ઘૂંટણમાં અસ્વસ્થતા હોવા છતાં ૪૮ કિલો વજન કૅટેગરીમાં રેકૉર્ડ ૧૯૩ કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીતી
મીરાબાઈ ચાનુએ પોતાની મમ્મી અને ગોલ્ડ મેડલ સાથે પડાવ્યો સેલ્ફી.
મણિપુરની ૩૧ વર્ષની સ્ટાર ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગઈ કાલે અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપમાં રેકૉર્ડબ્રેક પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે સ્નૅચ, ક્લીન ઍન્ડ જર્ક અને કુલ વજન કૅટેગરીમાં કૉમનવેલ્થ ચૅમ્પિયનશિપના જૂના રેકૉર્ડથી ૧૪ કિલો વધુ વજન ઉપાડીને ૪૮ કિલો વિમેન્સ કૅટેગરીમાં રેકૉર્ડ બનાવ્યો છે. તેણે કુલ ૧૯૩ કિલો (૮૪ કિલો + ૧૦૯ કિલો) વજન ઉપાડીને પૉડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું.
ADVERTISEMENT
ટોક્યો ઑલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ૪૯ કિલોની કૅટેગરીમાં ૧૯૯ કિલો વજન ઉપાડીને ચોથા સ્થાને રહી હતી. એ સમયે તેના ઘૂંટણમાં જોવા મળેલી અસ્વસ્થતાના સંકેતો આ ઇવેન્ટમાં પણ જોવા મળ્યા હતા. એક વર્ષ બાદ ઇન્ટરનૅશનલ મંચ પર વાપસી કરનાર મીરાબાઈએ છમાંથી માત્ર ત્રણ પ્રયાસમાં જ સફળતાપૂર્વક વજન ઉપાડ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ૨૦૧૪માં સિલ્વર અને ૨૦૧૮માં ગોલ્ડ જીતનાર મીરાબાઈ ૨૦૨૬ કૉમનવેલ્થ ગેમ્સ માટે પણ ક્વૉલિફાય થઈ છે. હવે તેની નજર ઑક્ટોબરમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને આવતા વર્ષની એશિયન ગેમ્સ પર છે.
હું અહીં ગોલ્ડ મેડલ જીતીને ખરેખર ખુશ છું, કારણ કે પૅરિસ ઑલિમ્પિક્સ પછી આ મારી પહેલી ઇન્ટરનૅશનલ ઇવેન્ટ છે અને એ પણ ૪૮ કિલો કૅટેગરીમાં. ઘરની ધરતી પર સ્પર્ધા કરવાથી આ ક્ષણ વધુ ખાસ બને છે. પ્રેક્ષકોના સમર્થનથી મને ખૂબ પ્રેરણા મળી. - મીરાબાઈ ચાનુ

