Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ ખાટુંમીઠું ચોમાસુ ફળ તમારી હેલ્થ માટે સારું છે

આ ખાટુંમીઠું ચોમાસુ ફળ તમારી હેલ્થ માટે સારું છે

Published : 01 July, 2025 11:28 AM | Modified : 01 July, 2025 12:30 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

કબજિયાતની સમસ્યાથી ઝૂઝતા લોકો માટે આલૂ બુખારા એટલે કે પ્લમ દવાનું કામ કરે છે. ખાસ ચોમાસાની સીઝનમાં જોવા મળતું આ ફળ ગટ-હેલ્થને સારી રાખવાની સાથે હૃદય, હાડકાં અને ત્વચાના સ્વાસ્થ્યને પણ સુધારવાનું કામ કરે છે

આલૂ બુખારા

આલૂ બુખારા


ચોમાસું બેસે એટલે માર્કેટમાં સીઝનલ ફ્રૂટ્સની ભરમાર જોવા મળે અને એમાંથી એક છે આલૂ બુખારા. સ્વાદમાં ખાટામીઠા લાગતા આ ફળને સ્વાદને કારણે ચાખ્યાં હશે, પણ એના ગુણો અને વિશેષતાઓ વિશે ગણ્યાગાંઠ્યા લોકો જ વાકેફ હશે. પાચનશક્તિને સુધારવા માટે આ ફળનું સેવન સૌથી ઉત્તમ માનવામાં આવે છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આલૂ બુખારાના અઢળક હેલ્થ-બેનિફિટ્સ છે. આ ફળ શું કામ ખાવું જોઈએ એ વિશે ડાયટ ક્ષેત્રે ૧૭ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં હેલ્થ-એક્સપર્ટ અને ડાયટિશ્યન વિધિ શાહ પાસેથી જાણીએ.


કબજિયાત માટે કારગત



માર્કેટમાં આલૂ બુખારા સપ્ટેમ્બર મહિના સુધી જ દેખાશે. તો જેટલું બને એટલું એનું નિયમિત સેવન કરશો તો તમારા ઑલઓવર સ્વાસ્થ્યને ફાયદો આપશે, પણ કબજિયાતની સમસ્યા હોય એવા લોકો માટે આલૂ બુખારા અકસીર દવાનું કામ કરશે એમ કહેવું ખોટું નથી. એ ફાઇબરથી ભરપૂર હોવાથી ગટ-હેલ્થ માટે અકસીર દવાનું કામ કરે છે. ખાસ કરીને સૂકાં આલૂ બુખારા વધુ કારગત હોય છે. એને ઇંગ્લિશમાં પ્રૂન્સ અને ડ્રાય પ્લમ પણ કહેવાય છે. એ આંતરડામાં ગુડ બૅક્ટેરિયા વધારવામાં મદદ કરે છે. એમાં રહેલા ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી એ પાચનતંત્રની પ્રક્રિયાને ધીમી કરે છે અને મેટાબોલિઝમને વધારીને ગટ-હેલ્થને હેલ્ધી રાખે છે. ખાસ કરીને બાળકોમાં કબજિયાતની સમસ્યા વધુ રહેતી હોય છે. તેમને હું ડ્રાય પ્લમ્સ ખાવાની સલાહ આપું છું અને એ ખાધા બાદ તેમને અસરકારક પરિણામ પણ જોવા મળે છે.


એજિંગ પ્રોસેસને રિવર્સ કરે

આમ તો બ્લૅક પ્લમ્સ અને રેડ પ્લમ્સના ગુણો મોટા ભાગે એકસમાન હોય છે, પણ બ્લૅક પ્લમ્સમાં ત્વચાને નુકસાન પહોંચાડતા કોષો સામે લડવામાં ઉપયોગી ઍન્ટિ-ઑક્સિડન્ટ વધુ હોય છે. એને કારણે એજિંગ પ્રોસેસ સ્લો કરે છે. તેથી પિગમેન્ટ્સ કે કરચલી આવતી નથી અને એ ત્વચાના ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત એને કારણે ત્વચાને યંગ, હાઇડ્રેટેડ અને ચમકદાર બનાવે છે. એમાં વિટામિન C અને વિટામિન E હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે ત્વચાને તંદુરસ્ત રાખવા માટે જરૂરી પ્રોટીન એટલે કે કૉલેજન લેવલને પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે અને ઇન્ફ્લમેશન એટલે કે ચહેરા પર આવતા સોજાને પણ ઘટાડવાનું કામ કરે છે.


હાડકાંને મજબૂત બનાવે

આલૂ બુખારામાં વિટામિન K અને વિટામિન D હોવાથી એ હાડકાંના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમાંથી બોરોન નામનું ખનિજ હાડકાંને મજબૂત બનાવવામાં અને એની ડેન્સિટીને જાળવી રાખવા માટે અગત્યનું ગણાય છે. એમાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ હોવાથી હાડકાં નબળાં થવાની બીમારી ઑસ્ટિયોપોરોસિસને અટકાવવામાં પણ અસરકારક સાબિત થયું છે. તેથી સીઝનમાં ફ્રેશ પ્લમ્સ અને ઑફ સીઝનમાં ડ્રાય પ્લમ્સ તો ખાવાં જ જોઈએ. આલૂ બુખારા ફળનું આયુર્વેદમાં મહત્ત્વ છે. એ વાત-પિત્ત-કફના દોષનું શમન કરે છે. એ બ્લડ-પ્યુરિફાયર તરીકે કામ કરે છે અને આંતરડાંને ડીટૉક્સ કરવામાં પણ મદદરૂપ છે.

