કૅપ્ટન હરમનપ્રીત સિંહના ત્રણ ગોલની મદદથી ચીન સામે ૪-૩થી જીત નોંધાવી
ભારતના કૅપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ જબરદસ્ત ગોલ કરીને મૅચની દિશા બદલી નાખી હતી
બિહારમાં ગઈ કાલે ૮ એશિયન ટીમ વચ્ચે બારમા હૉકી મેન્સ એશિયા કપની શરૂઆત થઈ હતી જેમાં ભારતીય ટીમે ચીન સામે ૪-૩થી જીત મેળવી પોતાના અભિયાનના શ્રીગણેશ કર્યા છે. હાફ ટાઇમમાં ભારત ૨-૧થી આગળ હતું પરંતુ ત્રીજા ક્વૉર્ટરમાં ભારતના એક અને ચીનના બે ગોલને કારણે સ્કોર ૩-૩થી લેવલ થયો હતો. જોકે ચોથા ક્વૉર્ટરમાં એક ગોલ કરીને ભારતીય ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહે (૨૦, ૩૩ અને ૪૭મી મિનિટે) પેનલ્ટી કૉર્નરની મદદથી ત્રણ હૅટ-ટ્રિક ગોલ કર્યા હતા. જ્યારે ભારતનો પહેલો ગોલ જુગરાજ સિંહે (૧૮મી મિનિટે) કર્યો હતો. પહેલા દિવસની રમતના અંતે ગ્રુપ-Aમાં જપાન અને ભારત જ્યારે ગ્રુપ-Bમાં સાઉથ કોરિયા અને મલેશિયાએ ત્રણ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
પહેલા દિવસની મૅચનાં રિઝલ્ટ
મલેશિયા ૪-૧થી બંગલાદેશ સામે જીત્યું
સાઉથ કોરિયા ૭-૦થી ચાઇનીઝ તાઇપેઇ સામે જીત્યું
જપાન ૭-૦થી કઝાકિસ્તાન સામે જીત્યું

