° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


બૅન્કિંગે બાવડાં બતાવ્યાં અને બજાર ૫૪૬ પૉઇન્ટ વધીને ૫૪૦૦૦ને પાર

05 August, 2021 09:37 AM IST | Mumbai | Anil Patel

ચાર આઇપીઓ પ્રથમ દિવસે જ રીટેલના ભારે રિસ્પોન્સ સાથે છલકાઈ ગયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બજાર ૫૪૬ પોઇન્ટ વધ્યા છતાં માર્કેટ-કૅપમાં ૫૩,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો : ટેલિકોમ ઇન્ડેક્સ ખાતે તેજસ સિવાય તમામ શૅર ડાઉન, વોડાફોન ૧૮ ટકા તૂટ્યો : બૅન્કિંગ ક્ષેત્રના ૩૫માંથી ૨૧ શૅર ડાઉન છતાં બૅન્કેક્સ ૧૦૪૧ પૉઇન્ટ વધ્યો : ચાર આઇપીઓ પ્રથમ દિવસે જ રીટેલના ભારે રિસ્પોન્સ સાથે છલકાઈ ગયા : માર્કેટ બ્રેડ્થમાં ખરાબી, બૅન્કિંગ-ફાઇનૅન્સ સિવાય તમામ સેક્ટોરલ રેડ-ઝોનમાં

નિફ્ટીમાં ૧૬૦૦૦ના શિખર સાથે મંગળવારે માર્કેટ ૮૭૩ પૉઇન્ટના તગડા જમ્પ સાથે ઑલટાઇમ હાઈ થયું ત્યારે સંસદમાં સવાલ પુછાયો : અર્થતંત્ર કોવિડની મહામારીનો ભોગ બની ગયું છે ત્યારે શૅરબજાર આવી રીતે આટલું બધું શા માટે વધે છે? અને નાણાપ્રધાન નિર્મલાતાઇએ જવાબ આપ્યો : ડોન્ટ વરી, સરકાર, સેબી તથા રિઝર્વ બૅન્ક બજારની દરેક હિલચાલ પર બારીક નજર રાખી રહ્યાં છે. ક્યાંય કંઈ પણ ખોટું ચલાવી નહીં લેવાય. નિર્મલાતાઇએ બારીક નજર હોવાની વાત કરી ને વળતા જ દિવસે બજાર ઇન્ટ્રા-ડેમાં બીજા ૬૪૩ પૉઇન્ટનો ઉછાળો મારીને બુધવારે ૫૪૪૬૬ની નવી ઑલટાઇમ હાઈ બતાવી આવી જાય. સેન્સેક્સ છેલ્લે ૫૪૬ પૉઇન્ટની આગેકૂચમાં ૫૪૩૭૦ બંધ રહ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૬૨૯૦ થઈ ૧૨૮ પૉઇન્ટ વધી ૧૬૨૫૯ જોવાયો છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૨ તથા નિફ્ટીના ૫૦માંથી ૧૯ શૅર પ્લસ હતા. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. એનએસઈમાં વધેલા ૫૮૪ શૅરની સામે ૧૩૫૮ કાઉન્ટર ડાઉન હતા. બીએસઈ ખાતે પણ ૩૦૭૨ શૅરમાં ટ્રેડિંગ થયું હતું તેમાં ૧૧૪૭ શૅર પ્લસ હતા. મતલબ કે ગઈ કાલે સેન્સેક્સ, નિફ્ટી ભલે વધીને નવા શિખરે બંધ આવ્યા, એકંદર બજાર ઘટ્યું છે, રોકડું વધુ ખરડાયું છે અને એના લીધે જ ૩૪૮ શૅરમાં નવા શિખરની સામે ૩૩૬ જાતોમાં નવી નીચી બૉટમ બની છે. આ સ્થિતિમાં નવા મજબૂત ટ્રીગરની ગેરહાજરી રહે તો માર્કેટ વધવાના બદલે ઘટે અને પછી કૉન્સોલિડેશન દાખવે એવી શક્યતા વધુ છે. ઝોમૅટો ગઈ કાલે પોણો ટકો ઘટીને ૧૩૮ રૂપિયા તો તત્વચિંતન સવા બે ટકાની નરમાઈમાં ૨૨૧૩ નજીક બંધ હતા. એચડીએફસી ૪.૭ ટકાના ઉછાળે ૨૬૭૬ નજીક બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર રહ્યો છે. મંગળવારનો હીરો ટાઇટન બુધવારે સવા બે ટકા નજીકની નબળાઈમાં ૧૮૦૦ નીચેના બંધમાં સેન્સેક્સ ખાતે તો ગ્રાસીમ અઢી ટકા ઘટી ૧૫૫૩ રહી નિફ્ટી ખાતે ટૉપ લૂઝર હતા. નિફ્ટી ખાતે બૅન્કિંગ-ફાઇનૅન્સ સિવાય તમામ સેક્ટોરલ રેડ-ઝોનમાં જોવાયા છે, સ્મૉલ કૅપ તથા મિડ કૅપ બેન્ચમાર્ક એક-એક ટકાથી વધુ ઢીલા હતા.

