Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં વિશ્વબજારોના તાલે સેન્સેક્સમાં ૩૦૪ પૉઇન્ટનો સુધારો

પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં વિશ્વબજારોના તાલે સેન્સેક્સમાં ૩૦૪ પૉઇન્ટનો સુધારો

Published : 14 August, 2025 09:25 AM | Modified : 16 August, 2025 07:20 AM | IST | Mumbai
Anil Patel

એક શૅરદીઠ આઠ બોનસ આપનારી અમદાવાદી કંપની અલ્ગોક્વાન્ટ ફિનટેક પરિણામની પૂર્વસંધ્યાએ નવા શિખરે : ડાઇવેસ્ટમેન્ટની સરકારી હિલચાલના અહેવાલે LIC ખરડાયો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એક શૅરદીઠ આઠ બોનસ આપનારી અમદાવાદી કંપની અલ્ગોક્વાન્ટ ફિનટેક પરિણામની પૂર્વસંધ્યાએ નવા શિખરે : ડાઇવેસ્ટમેન્ટની સરકારી હિલચાલના અહેવાલે LIC ખરડાયો : મામા અર્થવાળી હોનાસા કન્ઝ્‍યુમરનો નફો ૧૦૭ લાખ રૂપિયા વધ્યો એમાં માર્કેટકૅપ ૫૩૬ કરોડ રૂપિયા ઊછળ્યું : જંગી ખોટમાંથી નફામાં આવતાં NMDC સ્ટીલ ૨૦ ટકાની તેજીમાં બંધ : RCFના નફામાં ૪૦૪ ટકાની વૃદ્ધિ શૅરમાં ઝમક ન લાવી શકી : JSW સિમેન્ટ સહિત આજે ચાર ભરણાંનું લિસ્ટિંગ, હાઇવે ઇન્ફ્રા નવા બેસ્ટ લેવલે 


અમેરિકામાં જુલાઈના ફુગાવાના જે આંકડા આવ્યા છે એના પગલે આગામી બેઠકમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ઘટાડાનો આશાવાદ પ્રબળ બન્યો છે. જોકે વિશ્લેષકો માને છે કે રેટ-કટની દિશામાં આગળ વધતાં પહેલાં ફેડરલ રિઝર્વ ટૂંકમાં જાહેર થનારા રોજગારીના આંકડા કેવા આવે છે એના ઉપર ખાસ નજર રાખશે. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન ફેડરેટમાં કમસે કમ અડધા ટકાના ઘટાડા માટે ફેડરલ ચીફ જેરોમ પોવેલ પર ભારે દબાણ કરી રહ્યા છે. ફન્ડની આગામી બેઠકને વાર છે, જે મિડ સપ્ટેમ્બરમાં મળવાની છે. ત્યાં સુધી ફેડરેટનો મામલો ચર્ચામાં રહેવાનો છે. રેટ-કટની ગણતરી કામે લાગતાં હાલ તો વૈશ્વિક શૅરબજારો મૂડમાં છે. અમેરિકા ખાતે ડાઉ ઇન્ડેક્સ એક ટકાથી વધુ તથા નૅસ્ડૅક સવા ટકાથી વધુ વધીને મંગળવારની મોડી રાતે બંધ થયા છે. નૅસ્ડૅક ઇન્ડેક્સ તો ૨૧૬૯૦ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. આની પાછળ એશિયન બજાર પણ જબરા તાલમાં હતું. બુધવારે જૅપનીઝ નિક્કી સવા ટકો વધી ૪૩૨૭૫ના બેસ્ટ લેવલે બંધ થયો છે. હૉન્ગકૉન્ગ ૨.૪ ટકા, થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા ૧.૩ ટકા, સાઉથ કોરિયા એક ટકાથી વધુ, સિંગાપોર એક ટકો, તાઇવાન ૦.૯ ટકા, મલેશિયા એક ટકો મજબૂત જોવા મળ્યું છે. યુરોપ ખાતે લંડન ફુત્સી સામાન્ય સુધારો દર્શાવતો હતો. અન્ય યુરોપનાં બજાર રનિંગમાં અડધાથી એક ટકો પ્લસ હતા. પાકિસ્તાની શૅરબજાર ૧૪૭૦૦૫ના આગલા બંધ સામે ઉપરમાં ૧૪૭૮૯૨ થઈ રનિંગમાં ૫૧૦ પૉઇન્ટના ઘટાડે ૧૪૬૫૦૦ હતું. બિટકૉઇન ૧૨૦૦૨૭ ડૉલર ચાલતો હતો, નવી ઑલટાઇમ હાઈની વણજાર અહીં શરૂ થવાની તૈયારીમાં છે.



ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૨૫૭ પૉઇન્ટ પ્લસ, ૮૦૪૯૨ ખૂલી અંતે ૩૦૪ પૉઇન્ટ વધી ૮૦૫૪૦ તથા નિફ્ટી ૧૩૨ પૉઇન્ટ સુધરી ૨૪૬૧૯ બંધ થયો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલી માર્કેટમાં સેન્સેક્સ નીચામાં ૮૦૩૧૯ અને ઉપરમાં ૮૦૬૮૪ દેખાયો હતો. બન્ને બજારનાં લગભગ તમામ ઇન્ડાઇસિસ વધ્યાં છે. નિફ્ટી ફાર્મા ૧.૭ ટકા, મેટલ ઇન્ડેક્સ સવા ટકો, ઑટો બેન્ચમાર્ક ૧.૨ ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક એક ટકો અને નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ અઢી ટકા મજબૂત થયો હતો. બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા તો આઇટી ઇન્ડેક્સ નજીવો પ્લસ હતો. ખાસ્સી હકારાત્મક માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૬૮૫ શૅરની સામે ૧૨૮૭ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૨.૧૦ લાખ કરોડ રૂપિયા વધી ૪૪૫.૪૦ લાખ કરોડ છે. FMCG, ઑઇલ-ગૅસ, પીએસયુ બૅન્ક નિફ્ટી નહીંવત્ ઘટ્યા છે.


અગાઉ હિન્દુસ્તાન એવરેસ્ટ ટૂલ્સ તરીકે ઓળખાતી અમદાવાદી કંપની અલ્ગોક્વાન્ટ ફિનટેકનાં પરિણામ આજે ૧૪મીએ છે. વધુમાં કંપનીએ એક શૅરદીઠ આઠ બોનસ તથા બેના શૅરનું એક રૂપિયામાં વિભાજન જાહેર કર્યું છે. શૅર સોમવારે એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ગઈ કાલે ૧૪૦૯ની સર્વોચ્ચ સપાટી બનાવી અડધો  ટકો વધી ૧૩૯૯ બંધ રહ્યો છે. કંપનીએ ગયા વર્ષે અગાઉના ૬૪ કરોડ સામે ૨૩૪ કરોડની આવક પર પોણાદસ કરોડની સામે ૩૨.૬ કરોડ નેટ પ્રૉફિટ બતાવીને શૅરદીઠ ૨૦.૭ની કમાણી હાંસલ કરી છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગે ૭૩.૭ની કમાણી હાંસલ કરી છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૩.૭ ટકા છે જેમાંથી ૨૬ ટકા માલ ગિરવી છે. બેના શૅરની બુકવૅલ્યુ અત્યારે ૩૦.૩૬ રૂપિયા છે. હાલનો ભાવ ૨૪૩નો PE બતાવે છે. માર્કેટકૅપ ૨૧૭૫ કરોડ આસપાસ છે.

આવક ઘટાડાના વસવસામાં સુપરહીરો NSDL ઝંખવાઈ


તાજેતરમાં લિસ્ટેડ થયેલા શૅરોમાં સુપરહીરો તરીકે બહાર આવેલી NSDLનો નફો ૧૫ ટકા વધી ૮૯૬૩ લાખ થયો છે, પરંતુ આવક સાડાસાત ટકા ઘટીને ૩૧૨ કરોડ આવવાના વસવસામાં ભાવ નીચામાં ૧૧૯૮ થઈ સાડાછ ટકા ગગડી ૧૨૦૬ રહ્યો છે. આર્ચિયન કેમિકલને સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે પ્રવેશવા સિકસેમ પ્રાઇવેટ લિમિટેડ નામની સબસિડિયરી સ્થાપવા સરકારે લીલી ઝંડી આપી છે એના પગલે શૅર ગઈ કાલે ૨૪ ગણા વૉલ્યુમે ૭૨૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી સાડાછ ટકા ઊછળી ૬૯૪ બંધ થયો છે. સુઝલોન એનર્જીએ ૫૫ ટકાના વધારામાં ૩૧૩૨ કરોડની આવક પર સવાસાત ટકાના વધારામાં ૩૨૪ કરોડ નેટ નફો કર્યો છે. શૅર દોઢા કામકાજે ૬૪ નજીક જઈ ૪.૩ ટકા ખરડાઈને ૬૦ હતો.

