સાઉન્ડ ઑફ મ્યુઝિક! નામ સાંભળતા જ બાળપણના કેટલાંય સંસ્મરણો તાજા થઈ જાય. જુલી એન્ડ્રુઝનો માસૂમ ચહેરો, કડકમિજાજી અને શિસ્તના આગ્રહી વિધુર પિતા અને એના સોળથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકો. નાઝી આક્રમણ પહેલાનું ઓસ્ટ્રીયાનું નયનરમ્ય સેલ્ઝબર્ગ શહેર અને શહેરનું ૧૭માં સૈકાનું બેનમૂન બરૉક આર્કિટેક્ચર. આહાહા! એક નામ સાંભળતા જ કેટલું બધું એકસાથે નજર સામેથી પસાર થઈ જાય. સાઉન્ડ ઑફ મ્યુઝિક બાળપણમાં મેં અનેક વાર જોઈ હશે. પરંતુ ફિલ્મનું એક પાસું જે લોકોને વારંવાર જોવા માટે મજબૂર કરે એ હતું એનું સંગીત. એના તમામ ગીતો મને લિરિકસ સાથે આજ સુધી યાદ છે. લોનલી ગોટહર્ડ હોય કે પછી આઈ એમ સિક્સટિન ગોઇંગ ઑન સેવેન્ટીન. ડો રે મી હોય કે પછી માય ફેવરિટ થીંગ્સ કે પછી મારુ પર્સનલ ફેવરિટ હાવ ડુ યુ સોલ્વ એ પ્રોબ્લેમ લાઈક મરીઆ. તમને થોડી અતિશયોક્તિ લાગશે પણ મારા મતે સાઉન્ડ ઑફ મ્યુઝિક રૂપેરી પડદા પર બનેલી આજ સુધીની બેસ્ટ મ્યુઝિકલ ફિલ્મ છે. પરંતુ આ બધું આજે યાદ કરવાનું અને વાગોળવાનું કારણ શું? તો બન્યું એવું કે હું એક દિવસ જમી પરવારીને દૈનિક નિત્યક્રમ મુજબ રાત્રે આઈપીએલની મૅચ જોવા બેઠો. ઑવર પુરી થતા વચ્ચે આવતી જાહેરાતોમાં મેં એક જાહેરાત જોઈ જેમાં તાજેતરમાં જ ખૂલેલા બીકેસી સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સાઉન્ડ ઑફ મ્યુઝિકનો બ્રોડવે શૉ ત્રીજી મેથી ૦૪ જૂન સુધી યોજાવાનો છે એની વિગતો જોવા મળી. આ પહેલીવાર હતું કે કોઈ આંતરરાષ્ટ્રીય મ્યુઝિકલ બ્રોડવેનું ભારતમાં આટલા મોટા પાયે આયોજન થયું હોય કારણ કે આ પહેલા ભારત પાસે કોઈ બ્રોડવે થિયેટર જ નહોતું. તો પછી શું? નૈકી ઔર પૂછપૂછ? આપણે તો સાઉન્ડ ઑફ મ્યુઝિકના એક જબરા ફૅન તરીકે તાબડતોબ ટિકિટો બૂક કરાવવાનો નિર્ણય લીધો. તારીખ ૧૪ મેના રવિવાર આવતો હોવાથી એ દિવસના સાંજના શૉની મારી અને મારા મિત્રો સહિતની ચાર ટિકિટો ઓનલાઈન બુક કરાવી લીધી. સાચું કહું તો મારી અંદર લાગણીઓનું ઘોડાપૂર ઉમટી આવ્યું. અંદરનો ઉત્સાહ શાંત થવાનું નામ જ નહોતો લેતો. ૧૯૬૫માં રિલીઝ થયેલી સાઉન્ડ ઑફ મ્યુઝિક ફિલ્મ અને ૧૯૫૯માં આવેલો બ્રોડવે શૉ બંને મારીઆ વૉન ટ્રેપનું પુસ્તક 'ધી સ્ટોરી ઓફ ટ્રેપ ફેમિલી સિંગર્સ' પર આધારિત હતાં. ઘણીવાર એવું બનતું હોય છે કે બુક કરતા તેના પર બનેલી ફિલ્મ વધુ પ્રખ્યાત નીવડે. આના કેસમાં પણ એવું જ બન્યું. પહેલા બ્રોડવે શૉ અને ત્યારબાદ આવેલી ફિલ્મે વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધિ મળી. ફિલ્મને ૧૯૬૬ની ઑસ્કર સેરેમનીમાં બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટર સહિત પાંચ ઓસ્કર એવૉર્ડ મળ્યા. બાળકો માટે સાઉન્ડ ઑફ મ્યુઝિક 'મસ્ટ સી' ફિલ્મ બની ગઈ. ભલે એ બાળક ૭૦, ૮૦ કે ૯૦ના દાયકામાં