સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૩૩૮ પૉઇન્ટ લથડી છેવટે ૫૭૩ પૉઇન્ટના ઘટાડામાં બંધ : ઓસવાલ પમ્પ્સનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૯ ટકા ભરાયો, પ્રીમિયમ ઘટ્યું : સોમવારે પુણેની પાટીલ ઑટોમેશનનો SME ઇશ્યુ ૧૨૦ના ભાવે, ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૭ રૂપિયા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- BSE લિમિટેડ અને ઇન્ડિયન એનર્જી એક્સ.માં નરમાઈની હૅટ-ટ્રિક
- મુથૂટ ફાઇનૅન્સ અને મણપ્પુરમના ભાવ નવી ઊંચી સપાટીએ જઈને મજબૂત
- ઝૉડિઍક જેઆરડી મકનજી ૧૦ ટકાની ઉપલી સર્કિટે બંધ
ઇઝરાયલના ઈરાન પરના હવાઈ હુમલા બાદ અબાતી વિસ્તારમાં તનાવ ફરી એક વાર વકર્યો છે. બ્રૅન્ટક્રૂડ તગડા ઉછાળે ૭૫ ડૉલર વટાવી ગયું છે. વૈશ્વિક શૅરબજારો મૂરઝાયાં છે. તમામ અગ્રણી એશિયન બજાર અડધાથી એક ટકો ઘટ્યાં છે. યુરોપ રનિંગમાં એકથી દોઢ ટકો ડાઉન થયું છે. લંડન ફુત્સી અડધો ટકો માઇનસ હતો. ઇઝરાયલી માર્કેટ દોઢ ટકો તો કતાર, ઓમાન, સાઉદી અરેબિયા, કુવૈત, UAE જેવા ખાડી દેશોનાં શૅરબજાર એકથી બે ટકા રનિંગમાં નીચે દેખાયાં છે. પાકિસ્તાની શૅરબજાર ગુરુવારે ૧,૨૬,૭૧૮ના બેસ્ટ લેવલ બાદ ૧,૨૪,૦૯૩ બંધ થયા પછી ગઈ કાલે ૧,૨૨,૯૧૨ ખૂલી રનિંગમાં ૨૦૭૦ પૉઇન્ટ બગડી ૧,૨૨,૦૨૩ દેખાયું છે. બિટકૉઇન સવા ટકા જેવી નબળાઈમાં ૧,૦૪,૬૯૩ ડૉલર ચાલતો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સાડાચાર ટકા ખરડાઈને ૩.૨૩ લાખ કરોડ ડૉલર રહ્યું છે. હાજર સોનું એક ટકો વધી ૩૪૨૨ ડૉલર વટાવી ગયું છે. એની પાછળ ઘરઆંગણે પણ સોનામાં એક લાખ રૂપિયા ઉપરનો નવો ઊંચો ભાવ નોંધાયો છે.
સેન્સેક્સ આગલા બંધથી ૧૨૬૪ પૉઇન્ટની ખરાબીમાં ૮૦,૪૨૮ ખૂલી છેવટે ૫૭૩ પૉઇન્ટ બગડીને ૮૧,૧૧૮ તથા નિફ્ટી ૧૬૯ પૉઇન્ટના ઘટાડે ૨૪,૭૧૮ બંધ થયો છે. નબળા ઓપનિંગ બાદ શૅરઆંક નીચામાં ૮૦,૩૫૪ જોવાયો હતો. આગલા બંધથી ૧૩૩૮ પૉઇન્ટની આ ખુવારી બાદ બજાર ત્યાંથી ૮૮૪ પૉઇન્ટ વધીને ઉપરમાં ૮૧,૨૩૮ થયું હતું. બન્ને બજારનાં લગભગ તમામ ઇન્ડાઇસિસ રેડઝોનમાં બંધ હતાં. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૬ શૅરના સથવારે દોઢ ટકા વધ્યો છે. નિફ્ટી મીડિયા, રિયલ્ટી, હેલ્થકૅર જેવાં સેક્ટોરલ્સ નહીંવત્ પ્લસ હતાં. સામે બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના બગાડમાં એક ટકા કે ૫૫૫ પૉઇન્ટ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી નવ શૅરની નબળાઈમાં સવા ટકા ડૂલ થયો છે. પાવર, યુટિલિટીઝ, ફાઇનૅન્સ, FMCG, મેટલ, ટેલિકૉમ જેવાં બેન્ચમાર્ક પોણાથી એક ટકો માઇનસ હતાં. મિડકૅપ, સ્મૉલકૅપ અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં ઓછું ઘટ્યું હતું, પરંતુ ઘટાડાનો વ્યાપ ઘણો વધુ મોટો હતો. સરવાળે નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૦૫૯ શૅરની સામે ૧૮૨૪ કાઉન્ટર ઘટ્યાં છે. બજારનું માર્કેટકૅપ ૨.૯૮ લાખ કરોડ રૂપિયા વધુ ઘટીને હવે ૪૪૭.૨૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
ADVERTISEMENT
પ્રાઇમરી માર્કેટમાં હરિયાણવી ઓસ્વાલ પમ્પ્સનો એકના શૅરદીઠ ૬૧૪ના ભાવનો ૧૩૮૨ કરોડ રૂપિયાનો ઇશ્યુ શુક્રવારે પ્રથમ દિવસે કુલ ૧૯ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૭૦ થયું છે. SME સેગમેન્ટમાં અમદાવાદી એટેન પેપર્સનો ૧૦ના શૅરદીઠ ૯૬ના ભાવનો ૩૧૬૮ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે ૬૯ ટકા ભરાયો છે. પ્રીમિયમના સોદા નથી. મોનોલિથિક ઇન્ડિયાનો શૅરદીઠ ૧૪૩ના ભાવનો ૮૨૦૨ લાખ રૂપિયાનો NSE SME IPO બીજા દિવસના અંતે કુલ આઠ ગણો ભરાઈ ગયો છે. ગ્રેમાર્કેટ ખાતે ૪૬નું પ્રીમિયમ સંભળાય છે. સોમવારે પુણેના વુલસી માલવ ખાતેની પાટીલ ઑટોમેશન ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવથી ૬૯૬૧ લાખનો તથા ચેન્નઈની સમય પ્રોજેક્ટ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૩૪ના ભાવથી ૧૪૬૯ લાખનો SME ઇશ્યુ કરવાની છે. પાટીલે ઑટોમેશનમાં ૨૩થી શરૂ થયેલું પ્રીમિયમ અત્યારે ૧૭ની આસપાસ છે. નિફ્ટી ફ્યુચર્સ ૨૦૧ પૉઇન્ટના ઘટાડામાં ૨૪,૭૩૬ બંધ હતો.
લુબ્રિકન્ટ્સ, ઍરલાઇન્સ, ટાયર, રિફાઇનરી શૅરમાં નબળાઈ જોવા મળી
અમદાવાદ ખાતે ઍર ઇન્ડિયાના ગોઝારા પ્લેન-ક્રૅશને લઈને બગડેલા માસને ક્રૂડની તેજીએ વધુ બગાડતાં એવિયેશન સેક્ટરના તમામ ચાર શૅર ઘટ્યા છે. ઇન્ડિગો ફેમ ઇન્ટર ગ્લોબ એવિયેશન પોણાચાર ટકા, ગ્લોબલ વેકટ્રા સાડાત્રણ ટકા, સ્પાઇસ જેટ બે ટકા અને તાલ એન્ટર પ્રાઇસિસ પોણાબે ટકા ઘટ્યા છે.
લુબ્રિકન્ટ્સ ઉદ્યોગના ૮માંથી ૬ શૅર નરમ હતા. ગ્રીન હાઇટેક વેન્ચર્સ અઢી ટકા, કેસ્ટ્રોલ અને ગલ્ફ ઑઇલ સવા ટકો, ગલ્ફ પેટ્રો એક ટકા, ગાંધાર ઑઇલ રિફાઇનરી એક ટકા નજીક લપસ્યો છે. પેઇન્ટ્સ ઉદ્યોગમાં કન્સાઇ નેરોલેક ૨.૭ ટકા, ઇન્ડિગો પેઇન્ટ્સ અઢી ટકા, શાલીમાર પેઇન્ટ્સ બે ટકા ડાઉન થયા છે. ટાયર ઉદ્યોગમાં ખાસ માઠી અસર હાલ દેખાઈ નથી, પણ દેખાશે ખરી. ટીવીએસ શ્રીચક્ર સાત ટકા કે ૨૧૩ની તેજીમાં ૩૧૨૩ બંધ થયો છે. કોચિન મલબાર સવા ટકો, MRF પોણો ટકો, વીઆર વુડાર્ટ પાંચ ટકા પ્લસ હતા. સામે અપોલો ટાયર્સ, સિએટ, જેકે ટાયર્સ, ડોલ્ફિન એકથી બે ટકા ઘટ્યા છે. ઑઇલ માર્કેટિંગ કંપનીઓને ક્રૂડનો ભાવવધારો કઠ્યો છે. ચેન્નઈ પેટ્રો સાડાત્રણ ટકા, MRPL અઢી ટકા, ભારત પેટ્રો બે ટકા નજીક, ઇન્ડિયન ઑઇલ પોણાબે ટકા, હિન્દુ. પેટ્રો દોઢ ટકો, ઇન્દ્રપ્રસ્થ ગૅસ પોણાબે ટકા, મહાનગર ગૅસ દોઢ ટકો, IRM એનર્જી સવાબે ટકા, ગુજરાત ગૅસ દોઢ ટકો, અદાણી ટોટલ દોઢ ટકા નજીક ડાઉન હતા, ઑઇલ ઇન્ડિયા બે ટકા, ONGC દોઢ ટકો, હિન્દુ ઑઇલ પોણો ટકો, જિંદાલ ફીલિંગ સવાબે ટકા વધ્યા હતા.
શિપિંગ ઉદ્યોગના ૮માંથી ૬ શૅર માઇનસ હતા. એમાં શિપિંગ કૉર્પોરેશન પોણાદસ ટકાની તેજીમાં ૨૨૬ ઉપર બંધ આવ્યો એની નવાઈ છે. જીઈ શિપિંગ પોણાબે ટકા વધી ૯૯૧ થયો છે. અખાતી વૉરને લઈને ઑર્ડર-બુકમાં નવો વધારો થવાની ગણતરીમાં ડિફેન્સ શૅર મજબૂત બન્યા છે. યુનિમેક, ઝેનટેક્નૉલૉજીઝ, ગાર્ડન રિચ, પારસ ડિફેન્સ, ડેટા પેટર્ન્સ, ભારત અર્થમૂવર્સ, મિશ્રધાતુ નિગમ, કોચિન શિપયાર્ડ, ડીસીએક્સ ઇન્ડિયા, ભારત ઇલે. બેથી પાંચ ટકા વધ્યા હતા. આઇડિયા ફોર્જ સવાછ ટકા ઊછળી ૫૯૦ થયો છે.
સોનું નવા શિખરે જતાં જ્વેલરી શૅર ઝંખવાયા, ગોલ્ડ-લોન શૅર વધ્યા
સોનાના ભાવની તેજીથી ગોલ્ડ-લોન શૅરને નવી હૂંફ મળી છે. મુથૂટ ફાઇનૅન્સ ૨૬૦૭ના શિખરે જઈને ૧.૯ ટકા વધી ૨૬૦૦, મનપ્પુરમ ફાઇનૅન્સ ૨૮૧ના બેસ્ટ લેવલે જઈ સવાત્રણ ટકા ઊંચકાઈ ૨૮૦ નજીક સરક્યા છે. સામે જ્વેલરી શૅર એકંદર ઝંખવાયા છે. ટાઇટન, પીસી જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ, વૈભવ ગ્લોબલ, ડીપી આભૂષણ, ખજાનચી જ્વેલર્સ, રેનેસાં ગ્લોબલ, સીનિક એક્સપોર્ટ્સ, સ્ટરલિનેપ્સ એન્ટર., સ્વર્ણસરિતા, મનોજ જ્વેલર્સ એકથી બે ટકા, પામ જ્વેલર્સ પોણાચાર ટકા, રાજેશ એક્સપોર્ટ્સ ૩.૯ ટકા માઇનસ થયા છે. ઝૅડિઍક જેઆરડી મકનજી તેજીની ચાલમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૭૩ નજીક બંધ આવ્યો છે. ૯ મેના રોજ ભાવ ૪૩ હતો.
