AWL ઍગ્રોમાં હોલ્ડિંગ વેચી અદાણી એક્ઝિટ લેશે, શૅરમાં ૬ ટકાનો ઉછાળો : બંધ બજારે વિપ્રોનાં ધારણા મુજબનાં તો ઍક્સિસ બૅન્કનાં નબળાં પરિણામ
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
AWL ઍગ્રોમાં હોલ્ડિંગ વેચી અદાણી એક્ઝિટ લેશે, શૅરમાં ૬ ટકાનો ઉછાળો : બંધ બજારે વિપ્રોનાં ધારણા મુજબનાં તો ઍક્સિસ બૅન્કનાં નબળાં પરિણામ : પતંજલિ ફૂડ્સનું એક શૅરદીઠ બેનું ઉદાર બોનસ, શૅર માત્ર અઢી ટકા વધ્યો : કલ્પતરુ પ્રોજેક્ટ્સ ૨૨૯૩ કરોડના ઑર્ડરના જોશમાં વધીને નરમ બંધ થયો : આંખમાં ખટકે એવી કામગીરી ધરાવતી ગુજરાતની સાવી ઇન્ફ્રા અને કલકત્તાની સ્વસ્તિકા સોમવારે ભરણું લાવશે : રાઇટની રેકૉર્ડ-ડેટ જાહેર થતાં મહિન્દ્ર લૉજિસ્ટિક્સમાં પોણાસાત ટકાની તેજી થઈ
ટ્રમ્પે કહ્યું છે કે બાકીના જે ૧૫૦ જેટલા દેશ છે એમના પર ૧૦થી ૧૫ ટકાની ટૅરિફ લાદતી વિધિવત્ જાહેરાત ટૂંકમાં કરાશે. ભારતને લગતી ટૅરિફ ડીલ પણ જાહેર થવાની અણી ઉપર હોવાનું કહેવાયું છે. એ ડીલ સારી હશે એવો મમરો પણ ટ્રમ્પે મૂક્યો છે. જોકે આ માણસનો વિશ્વાસ થાય એમ નથી. ક્યારે શું કરે એની તેને ખુદને ખબર નથી. બ્રિક્સ અને રશિયા તેની દાઢમાં છે. ભારત આ બન્ને સાથે સારી રીતે સંકળાયેલું છે. સસ્તા રશિયન ઑઇલ વિના આપણને ચાલે એમ નથી અને ટ્રમ્પ રશિયન ઑઇલ-ટ્રેડ સાથે સંકળાયેલા ચીન, ભારત સહિતના તમામ દેશો પર આકરી ટૅરિફની ધમકી એકથી વધુ વાર આપી ચૂક્યા છે. આ લખાય છે ત્યાં રોઇટર્સ તરફથી એક સમાચાર આવ્યા છે. ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાત લેશે. આ ક્યા પ્રકારનો ભારતનો મિત્ર છે એ જ સમજાતું નથી. પાકિસ્તાની શૅરબજારને આ અહેવાલથી નવું જોશ ચડ્યું લાગે છે. કરાચી શૅરબજારનો આંક ૧,૩૬,૩૮૦ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૩૮,૯૪૩ની નવી ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં ૨૪૭૮ પૉઇન્ટ ઊછળી ગયો છે. થાઇલૅન્ડ સવાત્રણ ટકા નજીક, ઇન્ડોનેશિયા સવા ટકો, સિંગાપોર પોણા ટકા નજીક, જપાન અડધા ટકાથી વધુ, ચાઇના અને તાઇવાન સાધારણ, સાઉથ કોરિયા નહીંવત્ વધ્યું છે. હૉન્ગકૉન્ગ નામપૂરતું નરમ હતું. યુરોપ ખાતે લંડન ફુત્સી રનિંગમાં અડધા ટકા નજીક તો અન્ય યુરોપિયન બજાર એકથી સવા ટકો મજબૂત હતાં. બ્રેન્ટ ક્રૂડ ૬૮ ડૉલરે ટકેલું હતું. બિટકૉઇન રેન્જ બાઉન્ડ ચાલમાં સાધારણ ઘટાડે રનિંગમાં ૧,૧૮,૨૩૧ ડૉલર ચાલતો હતો.