ફાઇનલમાં પહોંચવાની રેસમાં ફ્રાન્સ-સ્પેન અને ઇંગ્લૅન્ડ-આર્જેન્ટિનાની ટક્કર થશે
જીત બાદ શર્ટલેસ થઈને જીતની ઉજવણી કરતો જોવા મળ્યો મેસી
ફુટબૉલ વર્લ્ડ કપની ૨૩મી આવૃત્તિની સેમી-ફાઇનલની ટીમો નક્કી થઈ ગઈ છે. વર્લ્ડ કપના ૯૬ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ફુટબૉલ રૅન્કિંગમાં ટૉપ-ફોરમાં સ્થાન ધરાવતી ટીમો વચ્ચે સેમી-ફાઇનલ મૅચ રમાશે. વર્લ્ડ રૅન્કિંગમાં હાલમાં આર્જેન્ટિના પહેલા ક્રમે, સ્પેન બીજા ક્રમે, ફ્રાન્સ ત્રીજા ક્રમે અને ઇંગ્લૅન્ડ ચોથા ક્રમે છે. ભારતીય સમય અનુસાર ૧૫ જુલાઈએ મધરાતે ૧૨.૩૦ વાગ્યે પહેલી સેમી-ફાઇનલ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ડેલસ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમી-ફાઇનલ ૧૬ જુલાઈએ મધરાતે ૧૨.૩૦ વાગ્યે ઇંગ્લૅન્ડ અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના વચ્ચે ઍટલાન્ટામાં રમાશે.
12
ADVERTISEMENT
સૌથી વધુ સતત આટલી વર્લ્ડ કપ મૅચોમાં બે કે અેથી વધુ ગોલ કરવાનો રેકૉર્ડ કર્યો આર્જેન્ટિનાએ. ઉરુગ્વેનો ૧૯૩૦થી ૧૯૫૪ દરમ્યાનનો ૧૧ મૅચનો રેકૉર્ડ તોડ્યો.
એક્સ્ટ્રા ટાઇમમાં બે ગોલ કરીને આર્જેન્ટિનાએ ૩-૧થી સ્વિટ્ઝરલૅન્ડને હરાવ્યું
કેન્સસ સિટી સ્ટેડિયમમાં ગઈ કાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ ૩-૧થી સ્વિટ્ઝરલૅન્ડ સામે ચોથી ક્વૉર્ટર-ફાઇનલમાં જીત નોંધાવી હતી. આર્જેન્ટિનાના ૧૦મી મિનિટના ગોલ સામે સ્વિટ્ઝરલૅન્ડે ૬૭મી મિનિટના ગોલથી સ્કોર બરાબર કર્યો હતો. એક્સ્ટ્રા ટાઇમમાં ૧૧૨ અને ૧૨૧મી મિનિટના ગોલ સાથે આર્જેન્ટિનાએ મૅચમાં વિજયી લીડ મેળવી લીધી હતી.
સ્વિટ્ઝરલૅન્ડ ફૉર્વર્ડ પ્લેયર બ્રિલ ઍમ્બોલોએ હરીફ ખેલાડીએ મને મેદાન પર પાડ્યો છે એવો દાવો કરીને ફાઉલ બુક કરવાનો પ્રયાસ કર્યો. જોકે આ ખેલાડી જાતે જ પડ્યો છે એવું કૅમેરા રીપ્લેમાં દેખાતાં રેફરીએ આ ડ્રામેબાજ ખેલાડીને રેડ કાર્ડ આપીને બહાર કર્યો હતો. ૭૦મી મિનિટથી રમતમાં સ્વિટ્ઝરલૅન્ડ ૧૦ ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું.
૧૮મી વખત વર્લ્ડ કપ રમનાર આર્જેન્ટિના સાતમી વખત સેમી-ફાઇનલમાં પહોંચ્યું છે. ૧૩મી વખત વર્લ્ડ કપ રમનાર સ્વિટ્ઝરલૅન્ડ માત્ર ચાર વખત ક્વૉર્ટર-ફાઇનલ રમવામાં સફળ રહ્યું છે, પરંતુ એના કરતાં આગળ વધી શક્યું નથી.
૧૫ નૉકઆઉટ મૅચ રમવાનો રેકૉર્ડ કર્યો લીઅનલ મેસીએ
આર્જેન્ટિનાના લીઅનલ મેસીએ ગઈ કાલે એક પણ ગોલ ન કરતાં સતત આઠ વર્લ્ડ કપ મૅચમાં ગોલ કરવાનો સિલસિલો અટક્યો હતો. જોકે તેણે મૅચનો પહેલો ગોલ અસિસ્ટ કર્યો હોવાથી તેણે વર્લ્ડ કપ ઇતિહાસમાં ૧૦ ગોલ અસિસ્ટ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. વર્લ્ડ કપમાં સૌથી વધુ ૧૫ નૉકઆઉટ મૅચો રમનાર તે પહેલો ખેલાડી બન્યો હતો.
ઇંગ્લૅન્ડ સામેની હાર સાથે નૉર્વેની ઐતિહાસિક સીઝન થઈ ગઈ સમાપ્ત
માયામી સ્ટેડિયમમાં ગઈ કાલે ત્રીજી ક્વૉર્ટર-ફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડે ૨-૧થી નૉર્વે સામે જીત નોંધાવી હતી. નૉર્વેએ ૩૬મી મિનિટના ગોલ સાથે લીડ મેળવી એ પછી ઇંગ્લૅન્ડે પહેલા હાફના સ્ટૉપેજ ટાઇમમાં ૪૭મી મિનિટ અને એક્સ્ટ્રા ટાઇમમાં ૯૩મી મિનિટે ગોલ કર્યો હતો.
૧૭મી વખત વર્લ્ડ કપ રમનાર ઇંગ્લૅન્ડ ૧૯૬૬, ૧૯૯૦, ૨૦૧૮ બાદ ચોથી વખત સેમી-ફાઇનલ રમશે. ૧૯૩૮, ૧૯૯૪, ૧૯૯૮ બાદ આ વર્ષે ચોથી વખત વર્લ્ડ કપ રમનાર નૉર્વે પહેલી જ વખત
ક્વૉર્ટર-ફાઇનલ સુધી પહોંચ્યું હતું. નૉર્વે માટે આ ઐતિહાસિક વર્લ્ડ કપ સીઝન હતી.
એક જ વર્લ્ડ કપમાં છ ગોલ કરનાર પ્રથમ મિડફીલ્ડર જુડ બેલિંગહૅમ ૪૭મી મિનિટે કરેલા ગોલથી વિવાદ થયો હતો. નૉર્વેના ખેલાડીઓઅે દાવો કર્યો હતો કે બૉલ હવામાં ઓવરહેડ વાયર સાથે અથડાયો અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પાસે ગયો હોવાથી આ અન્યાય છે. જોકે રેફરીએ મેદાન પર આ દાવો નકાર્યો હતો. ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશને એક નિવેદન આપ્યું કે ‘કનેક્ટેડ બૉલ સેન્સરે હવામાં કોઈ પણ સ્પર્શ અનુભવ્યો નથી. કોઈ પુરાવા નથી કે અે ઓવરહેડ વાયર સાથે અથડાઈને બૉલે દિશા બદલી હોય.’