વોડાફોન ૧૮ ટકાથી વધુ લથડ્યો, તેજસ નેટમાં તેજી બરકરાર

કુમાર મંગલમ બિરલા પછી વિદેશી સહપ્રમોટર વોડાફોને પણ વોડાફોન-આઇડિયામાંથી હાથ ઉપર કરી દીધા છે. સરકાર મોઢામાં મગ ભરી બેઢી છે. સરવાળે શૅર ભારે વૉલ્યુમ સાથે બમણા જોરથી ખાબક્યો છે. ભાવ નીચામાં ૫.૯૪ થઈ ૧૮.૫ ટકા તૂટી ૬.૦૩ રૂપિયા બંધ આવ્યો છે. ભારતી અૅરટેલ પરિણામની અસરમાં બમણાથી વધુ કામકાજે એક ટકો ઘટી ૫૭૪ હતો. ઇન્ડ્સટાવર પોણા સાત ટકા, એમટીએનએલ સાડા ચાર ટકા, સ્ટરલાઇટ ટેક્નો ૪.૫ ટકા, એચએફસીએલ  ૨.૯ ટકા, આર.કોમ અઢી ટકા સહિત ૧૪માંથી ૧૩ શૅરની નબળાઈમાં ટેલિકોમ ઇન્ડેક્સ ગઈ કાલે સવા બે ટકા કટ થયો છે. એકમાત્ર તેજસ નેટ તાતાની સવારીને લઈ સતત પાંચમા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૯૯ના નવા બેસ્ટ લેવલે બંધ થયો છે.

માર્કેટ લીડર રિલાયન્સ સુધારાને આગળ ધપાવતા પોણો ટકો વધીને ૨૧૦૩ બંધ રહ્યો છે તો ઇન્ફી પાંચેક રૂપિયા અને ટીસીએસ દસ રૂપિયાના મામૂલી ઘટાડામાં બંધ થયા છે. આગલા દિવસે પાંચ ટકાની સર્કિટમાં ૧૦૮ બંધ રહેલો ૬૩ મૂન્સ ઉપરમાં ૧૧૪ નજીક જઈને છેવટે પોણા ત્રણ ટકા ઘટી  ૧૦૬ની અંદર જોવાયો છે. એચએસબીસી તરફથી ઝોમૅટોમાં ૧૧૨ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ આવ્યો છે પરંતુ સામે યુબીએસ અને જે ફરીઝ જેવા બ્રોકરેજ હાઉસ અહીં ૧૬૫-૧૭૦નો ભાવ લાવ્યા છે. જુઓ શું થાય છે.