હાર્ટને હેલ્ધી રાખે

આલૂ બુખારાનું સેવન હાર્ટ માટે પણ સારું કહેવાય છે. હાઈ બ્લડપ્રેશર કન્ટ્રોલ કરવામાં અને બૅડ કૉલેસ્ટરોલને ઘટાડવામાં મદદ કરવાની સાથે બ્લડ-સર્ક્યુલેશનને સુધારે છે. એમાં વિટામિન K હોવાથી લોહી ગંઠાતું નથી અને રક્તવાહિનીઓને સુરક્ષિત રાખે છે. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં પોટૅશિયમ પણ મળી જતું હોવાથી એ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, હાર્ટ-બીટને સામાન્ય રાખે છે, સોડિયમના પ્રમાણને સમતોલ કરે છે અને હાર્ટ-અટૅકના જોખમને ઓછું કરે છે. આલૂ બુખારાનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછો એટલે કે એમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોવાથી બ્લડશુગરને કન્ટ્રોલમાં રાખે છે. ડાયાબિટીઝના દરદીઓ માટે એક કે બે પ્લમ્સનું સેવન ફાયદાકારક બની શકે છે, પણ ડૉક્ટરની સલાહ લઈને એનું સેવન કરવું હિતાવહ છે.

કઈ રીતે ખાવાં?

આલૂ બુખારાને ફ્રૂટ તરીકે એકલા ખાવામાં આવે તો ફાયદા થાય જ છે, પણ સનફ્લાવર સીડ્સ અને પમ્પકિન સીડ્સ જેવાં સીડ્સ અને સૂકા મેવા સાથે ખાવાથી પણ લાભ થાય છે. બાળકોને એકથી બે જ પ્લમ્સ આપવાં, વરિષ્ઠ લોકો દિવસમાં બેથી ચાર નંગ ખાઈ શકે છે. યંગસ્ટર્સ અને ખાસ કરીને જિમ જતા કે વધુ શારીરિક પ્રવૃત્તિ કરતા લોકોએ દિવસમાં પાંચથી છ નંગ ખાવા જોઈએ. આલૂ બુખારાનો ઓવરડોઝ કોઈ સાઇડ-ઇફેક્ટ્સ નથી આપતો પણ ઘણા લોકોને ગૅસ, ઝાડા અને દુખાવો થઈ શકે છે. રસોડામાં આલૂ બુખારાનો ઉપયોગ ચટણી, મીઠાઈ અને કેક બનાવવામાં થાય છે. ઉત્તર ભારતમાં એનું શાક બને છે અને એ સૅલડમાં પણ વપરાય છે. કાશ્મીરી વ્યંજનમાં આલૂ બુખારાને મેઇન ઇન્ગ્રીડિઅન્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે.

ડ્રાય પ્લમ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

ડ્રાય પ્લમ ખરીદતી વખતે એમાં ઍડેડ શુગર ન લખેલું હોય એવાં જ પ્લમ લેવાં, નહીં તો એ શુગર લેવલને સ્પાઇક કરી શકે છે અને ફાયદો આપતાં નથી.

જેમનું પાચન પહેલેથી જ નબળું રહેતું હોય એવા લોકોએ આ ફળ ખાવાનું ટાળવું જોઈએ.

માર્કેટમાંથી ફ્રેશ પ્લમ્સ લાવો તો એને થોડી વાર પાણીમાં પલાળીને ખાવાથી પાચન વધુ સરળ બને છે.

એને ખરીદતી વખતે કુદરતી મીઠી સુગંધ આવતી હોય તો જ લેવાં નહીં તો અંદરથી બગડેલાં નીકળશે.

રાતના સમયે આ ફળ ખાવાથી પાચનતંત્ર પર ભાર પડી શકે છે તેથી સવારથી સાંજના સમયગાળા દરમિયાન ખાવું યોગ્ય રહેશે.

ડ્રાય આલૂ બુખારાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી એ પાણી સવારે પીશો તો તમારી ગટ-હેલ્થ સુધરશે.

આલૂ બુખારાનાં રોચક તથ્યો

આલૂ બુખારાનું મૂળ મધ્ય એશિયા અને યુરોપીય પ્રદેશો હોવાનું માનવામાં આવે છે. યુરોપમાં આલૂ બુખારાને રાજવી ભોજનમાં સ્થાન અપાતું હતું. પ્રાચીન પર્શિયા એટલે આજના ઈરાન અને ટર્કીની સંસ્કૃતિમાં પણ આ ફળનું મહત્ત્વ વધુ હતું અને પછી આ ફળનો ઉપયોગ ચીનથી થઈને ભારત સુધી વિસ્તર્યો.

આલૂ બુખારા શબ્દ પર્શિયન ભાષામાંથી આવ્યો છે. આલૂનો અર્થ ફળ થાય છે અને ઉઝબેકિસ્તાનમાં બુખારા જાણીતી જગ્યા છે. એમ કહેવાય છે કે આ ફળ બુખારા શહેરથી ભારત આવ્યું હોવાથી ભારતમાં એ આલૂ બુખારાના નામે જાણીતું બન્યું. સુકાવેલાં આલૂ બુખારાને પ્રૂન્સ કહેવાય છે, જે પશ્ચિમી દેશોમાં બહુ લોકપ્રિય છે.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 12:30 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK