વિમેન્સ એશિયા કપમાં ભારતની જોરદાર શરૂઆત : ૧૦૯ રનના ટાર્ગેટ સામે ૭ વિકેટે વિજય
શફાલી વર્મા અને સ્મૃતિ માન્ધનાએ ૮૫ રનની પાર્ટનરશિપ કરીને ભારતને જોરદાર શરૂઆત અપાવી હતી.
ગઈ કાલે શ્રીલંકામાં શરૂ થયેલા વિમેન્સ એશિયા કપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં ૧૦૯ રનના ટાર્ગેટ સામે ભારતની ઓપનિંગ જોડી શફાલી વર્મા અને સ્મૃતિ માન્ધનાએ ૮૫ રનની પાર્ટનરશિપ કરીને ભારતને જોરદાર શરૂઆત અપાવી હતી. પાકિસ્તાનની કૅપ્ટન નિદા ડારે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું નક્કી કર્યું હતું. પાકિસ્તાનની સિદ્રા અમીને ૩૫ બૉલમાં સૌથી વધુ ૨૫ રન કર્યા હતા. તેમની એક પછી એક વિકેટ પડતાં પાકિસ્તાન ૧૦૮ રને ઑલઆઉટ થઈ ગયું હતું. ૧૦૯ રનનો ટાર્ગેટ મેળવવા સ્મૃતિ અને શફાલી બૅટિંગમાં આવી હતી. ૮૫ રનની પાર્ટનરશિપ બાદ સ્મૃતિ ૩૧ બૉલમાં ૪૫ રન કરીને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ શફાલી પણ ૨૯ બૉલમાં ૪૦ રન કરીને આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે ૧૪.૧ ઓવરમાં ૧૦૯ રનનો ટાર્ગેટ પૂરો કરી પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું.
ભારતીય બોલર્સનો રહ્યો દબદબો
ADVERTISEMENT
ઇન્ડિયન વિમેન્સ ટીમની બોલર્સનો પાકિસ્તાનની ટીમ સામે રુત્બો જોવા મળ્યો હતો. રેણુકા સિંહે ૪ ઓવરમાં ૧૪ રન આપીને બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે ૪ ઓવરમાં ૩૧ રન આપીને બે વિકેટ લીધી હતી. પૂજાએ સૌથી વધુ રન આપ્યા હતા. રાધા યાદવે ૪ ઓવરમાં ૨૬ રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ નહોતી મળી. શ્રેયંકા પાટીલે ૩.૨ ઓવરમાં ૧૪ રન આપીને બે વિકેટ લીધી હતી.