સ્ટેટ બૅન્ક વિક્રમી નફાના જોરમાં

નવી સર્વોચ્ચ સપાટીએ

બૅન્કિંગ ક્ષેત્રની મોભી સ્ટેટ બૅન્ક દ્વારા જૂન ક્વૉર્ટરમાં ૫૫ ટકાના વધારામાં ૬૫૦૪ કરોડનો વિક્રમી નેટ પ્રૉફિટ સ્ટેન્ડ અલોન ધોરણે દર્શાવાતા શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજમાં ૪૬૭ની ઑલટાઇમ હાઈ બનાવી ૨.૪ ટકા ઊંચકાઈ ૪૫૭ના શિખરે બંધ રહ્યો છે. આ સાથે બૅન્કનું માર્કેટ કૅપ વધીને ૪.૦૮ લાખ કરોડને વટાવી ગયું છે. સ્ટેટ બૅન્ક ઉપરાંત ગઈ કાલે આઇસીઆઇસીઆઇ બૅન્ક ૭૧૭નું નવું બેસ્ટ લેવલ મેળવી ૩.૬ ટકાની મજબૂતીમાં ૭૧૫ રૂપિયા, એચડીએફસી બૅન્ક ૨.૧ ટકા વધીને ૧૪૬૫ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક ૩.૭ ટકાના ઉછાળે ૧૭૫૦ રૂપિયા તથા એક્સીસ બૅન્ક બે ટકા વધીને ૭૫૩ રૂપિયા બંધ હતા. આ પાંચ બૅન્કની મજબૂતીથી સેન્સેક્સને ૪૧૫ પૉઇન્ટ મળી ગયા હતા. આગલા દિવસે ત્રણ ટકાનો જમ્પ મારનારો એચડીએફસી ગઈ કાલે ઉપરમાં ૨૬૮૦ થઈ ૪.૮ ટકાની તેજીમાં ૨૬૭૬ બંધ આવતાં બજારને બીજા ૧૯૯ પૉઇન્ટનો લાભ થયો છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની આગેકૂચમાં ૩૬૨૨૦ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૨.૩ ટકા કે ૮૨૧ પૉઇન્ટની તેજીમાં ૩૬૦૨૮ બંધ આવ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૩માંથી ૪ શૅરના સુધારામાં ૦.૩ ટકા તો પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૫ શૅર પ્લસમાં આવીને ૧.૯ ટકા ઊંચકાયો છે. બીએસઈનો બૅન્કેકસ ૪૦૧૯૬ના આગલા બંધ સામે ઉપરમાં ૪૧૨૧૫ થઈ ૧૦૪૧ પૉઇન્ટના જોરમાં ૪૧૦૧૪ બંધ હતો. બૅન્કિંગ ઇન્ડાઇસીસની આવી તેજી વચ્ચે પણ સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી કેવળ ૧૪ શૅર જ વધ્યા હતા. બાકીની ૨૧ જાતો નરમ હતી. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, આરબીએલ બૅન્ક, યુનિયન બૅન્ક, ડીસીબી બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ઇક્વિટાસ, ધનલક્ષ્મી, ઉજજીવન, બૅન્ક ઑફ ઇન્ડિયા, ફેડરલ બૅન્ક, પીએનબી જેવા કાઉન્ટર આશરે દોઢ ટકાથી માંડીને પોણા ચાર ટકા માઇનસ હતા. ઉદ્યોગમાં વધેલા એક શૅર સામે લગભગ બે શૅર ડાઉન થાય અને તો પણ તેને લગતો ઇન્ડેક્સ તગડો વધે એટલે શું? વેરી સિમ્પલ, ઇન્ડેક્સ મૅનેજમેન્ટ યાર.