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૧૯ પૉઇન્ટ જેવો પ્લસ, ૮૨,૭૫૩ ખૂલી છેવટે ૩૭૫ પૉઇન્ટ ગગડી ૮૨,૨૫૯ તથા નિફ્ટી ૧૯૧ પૉઇન્ટ નજીક ઘટી ૨૫,૧૧૧ બંધ માઇનસ ઝોન આવી ગયું હતું. છેલ્લે સુધી ત્યાં જ રહી નીચામાં ૮૨,૨૧૯ થયું હતું. બજારનાં સેક્ટોરલ્સ મિશ્ર વલણમાં હતાં. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા નજીકની નરમાઈ સામે આઇટી ઇન્ડેક્સ ૧.૩ ટકા, ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક એક ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો, બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ કપાયો છે. સામે રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો, નિફ્ટી મેટલ ૦.૭ ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અડધો ટકો અપ હતો. નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક એકાદ ટકો ડાઉન થયો છે. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની છે. NSEમાં વધેલા ૧૪૩૩ શૅર સામે ૧૫૦૩ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૩૧,૦૦૦ કરોડ ઘટી ૪૬૦.૮૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
બજાર બંધ થયા પછી વિપ્રોએ ધારણા મુજબનાં પરિણામ આપતાં ૧૧ ટકાના વધારામાં ૩૩૩૦ કરોડ નેટ નફો કર્યો છે. ઍક્સિસ બૅન્કનો નેટ નફો ૪ ટકા ઘટી ૫૮૦૬ કરોડ આવ્યો છે. બૅન્કની પ્રોવિઝનિંગ પેટેની જોગવાઈ ૧૩૫૯ કરોડથી તગડા વધારામાં ૩૯૪૮ કરોડ વટાવી ગઈ છે. નેટ NPA વધી છે. અદાણી ગ્રુપ દ્વારા અદાણી વિલ્મર અર્થાત્ AWL ઍગ્રો બિઝનેસમાંનો સંપૂર્ણ હિસ્સો ૧૦,૮૭૪ કરોડમાં વિલ્મર તથા અન્યને વેચી એક્ઝિટ લેવાનું નક્કી થયું છે. એની શૅરમાં સારી અસર જોવાઈ છે. ભાવ છ ટકા ઊછળી ૨૭૮ બંધ થયો છે.
MRF ૧,૫૩,૦૦૦ રૂપિયાના શિખર સાથે સૌથી મોંઘો શૅર
થર્મેક્સ ૨૮ ગણા કામકાજે ઉપરમાં ૪૦૮૮ થઈ સાડાછ ટકા કે ૨૩૬ રૂપિયાના ઉછાળે ૩૮૮૩ બંધ રહી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. એનાં પરિણામ ૩૧મીએ છે. થોમસ કૂક ૬.૪ ટકા, સોના બીએલડબ્લ્યુ ૬.૮ ટકા, અરવિંદ ફૅશન્સ ૭.૬ ટકા મજબૂત હતી. આલોક ઇન્ડસ્ટ્રીઝ પરિણામ પૂર્વે છ ટકા વધી બાવીસ બંધ રહી છે. આભાસી નફામાં આગલા દિવસે ૧૩ ટકા ઊછળેલી નેટવર્ક૧૮ ગઈ કાલે ૩.૯ ટકા ગગડી ૬૧ થઈ છે. લૉઇડ્સ એન્જિનિયરિંગ ૩.૯ ટકાની ખરાબીમાં ૫૩ હતો. જયપ્રકાશ પાવર વેન્ચર્સ વધુ ૪.૩ ટકા સાફ થઈ છે. BSE લિમિટેડ ઉપરમાં ૨૫૪૯ થયા બાદ નીચામાં ૨૪૪૭ થઈ બે ટકાના ઘટાડે ૨૪૮૦ હતી. MCXપાં રિઝલ્ટ પહેલી ઑગસ્ટે આવશે. શૅર દોઢ ટકો ઘટી ૮૨૫૮ બંધ થયો છે. પરિણામનો સુધારો આગળ ધપાવતાં આઇટીસી હોટેલ્સ ૨૪૬ના શિખરે જઈ દોઢ ટકો વધી ૨૪૨ રહી છે.