ઑઇલ ઇન્ડિયાની આવક ૧૦ ટકા ઘટી છે. નેટ પ્રૉફિટ ૨૦૧૬ કરોડથી વધી ૨૦૪૬ કરોડ આવ્યો છે. શૅર જોકે ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૪૦૧ થઈ ૪.૩ ટકા લપસીને ૪૦૭ છે. ONGCએ ૧૧૪૦૩ કરોડની સામે આ વેળા ૧૫૮૮૫ કરોડનો ત્રિમાસિક નેટ નફો મેળવ્યો છે. શૅર દોઢ ટકો વધીને ૨૩૯ હતો. ભારત પેટ્રોલિયમ પરિણામ પૂર્વે સામાન્ય ઘટાડે ૩૨૩ રહી છે. ઓલકાર્ગો લૉજિસ્ટિક્સ ૫૪૦ લાખના નફામાંથી લગભગ ૧૦૦ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. શૅર ૪.૬ ટકા બગડીને ૩૪ હતો.

રાષ્ટ્રીય કેમિકલ્સ ઍન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)એ આવક ૨૩ ટકા ઘટવા છતાં ૪૦૪ ટકાના વૃદ્ધિદરમાં ૫૪૪૦ લાખ નેટ નફો બતાવ્યો છે. શૅર જોકે સવા ટકો સુધરીને ૧૪૭ રહ્યો છે. લૅન્ડમાર્ક કાર્સે ૧૭૪ ટકાના વધારામાં ૬૯૦ લાખ ચોખ્ખો નફો કરતાં ભાવ ઉપરમાં ૫૪૭ થઈ ૧૧ ટકા ઊંચકાઈને ૫૩૦ થયો છે. નઝારા ટેક્નોની આવક ૯૯ ટકા વધી છે. નફો ૫૪ ટકા વધી ૩૬ કરોડને વટાવી ગયો છે. શૅર ૧૪૫૦ના શિખરે જઈ અડધો ટકો ઘટીને ૧૪૧૪ બંધ રહ્યો છે.

અપોલો હૉસ્પિટલનો નફો ૧૨૮ કરોડ વધ્યો, માર્કેટકૅપ ૮૨૨૪ કરોડ રૂપિયા વધ્યું

અપોલો હૉસ્પિટલ્સે ૧૫ ટકાના વધારામાં ૫૮૪૨ કરોડની આવક પર ૪૨ ટકાના વૃદ્ધિદરમાં ૪૩૩ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ કર્યો છે. નેટ નફામાં આ ૧૨૮ કરોડ જેવા વધારાના પગલે શૅર ગઈ કાલે ૭૮૪૦ની ઑલટાઇમ હાઈ બતાવી ૭.૯ ટકા કે ૫૭૨ રૂપિયાની તેજીમાં ૭૮૦૮ બંધ આપી નિફ્ટીમાં ટૉપ ગેઇનર બન્યો છે. માર્કેટકૅપ ૮૨૨૪ કરોડ રૂપિયા વધી ગયું છે. ફેસવૅલ્યુ પાંચની છે. બુકવૅલ્યુ ૫૨૨ જેવી છે. બોનસનું ખાનું ખાલી છે. સારા પરિણામની અસર મોડી વર્તાઈ હોય એમ હિન્દાલ્કો પાંચ ટકાની મજબૂતીમાં ૭૦૦ વટાવી ગયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ પોણાત્રણ ટકા, હીરો મોટોકકૉર્પ ૨.૭ ટકા અને સિપ્લા ૨.૬ ટકા ઊંચકાઈ છે.

સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રિક સવાબે ટકા, એટર્નલ ૨.૨ ટકા તથા કોટક બૅન્ક અને તાતા મોટર્સ દોઢ ટકો વધીને મોખરે હતી. મહિન્દ્ર ૧.૪ ટકા, પાવરગ્રિડ ૧.૩ ટકા, ભારતી ઍરટેલ ૧.૨ ટકા, સનફાર્મા એક ટકો પ્લસ હતી. HDFC લાઇફ ૧.૪ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૨ ટકા, જિયો ફાઇનૅન્સ ૧.૧ ટકા તથા આઇશર એક ટકો સુધરી છે. રિલાયન્સ પરચૂરણ સુધારામાં ૧૩૮૩ નજીક રહી છે. HDFC બૅન્ક અડધો ટકો વધી છે. ICICI નહીંવત્ અને ઍક્સિસ બૅન્ક સાધારણ નરમ હતી.

નિફ્ટી ખાતે ઇન્ડસઇન્ડ બૅન્ક સવા ટકો ઘટીને તથા સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ અડધા ટકાથી વધુની નબળાઈમાં ટૉપ લૂઝર બન્યો છે. આઇટીસી અડધો ટકો, અલ્ટ્રાટેક અડધા ટકા નજીક, ટાઇટન નિફ્ટી ખાતે અડધા ટકાથી વધુ ડાઉન હતી. મારુતિ સુઝુકી HCL ટેક્નો, ટીસીએસ, ટેક મહિન્દ્ર, તાતા સ્ટીલ, NTPC જેવા શૅર લગભગ ફ્લૅટ હતા.