બૅન્કિંગના ૪૧માંથી ૯ શૅર સુધર્યા છે. ફિનો પેમેન્ટ બૅન્ક સાડાછ ટકા, કરુર વૈશ્ય ત્રણ ટકા અને સાઉથ ઇન્ડિયન બૅન્ક સવા ટકો અપ હતા, સામે IDBI, આઇઓબી, યુનિયન બૅન્ક, ઇસફ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, જેકે બૅન્ક સવાબેથી પોણાત્રણ ટકા ઘટ્યા છે. એ-ગ્રુપ ખાતે જ્યુબિલન્ટ ઇનગ્રેવિઆ ૧૧૩ કે સાડાસોળ ટકાના ઉછાળે ૭૯૩ વટાવી ઝળક્યા છે. તાતા ટેલિ સાત ટકા, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ સાડાછ ટકા, સુબેક્સ સાડાપાંચ ટકા ખરડાયા હતા. અનિલ ગ્રુપની રિલાયન્સ પાવર પોણાચાર ટકા તથા રિલાયન્સ ઇન્ફ્રા પોણા ત્રણ ટકા કપાયા છે.
અદાણી પોર્ટ્સ બન્ને મેઇન બેન્ચમાર્કમાં વર્સ્ટ પર્ફોર્મર
સેન્સેક્સ ખાતે ૩૦માંથી વધેલા ૪ શૅરમાં ટેક મહિન્દ્ર એક ટકાની આગેકૂચમાં ૧૬૬૦ બંધ આપી મોખરે રહ્યો છે. નિફ્ટી ખાતે ૫૦માંથી વધેલા ૯ શૅરમાં ભારત ઇલે. પોણા બે ટકાની મજબૂતીમાં ૩૯૪ બંધ આપી ટૉપ ગેઇનર હતો. ONGC દોઢ ટકો વધી ૨૫૧ વટાવી ગયો છે. સનફાર્મા, આઇશર, મારુતિ, સિપ્લા, વિપ્રો, ટીસીએસ નહીંવત્થી સામાન્ય સુધર્યા છે.
અદાણી પોર્ટ્સ અઢી ટકાથી વધુની ખરાબીમાં ૧૪૦૭ નીચે બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. HDFC બૅન્ક ૧.૨ ટકા ઘટી ૧૯૧૯ બંધ આપી બજારને સર્વાધિક ૧૪૬ પૉઇન્ટ નડ્યો છે. રિલાયન્સ પોણો ટકો ઘટી ૧૪૨૮ નજીક બંધ થતાં એમાં બીજા ૭૦ પૉઇન્ટનો ઉમેરો થયો છે. અન્યમાં આઇટીસી ૧.૭ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક દોઢ ટકો, ટાઇટન એક ટકો, હિન્દાલ્કો અને અદાણી એન્ટર. ૧.૪ ટકા, બજાજ ઑટો સવા ટકો, ઝોમાટો એક ટકો માઇનસ હતા.
ASMનું બંધન લાગુ પડતાં BSE લિમિટેડ સતત ત્રીજા દિવસની નરમાઈમાં નીચામાં ૨૬૫૩ બતાવી દોઢ ટકાના ઘટાડે ૨૭૧૧ બંધ રહ્યો છે. ઇન્ડિયન એનર્જી એક્સ. પણ નબળાઈની હૅટ-ટ્રિકમાં ૧.૭ ટકા ઘટી ૧૮૭ હતો. MCX પોણો ટકો તથા CDSL એક ટકો સુધર્યો છે.
આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ સવા ટકો કે ૧૦૭૦ પૉઇન્ટ તથા નિફ્ટી ૧.૧ ટકા કે ૨૮૪ પૉઇન્ટ ડાઉન થયો છે. મધ્યપૂર્વમાં પરિસ્થિતિ વણસે તો ક્રૂડમાં ભડકો થવાનું નક્કી છે. જાણકારો ટૂંકમાં ક્રૂડ ૮૦ ડૉલર આસપાસ જવાની દહેશત સેવે છે. જે સાચી ઠરે તો આપણા શૅરબજારની તબિયત અવશ્ય બગડશે.

