Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતીનો ઉલ્લાસસભર કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા નિષ્પન્ન

31 January, 2024 07:37 IST | Mumbai

રાજવી કવિ કલાપીની ૧૫૦મી જન્મજયંતીનો ઉલ્લાસસભર કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા નિષ્પન્ન

કવિ કલાપીની કવિતામાં, એમના પત્રોમાં અને એમના જીવનમાં કેવાં અદભૂત રંગો હતા એ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઘાટકોપર, મુંબઈમાં આયોજિત રવિવારના કાર્યક્રમમાં ભાવકો અનુભવી શક્યાં. અકાદમીના અધ્યક્ષ શ્રી સ્નેહલ મઝુમદારની રજૂઆતની શૈલી હળવી ફૂલ હોય છે. છંદબધ્ધ મંગલાષ્ટક દ્વારા કલાપીનો પરિચય આપી એમણે કાર્યક્રમનો માહોલ બાંધી દીધો.

કલાપીની કઈ રચના પ્રથમ રજૂ થશે એની શ્રોતાઓને ઉત્સુકતા હતી! કલાપીની 'ગ્રામ્યમાતા' રચના ગુજરાતી સાહિત્યરસિકોનાં હૃદયની નિકટ છે. આ રચનાનું બે કુમારિકાઓ જીવિકા ગાલા અને સ્વરા શાહે છંદને અનુરૂપ આરોહ અવરોહ સાથે ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં. ત્યાર બાદ વારો હતો કલાપીના પત્રોનો! ડૉ.સેજલ શાહને અભ્યાસી વક્તા તરીકે મુંબઈ તથા ગુજરાત ઓળખે છે. કવિ કલાપીના પત્રો વિશે એમણે રસપ્રદ વાતો કરી.

કલાપી કાશ્મીર ઘણા મહિના રોકાયા હતા એ દરમિયાન એમણે એમના હૃદયની વધુ નિકટ એવાં પત્ની રમાબાને અનેક પત્રો લખ્યાં હતાં. એ પત્રોમાં એમના હૃદયની ઊર્મિનું મેઘધનુષ મળે છે. કલાપી રમાને સંબોધન પણ લાંબા કરતા. રમાનો પત્ર સમયસર ન મળે તો તેઓ ઉદ્વિગ્ન થતા. રમાને લખાયેલાં પત્રની સામે બીજાં પત્ની આનંદીબાને લખાયેલાં પત્રો જોઈએ તો એ સાવ ટૂંકા રહેતાં. સંબોધન પણ ટૂંકું રહેતું. શોભનાને લખાયેલા પત્રોમાં પણ અલગ રીતે એમના હૃદયની ઊર્મિ ઠલવાતી.

કવિ કાન્તને લખેલા પત્રોમાં પુસ્તકોની વાત તથા અન્ય સાહિત્યલક્ષી લખાણ મળે છે. કલાપીના જીવનના વિવિધ પાસા સેજલ શાહે પત્રોના વાંચન દ્વારા ઉઘાડી આપ્યા. જાણીતા રંગકર્મી રાજુલ દીવાને કલાપીની એકોક્તિનું મસ્ત વાચિકમ કરી જલસો કરાવી દીધો. ડૉ.ધનવંત શાહના પુસ્તક કલાપીનો આધાર લઈ કવિ સંજય પંડ્યાએ આ એકોક્તિ લખી છે. કલાપીના બાળપણથી લઈને ,એમનો કાશ્મીર પ્રવાસ, એમના પ્રણયની વાત, લાઠીની રાજખટપટ, રમાબાની રાજ ચલાવવાની લાલસા, પ્રિયતમા શોભનાને રમાબા દ્વારા બીજે વળાવી દેવી, કલાપીની રચનાઓ, કલાપીની સંવેદના અને કરુણા તથા એમનું અકાળે અવસાન એમ ઘણાં રંગોને આ એકોક્તિમાં સમાવી લેવામાં આવ્યા છે.

એકોક્તિ વાચિકમ પછી કલાપીની રચનાઓને ઉત્તમ ગાન દ્વારા રજૂ કરવાનો ઉપક્રમ નિભાવ્યો જાણીતા સ્વરકાર તથા ગાયક સુરેશ જોષી અને જ્હોની શાહે. ' તે પંખીની ઉપર પથરો...' કે ' જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે' જેવી રચનાઓમાં તો શ્રોતાઓએ પણ સૂર પુરાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મઝુમદારે એમની રસાળ શૈલીમાં કર્યું. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને સાબરકાંઠા વિકાસ પરિષદ આ કાર્યક્રમની સહયોગી સંસ્થા હતી. સાબરકાંઠા વિકાસ પરિષદના રાકેશ જોષી તથા ઘાટકોપર બ્રાહ્મણ સમાજનાં પ્રમુખ પ્રવીણભાઈ ઠાકર , મનોજ ભટ્ટ, આશાબેન ભટ્ટ, નીલા જાની ઉપરાંત સોમૈયા કૉલેજનાં ભૂતપૂર્વ આચાર્યા ડૉ.સુધા વ્યાસ, શશિકાંત સોમપુરા , મેડિકલ ક્ષેત્રે સેવાના ભેખધારી યોગેશ ગાલા, ડૉ.મંજરી મઝુમદાર તથા અકાદમીની કારોબારી સમિતિના સભ્યો સંજય પંડ્યા અને નિરંજન પંડ્યાની ઉપસ્થિતિ હતી.

શ્રોતાઓથી છલકાતા હૉલમાં વાતાવરણ કલાપીમય બની ગયું હતું અને ૧૫૦ વર્ષે પણ રાજવી કવિ કલાપી કે કવિ કાન્તના શબ્દોમાં ' સૂરતાની વાડીના મીઠા મોરલા ' એવા કલાપી કેવા તરોતાજા છે એનો આ કાર્યક્રમ અહેસાસ કરાવી ગયો!


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK