવામાં આવ્યા હતા.