હેવીવેઇટ બૅન્ક શૅરની હૂંફમાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ તેજીમાં

નિફ્ટી ખાતે ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ ૨૦માંથી ૧૪ શૅરના સથવારે ૨.૬ ટકા વધ્યો છે જ્યારે બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ બે ટકા પ્લસ દેખાયો છે. જોકે અહીં ૧૦૩માંથી ૩૬ શૅર જ સુધર્યા હતા એ વાત જુદી છે. આ આંકમાં મજબૂતી કેવળ બૅન્કિંગ હેવીવેઇટસ તથા એચડીએફસીને આભારી છે. આઇઆઇએફએલ વેલ્થ મૅનેજમેન્ટ ૧૫૯૨ના શિખરે જઈ ૧૩.૪ ટકાના ઉછાળે ૧૫૭૦ રૂપિયા બંધ હતો. જીઆઇસી હાઉસિંગ ૧૩.૨ ટકા, પીએનબી હાઉસિંગ પાંચ ટકા, મહિન્દ્ર ફાઇનૅન્સ ૩.૫ ટકા, એયુ બૅન્ક ૪ ટકા અપ હતા. કેનફીન એડલવીસ તથા આઇસીઆઇસીઆઇ-પ્રુ અઢીથી પોણાત્રણ ટકા પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ ૬૪૭૫ની વિક્રમી સપાટી બાદ અડધો ટકો વધી ૬૩૩૧ તથા બજાજ ફિનસર્વ ઉપરમાં ૧૪૪૯૦ થયા બાદ અડધો ટકો ઘટીને ૧૪૨૧૮ રહ્યો છે. કેર રેટિંગ સાત ટકાની ખરાબીમાં ૭૦૯ રૂપિયા દેખાયો છે. જે. એમ. ફાઇ., શ્રેઇ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ હોમ, રેપ્કો હોમ, સેન્ટ્રમ કેપિટલ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, ક્રીસિગ જેવી આઇટમો ચાર ટકાથી લઈને પાંચ ટકા સુધી ડૂલ થઈ હતી. એસબીઆઇ કાર્ડસમાં દોઢ ટકાની નબળાઈ હતી.

રિયલ્ટી શૅરોમાં પ્રૉફિટ બુકિંગ વચ્ચે કાર્દા કન્સ્ટ્ર.ની આગેકૂચ

બુધવારે રિયલ્ટી ઇન્ડેક્સ આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી છેલ્લે ૧.૭ ટકા ઘટ્યો છે. નિફટી રિયલ્ટી ઇન્ડેક્સ પણ આટલો જ ઢીલો હતો. બન્નેના દસે-દસ શૅર માઇનસ હતા. ફિનિક્સ સર્વાધિક ચાર ટકા ગગડી ૮૬૨ બંધ હતો. શોભા, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી, મહિન્દ્ર લાઇફ સવા બેથી ત્રણ ટકા તો ડીએલએફ, ગોદરેજ અને પ્રેસ્ટિજ એકથી સવા ટકો ડાઉન હતા. જેમાં શૅરદીઠ ચાર બોનસ તથા બેના શૅરના એકમાં વિભાજન માટેની રેકૉર્ડ ડેટ ૧૩ ઑગસ્ટ છે તે કાર્દા કન્સ્ટ્રકશન્સ વિપરીત ચાલ સાથે ૨૧૨ રૂપિયાની નવી ઑલટાઇમ હાઈ બનાવી અડધા ટકા નજીકની આગેકૂચમાં તેજીની ચાલ આગળ વધવા માટે ૨૨૦નું પ્રતિકારક લેવલ પાર થવું જરૂરી છે. વૉલ્યુમ બન્ને બજાર ખાતે મળીને પોણા બે લાખ શૅરથી વધુનું હતું. હબટાઉન બુધવારે પણ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૪ નજીક નવી ટોચે જોવાયો છે. નૅશનલ સ્ટાન્ડર્ડસ પણ આવી જ ચાલમાં પાંચ ટકા ઊંચકાઈ ૧૭૫૦ના બેસ્ટ લેવલે પહોંચ્યો છે. અજમેરા રિયલ્ટી ૩૫૨ની નવી ટોચે જઈ દોઢ ટકો ઘટી ૩૩૧, લોઢા ગ્રુપની મેક્રોટેક ડેવલપર્સ ચાર ટકા ગગડી ૮૮૪, ઠક્કર ડેવલપર્સ સાડા ત્રણ ટકા વધી ૪૦ની ઉપર તો કોલ્ટે-પાટીલ ડેવલપર્સ સાડા ત્રણ ટકાની નબળાઈમાં ૨૫૨ નજીક બંધ આવ્યા છે.