પતંજલિ ફૂડ્સ દ્વારા એક શૅરદીઠ બે શૅરનું ઉદાર બોનસ જાહેર કરાયું છે. શૅર પોણાબે ગણા કામકાજે ઉપરમાં ૧૯૨૫ વટાવી અઢી ટકા સુધરી ૧૯૧૦ બંધ આવ્યો છે. MRF ૧.૫૩ લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બતાવી સવા ટકા કે ૧૯૪૨ રૂપિયાની પીછેહઠમાં ૧,૫૦,૫૫૦ રહી છે. પાંચમી માર્ચે ભાવ ૧,૦૦,૫૦૦ના વર્ષના તળિયે હતો. રીલિસ્ટિંગમાં મારફાડ તેજી દાખવી ૩,૩૨,૪૦૦ રૂપિયાના ભાવ સાથે દેશનો સૌથી મોંઘો શૅર બની ગયેલી ગુજ્જુ કંપની એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ હાલમાં ૧,૩૯,૩૦૦ આસપાસ આવી ગઈ છે. જેનાં પરિણામ નબળાં આવેલાં છે એ અદાણી વિલ્મર ગઈ કાલે ૧૭ ગણા કામકાજે ઉપરમાં ૨૮૪ થઈ છ ટકાના જમ્પમાં ૨૭૮ થઈ છે. કાઇનેટિક એન્જિનિયરિંગ ૧૪ ગણા વૉલ્યુમે ૩૫૨ના બેસ્ટ લેવલે જઈ ૧૨.૫ ટકાની તેજીમાં ૩૩૦ થઈ છે. ૧૩ જાન્યુઆરીએ ભાવ ૧૪૩ના વર્ષના તળિયે હતો.
માથે પરિણામ વચ્ચે રિલાયન્સ અને જિયો ફાઇનૅન્સમાં નરમાઈ
આઇટીમાં જૂન ક્વૉર્ટર નબળો જવાની વ્યાપક આશંકા છે. TCS પછી HCL ટેક્નૉ, લાર્સન ટેક્નૉ તથા ટેક મહિન્દ્રનાં પરિણામ નબળાં આવ્યાં છે. ટેક મહિન્દ્ર ધારણા કરતાં ઢીલા દેખાવમાં ગઈ કાલે ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૧૫૬૧ બતાવી ૨.૮ ટકા ઘટી ૧૫૬૩ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લુઝર બની છે. માથે રિઝલ્ટ વચ્ચે ઇન્ફોસિસ ૧.૬ ટકા ઘટી ૧૫૮૩ના બંધમાં બજારને સર્વાધિક ૭૯ પૉઇન્ટ નડી છે. વિપ્રો પરિણામ પૂર્વે એકાદ ટકો ઘટીને ૨૬૦ હતો. HCL ટેક્નૉ સવા ટકા અને TCS પોણો ટકો ઘટી છે. આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૪૪ શૅરની નબળાઈમાં ૧.૩ ટકા કટ થયો છે. મેંગ્લેનિક કલાઉડનાં પરિણામ ૨૧મીએ છે, શૅર વૉલ્યુમ સાથે ૯.૪ ટકા લથડી અત્રે ટૉપ લુઝર હતો. ન્યુજેન સૉફ્ટવેર ૬.૧ ટકા ડૂલ થઈ છે. કે સૉલવ્સ ઇન્ડિયા ૮.૯ ટકા ઊછળી ૩૭૫ બંધમાં સામા પ્રવાહે હતી. એનાં પરિણામ ૨૦મીએ છે. સેન્સેક્સ નિફ્ટી ખાતે ઍક્સિસ બૅન્ક પોણો ટકો, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૭ ટકા, SBI લાઇફ ૧.૪ ટકા, લાર્સન પોણો ટકો, એટર્નલ એક ટકો, મારુતિ પોણો ટકો નરમ હતી.
જિયો ફાઇપૅન્સ પરિણામ પૂર્વે અડધો ટકો ઘટી ૩૧૮ રહી છે. રિલાયન્સ રિઝલ્ટની પૂર્વસંધ્યાએ સરેરાશ કરતાં ૪૦ ટકા વૉલ્યુમે ૦.૬ ટકા ઘટીને ૧૪૭૭ હતી. શનિવારે બોર્ડ મીટિંગમાં પરિણામ અને બોનસ જાહેર કરવાની છે એ શૅરદીઠ ૮૧૧ની ફ્લોર પ્રાઇસથી ક્વીપરૂપ મારફત ૨૫,૦૦૦ કરોડ સફળતાથી ઊભા કરાયા છે. શૅર ઉપરમાં ૮૪૨ વટાવી સાધારણ ઘટાડામાં ૮૨૮ બંધ રહ્યો છે. સેન્સેક્સ ખાતે તાતા સ્ટીલ ૧.૬ ટકા વધી ૧૫૯ બંધમાં મોખરે હતી. ટાઇટન અડધો ટકો, ટ્રેન્ટ ૦.૭ ટકા, અલ્ટ્રાટેક ૦.૩ ટકા સુધરી છે. નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર ૨.૩ ટકા, હિન્દાલ્કો સવા ટકો, ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૩ ટકા, તાતા મોટર્સ ૦.૪ ટકા, સિપ્લા અડધો ટકો અપ હતા.
