મુખ્ય પ્રધાને કહ્યું કે ડૉ. સંપદા મુંડેએ હથેળી પર જેમનાં નામ લખ્યાં હતાં તેમને ઝડપી લેવાયા છે : ડૉક્ટર પર ૪ વાર બળાત્કાર કરવાનો આરોપી સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદને સરેન્ડર થઈને બોલ્યો કે મારો કોઈ વાંક નથી
દેવેન્દ્ર ફડણવીસ, ડૉ. સંપદા મુંડે
ફલટણ પહોંચીને દેવેન્દ્ર ફડણવીસે મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં ચગેલા સ્થાનિક રાજકારણીઓને ક્લીન ચિટ આપીને કહ્યું...
મૂળ બીડની અને ફલટણ સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં ફરજ બજાવતી ડૉ. સંપદા મુંડેએ આત્મહત્યા કરી હતી અને એ માટે જવાબદાર આરોપીઓનાં નામ સાથેની સુસાઇડ-નોટ પોતાના હાથ પર લખી રાખી હતી. એ કેસના મુખ્ય આરોપી અને સસ્પેન્ડેડ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદનેએ શનિવારે મોડી રાતે ફલટણ ગ્રામીણ પોલીસમાં સરેન્ડર કર્યું હતું. ગઈ કાલે સાંજે તેને હૉલિડે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૩૦ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જે રાતે ડૉ. સંપદાએ આત્મહત્યા કરી એ રાતે ગોપાલ બદને ફલટણ ગ્રામીણ પોલીસ-સ્ટેશનમાં ડ્યુટી પર હતો. તે પૅટ્રોલિંગની ડ્યુટી પર બહાર હતો ત્યારે તેને જાણ થઈ કે ડૉ. સંપદાએ આત્મહત્યા કરી છે એટલે એ પ્રકરણમાં તે ફસાઈ શકે છે એવું લાગતાં તે ફલટણથી ભાગી ગયો હતો. તે ૩૬ કલાક ગાયબ રહ્યો હતો. આ દરમ્યાન તે પંઢરપુર થઈ તેના બીડના ગામમાં પણ જઈ આવ્યો હતો. તે સોલાપુરના કેટલાક પોલીસ-કર્મચારીઓ સાથે સોશ્યલ મીડિયાથી સંપર્કમાં હતો. બીજી બાજુ ફલટણ પોલીસે ગોપાલ બદનેના પરિવારને કહ્યું હતું કે તેને સરેન્ડર કરવા કહો, નહીં તો નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે. એ પછી ફલટણના કોઈ સ્થાનિક પત્રકારે એ માહિતી ગોપાલ સુધી પહોંચાડી અને ત્યાર બાદ તે પોલીસમાં સરેન્ડર થયો હતો. તેણે કહ્યું હતું કે મેં કોઈ બળાત્કાર કર્યો નથી. તેને જ્યારે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાતો હતો ત્યારે તેણે પત્રકારોને કહ્યું હતું કે હું પ્રામાણિક છું અને મને પોલીસ-પ્રશાસન પર વિશ્વાસ છે.
ઘટના શું બની હતી?
બીડની ડૉ. સંપદા મુંડેએ ફલટણની મધુદીપ હોટેલમાં બુધવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે ચેક-ઇન કર્યું હતું અને એ પછી આત્મહત્યા કરી હતી. ગુરુવારે સાંજ સુધી તેણે દરવાજો ન ખોલતાં હોટેલ મૅનેજમેન્ટ દરવાજો ખોલ્યો ત્યારે તેણે ગળફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ડૉ. સંપદાએ તેના હાથમાં સુસાઇડ-નોટ લખી હતી જેમાં તેણે ગોપાલ બદનેએ તેના પર ૪ વાર બળાત્કાર કર્યો હોવાનું અને પ્રશાંત બનકર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું લખ્યું હતું. પોલીસે પ્રશાંત બનકરની ધરપકડ કરી હતી, જ્યારે ગોપાલ બદનેએ શનિવારે મોડી રાતે સરેન્ડર કર્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસની ક્લીન ચિટ
ડૉ. સંપદાએ તેના સિનિયર્સને જણાવ્યું હતું કે તેને પોલીસ દ્વારા અનફિટ આરોપીને ફિટ છે એવું સર્ટિફિકેટ આપવાનું અને ઘણી વાર પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બદલવાનું દબાણ કરવામાં આવતું હતું. એ માટે તેણે ફલટણના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને પણ પત્ર લખીને જાણ કરી હતી. આ ઘટનાને લઈને વિરોધ પક્ષે ફલટણના ભૂતપૂર્વ સંસદસભ્ય રણજિતસિંહ નિંબાળકર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સચિન કાંબળેના પદાધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને તે બન્નેની સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.
રાજ્યના મુખ્ય પ્રધાન અને સાથે જ ગૃહપ્રધાનનો પણ હોદ્દો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ફલટણની મુલાકાત લીધી હતી અને કેટલાક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમારી નાની બહેન જે ડૉક્ટર હતી તેનું બહુ કમનસીબ મૃત્યુ થયું. તેણે આત્મહત્યા કરી. આત્મહત્યા કરતી વખતે એનું કારણ પણ તેણે પોતાના હાથ પર લખી રાખ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. એમાંનું સત્ય હવે બહાર આવી રહ્યું છે. અમે કોઈ પણ પરિસ્થિતિમાં અમારી નાની બહેનને ન્યાય અપાવ્યા સિવાય રહીશું નહીં. અમે કોઈને છોડીશું નહીં. આ ઘટનામાં જે કોઈ આરોપી હશે તેના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત ઑફિસરને પકડી લેવાયો છે અને તેને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. વિરોધીઓએ આ પ્રકરણનું રાજકારણ કરવું નહીં. છેલ્લા કેટલાક વખતથી દરેક બાબતમાં રાજકારણ ઘુસાડવાના નિંદનીય પ્રયાસ કરાઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. હું ફલટણમાં ન આવું એ માટે બહુ પ્રયાસ કરવામાં આવ્યા. આત્મહત્યાના આ પ્રકરણમાં મને જો સ્થાનિક નેતાઓ વિશે થોડી પણ શંકા હોત તો હું અહીં ન આવ્યો હોત, તરત જ મેં બધા કાર્યક્રમ રદ કર્યા હોત.’
આમ કહીને દેવેન્દ્ર ફડણવીસે રણજિતસિંહ નિંબાળકર અને સચિન કાંબળેને ક્લીન ચિટ આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં સચ્ચાઈ વહેલી તકે બહાર આવશે.’


