૨૦૩૦ની યજમાની રોનાલ્ડોના જન્મસ્થાન પોર્ટુગલ સહિત સ્પેન અને મૉરોક્કોને મળી છે, જ્યારે ૨૦૩૪નો વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં રમાશે જ્યાં તે હાલમાં ક્લબ લેવલ પર ફુટબૉલ રમે છે
૨૦૩૪નો ફુટબૉલનો વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં યોજાશે એની જાહેરાત થયા પછી બુધવારે રિયાધમાં ડ્રોન દ્વારા સર્જિત લાઇટ-શો અને આતશબાજી થયાં હતાં.
૧૧ ડિસેમ્બરે ફુટબૉલની વૈશ્વિક સંસ્થા FIFAએ ૨૦૩૦ અને ૨૦૩૪ના મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપના યજમાન દેશની જાહેરાત કરી હતી. આ બન્ને ફુટબૉલ વર્લ્ડ કપના યજમાનનાં નામ સાંભળીને પોર્ટુગલના ૩૯ વર્ષના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોના ફૅન્સ સૌથી વધુ ખુશ હતા, કારણ કે ૨૦૩૦ની યજમાની રોનાલ્ડોના જન્મસ્થાન પોર્ટુગલ સહિત સ્પેન અને મૉરોક્કોને મળી છે, જ્યારે ૨૦૩૪નો વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં રમાશે જ્યાં તે હાલમાં ક્લબ લેવલ પર ફુટબૉલ રમે છે.
આ જાહેરાત બાદ તેણે સોશ્યલ મીડિયા પર પોર્ટુગલની જર્સી પહેરીને ઉજવણી કરતી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે ‘સ્વપ્ન સાકાર થાય છે. આ ખૂબ જ ખાસ વર્લ્ડ કપ હશે. પોર્ટુગલ ૨૦૩૦માં વર્લ્ડ કપની યજમાની કરીને અમને ગૌરવ અપાવશે.’
ADVERTISEMENT
આ પોસ્ટ બાદ ચર્ચા ઊપડી છે કે ૩૯ વર્ષનો રોનાલ્ડો ૨૦૩૦માં પોતાની જન્મભૂમિ પર ૪૫ વર્ષની ઉંમરે પણ વર્લ્ડ કપ રમશે?
ફુટબૉલ વર્લ્ડ કપની ૧૦૦મી વર્ષગાંઠ આ રીતે બનશે સ્પેશ્યલ
૧૯૩૦માં પહેલી વાર ઉરુગ્વેમાં ફુટબૉલ વર્લ્ડ કપ રમાયો હતો. એથી ૨૦૩૦માં ફુટબૉલ વર્લ્ડ કપની ઓપનિંગ મૅચ ઉરુગ્વેમાં જ રમાશે. ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સાઉથ અમેરિકન દેશ આર્જેન્ટિના અને પેરાગ્વેને પણ એક-એક વર્લ્ડ કપ મૅચનું આયોજન કરવાની તક મળશે. સ્પેન, પોર્ટુગલ અને મૉરોક્કોને સંયુક્ત હોસ્ટિંગ અધિકારો મળ્યા છે એટલે પહેલી વાર ૬ દેશમાં એક ફુટબૉલ વર્લ્ડ કપની મૅચ રમાશે.