Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આર્ચરીમાં બે જોડીએ મેડલનું ખાતું ખોલાવ્યું

આર્ચરીમાં બે જોડીએ મેડલનું ખાતું ખોલાવ્યું

Published : 22 October, 2026 01:38 PM | Modified : 22 October, 2026 02:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જન્મથી જ હાથ ન ધરાવતી શીતલ અને ચારેય અંગો ગુમાવી ચૂકેલી ઓડિશાની પાયલને ચીની જોડી સામે ગોલ્ડ મેડલ મૅચમાં ૧૪૧-૧૫૦ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો. ૮ વર્ષની ઉંમરે પાયલ એક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી.

આર્ચરીમાં ભારતને મળ્યા મેડલ

આર્ચરીમાં ભારતને મળ્યા મેડલ


એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતે ગઈ કાલે આર્ચરી એટલે કે તીરંદાજીમાં બે મેડલ સાથે ખાતું ખોલાવ્યું હતું. શીતલ દેવી અને પાયલ નાગની ભારતીય જોડીએ કમ્પાઉન્ડ W1 મહિલા ડબલ્સની ફાઇનલમાં હાર્યા બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. સ્વાતિ ચૌધરી અને આદિલ મોહમ્મદ નઝીર અન્સારીએ મિક્સ્ડ ટીમ W1 રિકર્વ સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

W1 એ પૅરા-આર્ચરીની એવી કૅટેગરી છે જે એવા ખેલાડીઓ માટે છે જેમના હાથ અને પગમાં ગંભીર શારીરિક ક્ષતિઓ હોય છે, જેમાં વ્હીલચેરનો ઉપયોગ કરતા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.



જન્મથી જ હાથ ન ધરાવતી શીતલ અને ચારેય અંગો ગુમાવી ચૂકેલી ઓડિશાની પાયલને ચીની જોડી સામે ગોલ્ડ મેડલ મૅચમાં ૧૪૧-૧૫૦ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો. ૮ વર્ષની ઉંમરે પાયલ એક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી જેમાં તે ૧૧,૦૦૦ વોલ્ટની હાઈ-ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે તેનાં ચારેય અંગો કાપી નાખવાં પડ્યાં હતાં.


સ્વિમિંગમાં ભારત માટે એક સિલ્વર અને બે બ્રૉન્ઝ સહિત વધુ ત્રણ મેડલ ઉમેરાયા

એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતના સ્વિમિંગ મેડલની સંખ્યા ૬ સુધી પહોંચી છે. ત્રીજા દિવસે ભારતના સ્વિમર્સે એક સિલ્વર અને બે બ્રૉન્ઝ જીત્યા હતા. સ્વિમિંગ ટીમે હમણાં સુધી બે સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ અપાવ્યા છે.


પુરુષોની ૧૦૦ મીટર બૅકસ્ટ્રોક S13 સ્વિમિંગ રેસમાં રવિ બુડિગિનાએ સિલ્વર મેડલ જીત્યો હતો. પુરુષોની ૧૦૦ મીટર બ્રૅસ્ટસ્ટ્રોક SB11 ઇવેન્ટમાં હિમાંશુ નંદલ અને પુરુષોની ૧૦૦ મીટર બ્રૅસ્ટસ્ટ્રોક SB4 ઇવેન્ટમાં રોહિત કુમારે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.

S13 કૅટેગરી દૃષ્ટિની ક્ષતિ ઓછી હોય એવા ખેલાડીઓ, SB11 કૅટેગરી સંપૂર્ણ અથવા લગભગ સંપૂર્ણ જોઈ ન શકતા ખેલાડીઓ અને SB4 કૅટેગરી હાથ, પગ અથવા શરીરના નિયંત્રણમાં નોંધપાત્ર મર્યાદા ધરાવતા ખેલાડીઓ માટે છે.

બૅડ્‍મિન્ટન અને પાવરલિફ્ટિંગમાં પણ મેડલ આવ્યા

આનુવંશિક વિકારને કારણે ઓછી ઊંચાઈ ધરાવતા ખેલાડીઓની SL6 કૅટેગરીમાં ક્રિષ્ના નાગર અને શિવરાજન સોલાઈમલાઈએ મેન્સ ડબલ્સ બૅડ્‍મિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો. અલ્ફિયા જેમ્સ અને પલ્લવી કલુવેહલ્લીએ હલનચલનની મર્યાદા ધરાવતા ખેલાડીઓની WH1-2 કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો.

બન્ને પગમાં પોલિયોથી અસરગ્રસ્ત અને નાનપણમાં જ પોતાની માતાને ગુમાવનારી ૪૨ વર્ષની કસ્તુરી રાજામણિએ પાવરલિફ્ટિંગની ૬૭ કિલોની કૅટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તામિલનાડુનાં કસ્તુરીએ ત્રીજા અને અંતિમ પ્રયાસમાં ૧૦૮ કિલો વજન ઉપાડીને આ મેડલ જીત્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK