શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ માટે પસંદ ન થયો એને પગલે આ ચર્ચાએ પકડ્યો વેગ
રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા ફરી ભારતની વન-ડે ટીમ માટે રમે એવા ચાન્સ હવે નહીંવત્ લાગી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી તેણે ગયા મહિને રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. જાડેજા ભારત માટે ૧૯૭ વન-ડે મૅચ રમ્યો છે જેમાં તેણે ૨૭૫૬ રન કર્યા છે અને ૨૨૦ વિકેટ લીધી છે. ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આવતા વર્ષે રવીન્દ્ર જાડેજા પહેલાં સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરને ચાન્સ આપવામાં આવે એવી ચર્ચા છે. આ જ કારણ છે કે શ્રીલંકા સામેની ત્રણ-મૅચની વન-ડે સિરીઝમાં જાડેજા પહેલાં તેમને પસંદ કરવામાં આવ્યા છે. ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારત ફક્ત ૬ વન-ડે મૅચ રમી રહ્યું છે જેમાંથી ત્રણ શ્રીલંકા સામે છે. રવીન્દ્ર જાડેજાના પર્ફોર્મન્સ સામે ભારતીય ક્રિકેટ બોર્ડ અને સિલેક્ટર્સને કોઈ વાંધો નથી, પરંતુ તેઓ હવે ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવાન પ્લેયર્સને વધુ ચાન્સ આપવા માગે છે. વન-ડે ટીમમાં ભલે તેના ચાન્સ ઓછા હોય, પરંતુ ટેસ્ટમૅચમાં હજી તેનું સ્થાન ચોક્કસ છે. તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં રોહિત શર્માની કૅપ્ટન્સી હેઠળ રમતો જોવા મળશે.