એ-ગ્રુપ ખાતે EIH લિમિટેડ ૩૬ ગણા કામકાજે ૧૫ ટકાની તેજીમાં ૪૧૮ વટાવી ગઈ છે. પરિણામની મોડી અસરમાં જે. એમ. ફાઇનૅન્શિયલ ૧૯૦ની ટૉપ બનાવી ૧૪.૯ ટકા ઊછળી ૧૮૭ થઈ છે. જૈન ઇરિગેશન ૧૪ ગણા વૉલ્યુમે પોણાચૌદ ટકાના જમ્પમાં ૫૩ નજીક ગઈ છે. કોરોમાંડલ ઇન્ટરનૅશનલ ૬ ટકા કે ૧૪૨ રૂપિયાની ખરાબીમાં ૨૨૫૭ થઈ છે. આરતી ફાર્માલૅબ્સ રિઝલ્ટ પાછળ પોણાઆઠ ટકા તૂટી ૭૯૦ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર હતી. રિફેક્સ ઇન્ડસ્ટ્રીઝ સવાસાત ટકા ગગડી ૩૮૧ રહી છે. ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયાએ અગાઉના ૪૯૩૭ લાખ સામે ૫૮૧૦ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે જે બજારને માફક આવ્યો નથી. શૅર સાડાછ ગણા કામકાજે ૧૦૭૦ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૮૯૫ બતાવી પોણાબાર ટકા કે ૧૨૦ના ધબડકામાં ૯૦૫ બંધ આવ્યો છે. અમદાવાદી RBZ જ્વેલર્સનો નફો ૯૦૮ લાખથી ઘટી ૭૧૨ લાખ આવતાં ભાવ ૧૧ ટકા ઝંખવાઈ ૧૩૨ થયો છે. બાટા ઇન્ડિયા સવાત્રણ ટકા ખરડાઈને ૧૦૯૮ના મલ્ટિયર તળિયે બંધ હતી. LICમાં સરકાર ડાઇવેસ્ટમેન્ટ કરવા સક્રિય બની હોવાના અહેવાલથી ભાવ અઢી ગણા કામકાજે સાડાત્રણ ટકા ગગડીને ૮૮૪ બંધ હતો.

રિઝર્વ બૅન્કની રહેમ નજરના પગલે Paytm ૪૩ મહિનાના શિખરે

રિઝર્વ બૅન્ક તરફથી Paytmને ઑનલાઇન પેમેન્ટ ઍગ્રિગેટર તરીકે માન્યતા આપવામાં આવી છે. આને પગલે ૧૧૮૬ ઉપર ૪૩ મહિનાના બેસ્ટ લેવલે જઈ ત્રણ ટકા વધીને ૧૧૫૪ બંધ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૫૦૪ નીચે હતો. મામા અર્થવાળી હોનાસા કન્ઝ્‍યુમરે સાડાસાત ટકાના વધારામાં ૫૯૫ કરોડની આવક પર અઢી ટકાના વધારામાં ૪૧૩૨ લાખ નેટ નફો મેળવ્યો છે. ચોખ્ખા નફામાં આ ૧૦૭ લાખ રૂપિયાના મામૂલી વધારાના જોરમાં શૅર ૫૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૦૫ નજીક જઈ ૬.૨ ટકાની તેજીમાં ૨૮૪ બંધ થતાં માર્કેટકૅપ ૫૩૬ કરોડ રૂપિયા વધી ગયું છે. નાયકા દ્વારા ૭૯ ટકાના વૃદ્ધિદરમાં ૨૪૪૭ લાખ ચોખ્ખો નફો હાંસલ થયો છે. શૅર ૨૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૧ બતાવી પાંચ ટકાની મજબૂતીમાં ૨૧૫ હતો.