ઇન્વેસ્ટર્સનો સેક્યુલર મૂડ, ચારેય આઇપીઓ પ્રથમ દિવસે છલકાયા

બુધવારના રોજ એકસાથે ચાર આઇપીઓ ખૂલ્યા છે. વિન્ડલાસ બાયોટેક ૪૬૦ રૂપિયાની અપર બૅન્કમાં ૪૦૧ કરોડ રૂપિયા, દેવયાની ઇન્ટરનૅશનલ ૯૦ની અપર બૅન્કમાં ૧૮૩૮ કરોડ રૂપિયા, એકસારો ટાઇલ્સ ૧૨૦ની અપર બૅન્કમાં ૧૬૧ કરોડ રૂપિયા તથા ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ ૯૫૪ની અપર બૅન્કમાં ૧૨૧૩ કરોડ રૂપિયા ઊભા કરવા મૂડીબજારમાં આવ્યા છે. તમામ ભરણાં ૬ ઑગસ્ટના રોજ બંધ થવાના છે. ઇશ્યુ ખૂલવાના પ્રથમ દિવસે જ આ લખાય છે ત્યાં સુધીમાં રીટેલમાં સવા છ ગણા રિસ્પોન્સ સાથે વિન્ડલાસ બાયો ૩.૨ ગણો અને એકસારો ટાઇલ્સ રીટેલમાં ૯.૪ ગણા પ્રતિસાદ સાથે કુલ ૪.૮ ગણો ભરાઈ ગયો છે. જેના શૅરની ફેસવેલ્યુ એકની છે અને સતત ખોટ કરે છે તે દેવયાની ઇન્ટરનૅશનલ પણ પોણાત્રણ ગણો છલકાયો છે. જેમાં રીટેલ પોર્શન તો ૧૧.૪ ગણું ભરાઈ ગયું છે. તો પછી ક્રિષ્ના કેમ પાછળ રહે? આ આઇપીઓ પણ બે ગણો ભરાયો છે અને રીટેલ પોર્શન ૯.૭ ગણું છલકાયું છે. મતલબ કે ૩૬૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા આવેલા ચારેય ભરણાં પ્રથમ દિવસે જ જબરાં ભરાઈ ચૂક્યા છે અને હજી બીજા બે દિવસ બાકી છે. આ રિસ્પોન્સ બહુધા રીટેલ ઇન્વેસ્ટર્સની આઇપીઓ માટેની ઘેલછાને આભારી છે તેની ખાસ નોંધ લેવી.

05 August, 2021 09:37 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

ડાયરેક્ટ ટૅક્સીસની વસૂલાત ૭૪ ટકા વધી ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ

નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત ૭૪.૪ ટકા વધીને ૫.૭૦ લાખ કરોડ રૂપિયા થઈ છે.

25 September, 2021 05:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અર્થતંત્ર પુનરુત્થાનના માર્ગે આગળ વધી રહ્યું છે: નિર્મલા સીતારમણ

જીએસટીનું કલેક્શન દર મહિને સરેરાશ ૧.૧૧ લાખ કરોડ અને ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં છે

25 September, 2021 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પીપીઈ કિટના કચરામાંથી મોલ્ડેડ પ્લાસ્ટિકની ઉપયોગી વસ્તુઓ બનાવવાનો સફળ પ્રયોગ

સીએસઆઇઆરે નિવેદનમાં જણાવ્યા મુજબ આ પ્રાયોગિક પ્રયોગ હવે દેશભરમાં મૂકી શકાય એવો છે

25 September, 2021 05:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK