Pune Crime: પુણે જિલ્લામાં મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હાઇવે પર કારમાં મુસાફરી કરતી ૧૭ વર્ષની છોકરી પર જાતીય હુમલો કરાયો, કારમાં સવાર અન્ય ત્રણને લૂંટ્યા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં એક ચોંકાવનારી ઘટના બની છે. કારમાં પંઢરપુર (Pandharpur) જઈ રહેલી ૧૭ વર્ષની છોકરીનું જાતીય શોષણ (Pune Crime) કરવામાં આવ્યું છે. સાથે જ કારમાં સવાર અન્ય ત્રણ મહિલાઓના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પુણે જિલ્લામાં મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હાઇવે પર કારમાં મુસાફરી કરતી ૧૭ વર્ષની છોકરી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણ અન્ય મહિલા સવારોના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા, એમ પોલીસ (Maharashtra Police)એ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ૪.૧૫ વાગ્યાની આસપાસ દૌંડ (Daund) વિસ્તારમાં હાઇવે પર ભીગવાન (Bhigwan) નજીક આ ઘટના (17-year-old girl sexually assaulted in Pune) બની હતી. કારનો ડ્રાઇવર બાથરુમ કરવા નીચે ઉતર્યો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાં ૭૦ વર્ષનો ડ્રાઈવર, ત્રણ મહિલાઓ, ૧૭ વર્ષના બે છોકરાઓ અને પીડિતા ટીનેજર, જેની ઉંમર ૧૭ વર્ષ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ પુણે જિલ્લાના જુન્નાર (Junnar) તહસીલના એક ગામના બે અલગ અલગ પરિવારોના સભ્યો હતા અને પડોશી સોલાપુર (Solapur) જિલ્લાના પંઢરપુર મંદિર (Pandharpur temple) જઈ રહ્યા હતા. ડ્રાઈવરને ઊંઘ આવતી હોવાથી તેણે ચાની દુકાન પાસે કાર ઉભી રાખી. જ્યારે ડ્રાઈવર બાથરુમ જવા માટે બહાર નીકળ્યો, ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા માણસો કાર પાસે આવ્યા અને તીક્ષ્ણ હથિયારોથી કારમાં સવાર લોકોને ધમકાવીને તેમના સોનાના દાગીના લૂંટી લીધા. ત્યારબાદ એક આરોપીએ સગીર છોકરીને કારમાંથી બહાર કાઢીને તેના પર જાતીય હુમલો કર્યો. ત્યારબાદ બંને આરોપીઓ મોટરસાઇકલ પર ત્યાંથી ભાગી ગયા હતા, જેના પછી કારમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, જ્યાં કારના મુસાફરો ચા પીવા માટે રોકાયા હતા તે ચા સ્ટોલના ૭૩ વર્ષીય માલિકે આ આખી ઘટના જોઈ હતી, પરંતુ તેમની ઉંમરને કારણે તેમને ઘટનાની બધી સંબંધિત વિગતો યાદ નહોતી.
પુણે (ગ્રામીણ)ના પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (Protection of Children from Sexual Offences - POCSO) કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને શોધવા અને પકડવા માટે આઠ ટીમો બનાવવામાં આવી છે.
પોલીસે તપાસ શરૂ કરી છે અને અજાણ્યા હુમલાખોરોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