લા ટ્રાવેન્યુનો નફો ૪ કરોડ વધ્યો, માર્કેટકૅપ ૧૩૮૦ કરોડ વધી ગયું
મહિન્દ્ર લૉજિસ્ટિક્સ દ્વારા આઠ શૅરદીઠ ત્રણના પ્રમાણમાં શૅરદીઠ ૨૭૭ના ભાવે ૭૫૦ કરોડનો રાઇટ ઇશ્યુ નક્કી થયો છે. એની રેકૉર્ડ-ડેટ ૨૩ જુલાઈ ઠરાવાઈ છે. ભાવ ગઈ કાલે બમણા વૉલ્યુમમાં ઉપરમાં ૪૧૭ થઈ ૬.૭ ટકા વધી ૪૧૫ બંધ થયો છે. RIR પાવર ઇલેક્ટ્રૉનિક્સ દ્વારા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજન માટે ૨૫ જુલાઈની રેકૉર્ડ-ડેટ જાહેર થઈ છે. શૅર ૧૩૦૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૧૩૪૪ વટાવી પોણો ટકો ઘટી ૧૩૨૦ બંધ થયો છે. લૅક્સિગો ફેમ ટ્રાવેલ ટેક કંપની લા ટ્રાવેન્યુ ટેક્નૉલૉજીનો નફો ૨૭ ટકા વધી ૧૯ કરોડ રૂપિયા થતાં શૅર ૨૧૫ના શિખરે જઈ ૧૯.૭ ટકાની તેજીમાં ૨૧૪ બંધ આવ્યો છે. કંપનીનો નફો માત્ર કરોડ રૂપિયા વધતાં એનું માર્કેટકૅપ ગઈ કાલે ૧૩૮૦ કરોડ રૂપિયા વધી ગયું છે. કલ્પતરુ પ્રોજેક્ટ્સને ૨૨૯૩ કરોડના નવા ઑર્ડર મળતાં શૅર પ્રારંભિક જોશમાં ૧૨૪૪ થયા બાદ નીચામાં ૧૧૭૫ થઈ એક ટકો ઘટી ૧૧૮૬ બંધ રહ્યો છે. વૉલ્યુમ ૧૮ ગણું હતું. જીએમઆર ઍરપોર્ટ્સ દોઢા વૉલ્યુમે ૯૫.૩૮ની ૯ મહિનાની ટૉપ બનાવી પોણો ટકો વધીને ૯૪ બંધ હતો. કંપનીનું માર્કેટકૅપ ૯૯,૮૪૬ કરોડ નજીક પહોંચ્યું છે.
હિમાદ્રી સ્પેશ્યલ કેમિકલનો નફો ૪૮ ટકા વધી ૧૮૩ કરોડ થયો છે. આવક જોકે ૧૨૦૦ કરોડ જેવી હતી એ ઘટી આ વેળા ૧૧૦૦ કરોડ રહી છે. શૅર ઉપરમાં ૫૨૨ થઈ પોણો ટકો સુધરી ૫૧૮ રહ્યો છે. એન્જલ-વનની ત્રિમાસિક આવક ૧૯ ટકા ઘટી ૧૧૪૦ કરોડ તથા નેટ નફો ૬૧ ટકા ગગડી ૧૧૪ કરોડ આવવા છતાં શૅર ઉપરમાં ૨૭૯૫ બતાવી અડધો ટકો વધીને ૨૭૩૨ નજીક બંધ થયો છે. લાર્સન ટેક્નૉલૉજીઝમાં સુસ્ત પરિણામ બાદ મૉર્ગન સ્ટૅનલીએ ૪૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે રોકાણ જાળવી રાખવાનો તો સિટી ગ્રુપવાળાએ ૪૦૧૫ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાનો કૉલ આપ્યો છે. શૅર નીચામાં ૪૩૪૦ થયા બાદ ઉપરમાં ૪૫૦૦ બતાવી ૧.૭ ટકા વધી ૪૪૨૦ બંધ આવ્યો છે. આગલા દિવસે ૨૦ ટકા ઊછળેલી ડેક્કન સિમેન્ટ્સ ગઈ કાલે ૧૧૨૫ની નવી ટૉપ બનાવી અઢી ટકા ઘટી ૧૦૫૧ બંધ થઈ છે.
સ્માર્ટ વર્ક્સમાં ધારણા કરતાં સારો લિસ્ટિંગ ગેઇન
સ્માર્ટ વર્ક્સ કોવર્કિંગ શૅરદીઠ ૪૦૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે પચીસના પ્રીમિયમ સામે ૪૩૬ ખૂલી ઉપરમાં ૪૬૯ થઈ ૪૪૫ બંધ રહેતાં ૯.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. હવે સ્પનવેબ તથા ઍન્થમ બાયો સાયન્સિસના લિસ્ટિંગ ૨૧મીના રોજ છે. હાલ ઍન્થમમાં ૧૫૦ અને સ્પનવેબમાં ૩૪ના પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં મુંબઈના અંધેરીની મોનિકા આલ્કોબેવનો ૧૦ના શૅરદીઠ ૨૮૬ની અપર બૅન્ડવાળો ૧૬૫ કરોડ પ્લસનો BSE SME IPO બીજા દિવસના અંતે કુલ ૧.૬ ગણો ભરાઈ ચૂક્યો છે. ગ્રે માર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૧૦ છે. સોમવારે ગુજરાતના ગાંધીનગરના ઝુંડાલ ખાતેની સાવી ઇન્ફ્રા ઍન્ડ લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપર બૅન્ડમાં ૬૯૯૮ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં ૧૧નું પ્રીમિયમ સંભળાય છે. ૨૦૨૨-’૨૩માં કંપનીની આવક ૬૧૯ લાખ, નફો ૩.૪૦ લાખ તથા દેવું ૩૧૨ લાખ હતું. પછીના વર્ષે આવક ૧૦૧ કરોડ વટાવી ગઈ અને નફો ૯૮૭ લાખ થઈ ગયો, જ્યારે ગત વર્ષે કંપનીએ ૨૮૪ કરોડ નજીકની આવક પર ૨૩૮૮ લાખ ચોખ્ખો નફો બતાવી દીધો છે. અલીબાબાનો ખજાનો હાથ લાગી ગયો લાગે છે. કંપનીનું દેવું ૪૫ કરોડ નજીક પહોંચ્યું છે. હાલમાં સસ્તા વ્યાજનો સમય ચાલે છે છતાં કંપની એનો કારભાર ચલાવવા વર્ષે પોણાઅગિયાર ટકાથી માંડીને ૨૫ ટકા સુધીના વ્યાજે નાણાં લઈ રહી છે. લીડ મૅનેજર યુનીસ્ટોન કૅપિટલ છે જે થોડાક વખત અગાઉ એપ્રિલની આખરમાં અમદાવાદી કંપની અરુણયા ઑર્ગેનિકસનો શૅરદીઠ ૫૮ના ભાવે ૩૪ કરોડનો NSE SME IPO લાવી હતી. આજે એનો ભાવ ૨૬ રૂપિયા આસપાસ ચાલે છે. એક અન્ય કંપની કલકત્તાની સ્વસ્તિકા કાસ્ટલ ૧૦ના શૅરદીઠ ૬૫ના ભાવથી ૧૪૦૭ લાખનો BSE SME IPO સોમવારે કરશે. વર્ષે ૨૩-૨૪ કરોડની આવક પર ૬૦ લાખ આસપાસ નફો કરતી આ કંપનીએ ગત વર્ષે ૩૦ કરોડની આવક પર ૨૬૩ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. ૧૪ કરોડના ઇશ્યુમાં ભરણું લાવવા પેટે બે કરોડ કંપની ખર્ચવાની છે. દેવું ૯ કરોડ છે. કંપની ચુકવણીમાં ડિફૉલ્ટ થયેલી છે. ગ્રે માર્કેટમાં કામકાજ નથી.