જન્મ્યો હોય કે પછી મારી જેમ અરલી ૨૦૦૦ માં બાળપણ વિતાવ્યું હોય. સાઉન્ડ ઑફ મ્યુઝિક બાળકો માટે હૉમ એલોન કે જુમાનજીની કેટેગરીની ફિલ્મ હતી. આવી ગયો એ રવિવારનો સોહામણો દિવસ. અમે દોઢેક કલાક પહેલા ઘરેથી નીકળી ગયા. પહેલા મુંબઈ લોકલ અને પછી બાંદરા સ્ટેશનથી રિક્ષા કરીને ગંતવ્યસ્થાન સુધી પહોંચી ગયા. શૉ શરૂ થવાને હજી અડધો-પોણો કલાકની વાર હતી તો એટલો સમય ત્યાં બાકીની ચીજો અવલોકન કરવામાં વિતાવ્યો. નીતા અંબાણીએ જે વિઝન સાથે અને જે સ્કેલ પર આ કલ્ચરલ સેન્ટર વિકસાવ્યું છે એના તો જેટલા વખાણ કરો એટલા ઓછા જ છે. એક આર્ટલવર માટે તો જાણે ધરતી પરનું સ્વર્ગ જ સમજી લો! ચાલુ વર્ષના માર્ચની ૩૧મી એ ખૂલેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં છે ૨૦૦૦ સીટો ધરાવતું ગ્રાન્ડ થિયેટર, ૨૫૦ સીટો ધરાવતું સ્ટુડિયો થિયેટર, લગભગ ૧૬૦૦ ચો. ફૂટના ક્ષેત્રફળમાં ફેલાયેલું આર્ટ હાઉસ, વારે તહેવારે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતના વિખ્યાત આર્ટિસ્ટોના આર્ટવર્કનું પ્રદર્શન. આ સમગ્ર અનુભવ જોનારાને સાચે જ મંત્રમુગ્ધ કરી દે છે. અમારો શૉ એના શાર્પ ટાઈમ પર શરૂ થયો. એક પછી એક નાટકના પાત્રો મંચ પર આવતા ગયા. સૌપ્રથમ મારિયા અને હિલ્સવાળો સીન, પછી નોનબર્ગ એબીનો સીન. રોલ્ફ અને લિઝલનો કિસિંગ સીન. ત્યારબાદ નિવૃત નવલ ઓફિસર જ્યોર્જ વૉન ટ્રેપની એન્ટ્રી થઈ જ્યારે મારિયા જ્યોર્જના સાત બાળકોની દેખરેખ કરવા ચર્ચ છોડીને એના ઘરે આવી ગઈ. અને પછી શરૂ થયાં એના ગીતો અને એનું વિશ્વવિખ્યાત સંગીત. હિલ્સ આર અલાઈવ, માય ફેવરિટ થીંગ્સ, ડો રે મી, આઈ એમ સિક્સટિન, લોનલી ગોટહર્ડ એક પછી એક ગીતો આવતા ગયા. આખું થિયેટર આનંદની કીકીયારીઓ પાડતું ગુંજી ઉઠ્યું. જેમને લિરિકસ આવડતા હતાં એ લોકો સાથે ગાવા લાગ્યા. સ્ટોરી તો લગભગ બધાને ખબર જ હતી પરંતુ એને બ્રોડવે સ્વરૂપે જોવાનો રોમાંચ અને અનુભવ ખરેખર આહલાદક હતો જેને સાચે જ શબ્દોમાં ના વર્ણવી શકાય. શૉ એના નિર્ધારિત સમય પર પૂરો થયો. જેવી જ લાઈટો શરૂ થઈ, મેં આજુબાજુ નજર ફેરવી તો ઘણાબધા કિડ્ઝ પોતાના પેરેન્ટ્સ સાથે આવેલા. સાલું આ કેટલું ગજબ કહેવાય કે ૧૯૫૯ નું મ્યુઝિકલ બ્રોડવે ૨૦૨૩ માં પણ બાળકોને જકડી રાખે. નાના છોકરાઓથી લઈને મોટેરા સુધી તમામ લોકોના ચહેરા પર કશુંક મેજિકલ અને મ્યુઝિકલ અનુભવ કરવાનો આનંદ હતો. ધીમે ધીમે અમે થિયેટરની બહાર આવ્યા. બહાર અંધારું હતું પરંતુ સ્ટ્રીટ લાઈટ ઑન હતી. અમને બધાને કકડીને જબરી ભૂખ લાગેલી. બાજુનાં જ એક રેસ્ટોરન્ટમાં ડિનર લેવાનું નક્કી કર્યું. ખાઈ-પીને શૉની વાતો કરતા કરતા અને એના ગીતો ગણગણતા ઘર ભણી પ્રસ્થાન કરવા ડગલાં માંડ્યા. શરીરમાં થાક હતો પરંતુ ચેહરા પર એક યાદગાર સાંજ વિતાવવાનો સંતોષ પણ હતો. સાઉન્ડ ઑફ મ્યુઝિક એક યાદગાર અનુભવ!