હિન્દુસ્તાન ઍરોનોટિક્સનો નફો ચાર ટકા ઘટી ૧૩૭૭ કરોડ આવ્યો છે, પરંતુ બ્રોકરેજ હાઉસિસ ૫૬૨૬ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુને વળગી રહ્યાં છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૪૫૬૭ વટાવી ૨.૭ ટકા વધીને ૪૫૩૪ રહ્યો છે. ભારત ડાયનૅમિક્સનો નેટ નફો ૧૫૪ ટકા વધી ૧૮૩૪ લાખ આવતાં શૅર ચાર ગણા કામકાજે ઉપરમાં ૧૬૦૯ બનાવી સાત ટકાના જમ્પમાં ૧૫૯૧ થયો છે. કોચીન શિપયાર્ડનો ચોખ્ખો નફો ૭.૯ ટકા વધી ૧૮૮ કરોડ નજીક ગયો છે. શૅર પ્રારંભિક મજબૂતીમાં ૧૭૨૪ થઈ એક ટકો વધી ૧૬૮૩ રહ્યા છે. માઝગાવ ડૉક ૨.૨ ટકા અને ગાર્ડનરીચ ૫.૨ ટકા પ્લસ હતી. NMDCની આવક ૨૪.૫ ટકા વધી છે, પણ નેટ પ્રૉફિટ ૧૯૬૮ કરોડ પર યથાવત્ રહ્યો છે. આમ છતાં શૅર બમણા કામકાજે અઢી ટકા વધીને ૭૩ નજીક હતો. NMDC સ્ટીલ ૫૪૭ કરોડની નેટ લૉસમાંથી ૨૫૫૬ લાખના નેટ નફામાં આવતાં ભાવ ૪૭ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૪૩ વટાવી ૨૦ ટકા ઊછળી ત્યાં જ બંધ થયો છે. ૭ એપ્રિલે ભાવ ૨૮ના તળિયે હતો. પાવના ઇન્ડસ્ટ્રીઝે ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનની રેકૉર્ડ ડેટ ૧ સપ્ટેમ્બર જાહેર કરી છે. શૅર ૫.૭ ટકા વધીને ૪૧૭ બંધ થયો છે.

બ્લુસ્ટોન જ્વેલરીમાં ભરણું પૂરું થતાં પ્રીમિયમ ગાયબ

સતત ખોટ કરતી બ્લુસ્ટોન જ્વેલરીનો એકના શૅરદીઠ ૫૧૭ની ચીરફાડ પ્રાઇસવાળો ૧૫૪૦ કરોડ પ્લસનો ઇશ્યુ કુલ પોણાત્રણ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઝીરો થઈ ગયું છે. રીગલ રિસોર્સિસનો શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૦૬ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૬ ગણો છલકાઈ ચૂક્યો છે. પ્રીમિયમ વધીને ૩૦ થયું છે. SME સેગમેન્ટમાં આઇકોડેક્સ પબ્લિશિંગનો શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૯૯૩ લાખનો ઇશ્યુ કુલ ચાર ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. મહેન્દ્ર રિયલ્ટર્સનો શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૬૯૭ લાખનો SME IPO બીજા દિવસના અંતે કુલ ૧.૧ ગણો ભરાયો છે. હાલમાં આઇકોડેક્સમાં ઝીરો તથા મહેન્દ્રમાં આઠ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.

આજે ગુરુવારે JSW સિમેન્ટ્સ, કોનપ્લેક્સ સિનેમાઝ, ઑલટાઇમ પ્લાસ્ટિક્સ તથા સાંવલિયા ફૂડ્સનાં ભરણાંનું લિસ્ટિંગ થવાનું છે. અત્યારે ઑલટાઇમ પ્લાસ્ટિક્સમાં ૧૫ રૂપિયા, JSW સિમેન્ટ્સમાં પાંચ રૂપિયા, કોનપ્લેક્સમાં ૧૨ રૂપિયા અને સાંવલિયા ફૂડ્સમાં ૨૦ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

મંગળવારે ૭૫ ટકા પ્લસનો લિસ્ટિંગ ગેઇન આપનારી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઈ કાલે ૧૨૯ના શિખરે જઈ પાંચ ટકા વધીને ત્યાં જ બંધ રહી છે. BLT લૉજિસ્ટિક્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૮૬ બંધ હતી. તાજેતરમાં લિસ્ટેડ થયેલાં અન્ય ભરણાંમાં NSDL ૬.૪ ટકા ગગડીને ૧૨૦૬ બંધ થઈ છે. શ્રી લોટસ ડેવલપર્સ પોણો ટકો ઘટી ૧૯૫, લક્ષ્મી ઇન્ડિયા ફાઇનૅન્સ સામાન્ય સુધારામાં ૧૪૯, એમઍન્ડબી એન્જિનયર્સ દોઢ ટકો ઘટી ૪૩૬, ફ્લાય એસબીએસ એવિયેશન પાંચ ટકા ઊછળી ૫૧૯ બંધ આવી છે. HDB ફાઇનૅન્શિયલ સર્વિસિસ પોણો ટકો વધીને ૭૪૯ હતી.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2025 07:20 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK