અસીમ મુનીરની US-મુલાકાતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઉદ્યોગપતિ સાજિદ તરારનો દાવો
સાજિદ તરાર
પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિ અને મુસ્લિમ્સ ઑફ અમેરિકાના સ્થાપક સાજિદ તરારે તાજેતરમાં ભારત પ્રત્યે પાકિસ્તાની સેનાની બદલાયેલી રણનીતિ વિશે એક વિડિયો ઇન્ટરવ્યુમાં ચર્ચા કરી હતી. આ વિડિયોમાં સાજિદ તરારે ખુશી વ્યક્ત કરીને કહ્યું છે કે પાકિસ્તાની સેના લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક હળવા હુમલાઓ પર હવે ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી, પરંતુ સેનાનું ધ્યાન ભારતમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા અબજોપતિઓનાં બિઝનેસ હબને ટાર્ગેટ કરવા પર છે.
સાજિદ તરારના કહેવા મુજબ પાકિસ્તાની સેના દ્વારા ભારત પ્રત્યે કરવામાં આવેલી રણનીતિમાં ફેરફારનો હેતુ સરહદ નજીક મર્યાદિત લશ્કરી કાર્યવાહીને બદલે ભારતને ભારે આર્થિક નુકસાન પહોંચાડવાનો છે. સાજિદનાં આ નિવેદનોએ એટલા માટે ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તે અમેરિકામાં ઘણી વગદાર વ્યક્તિ છે અને એવું માનવામાં આવે છે કે તેણે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મુલાકાત પછી ટેમ્પામાં એક ખાનગી ડિનર-પાર્ટી દરમ્યાન જનરલ મુનીરે પણ તેમનાં નિવેદનોમાં આવો જ ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાન હવે ભારતના ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરી શકે છે.

