Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધી, મધ્યમ વર્ગની સંપત્તિ ઘટી

વિશ્વમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધી, મધ્યમ વર્ગની સંપત્તિ ઘટી

Published : 02 July, 2026 06:39 AM | IST | Mumbai
Anil Patel

૨૦૨૫માં વૈશ્વિક સંપત્તિ ૧૦.૮ ટકાના રેકૉર્ડ દરે વધી, ૧ મિલ્યન નવા મિલ્યનેર બન્યા; અસમાનતાના મામલે ભારત અને સ્વીડન સાતમા સ્થાને

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એક ગ્લોબલ વેલ્થ રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં આર્થિક અસમાનતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે સરેરાશ સંપત્તિમાં વધારો થયો હોવા છતાં ૨૦૨૦ પછી અમીરો અને ગરીબો વચ્ચેનો તફાવત વધુ ઊંડો થયો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં સામાન્ય અને મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ દર્શાવતી મધ્યક સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે જે સામાન્ય વસ્તી અને અતિશય અમીરો વચ્ચેના મોટા આર્થિક ભેદભાવને ઉજાગર કરે છે.

મજબૂત નાણાકીય બજારોને કારણે ૨૦૨૫માં વૈશ્વિક વ્યક્તિગત સંપત્તિ ૧૦.૮ ટકાના આશ્ચર્યજનક દરે વધી છે જે ૨૦૨૪માં ૪.૬ ટકા જ હતી. આ તેજીને કારણે વિશ્વમાં અંદાજે ૧૦ લાખ (૧ મિલ્યન) નવા મિલ્યનેર ઉમેરાયા છે જેમાંથી અડધા એટલે કે ૪,૪૦,૦૦૦થી વધુ લોકો એકલા અમેરિકામાં ધનાઢ્ય બન્યા છે. હાલમાં વિશ્વની અડધાથી વધુ સંપત્તિ માત્ર અમેરિકા (૩૫.૭ ટકા) અને ગ્રેટર ચાઇના (૧૮.૫ ટકા) પાસે જ કેન્દ્રિત છે. બીજી તરફ દેશોમાં સંપત્તિના સમાન વિતરણને માપતા પરિબળ મુજબ UAE (૦.૮૨) અને રશિયા (૦.૮૨) વિશ્વના સૌથી અસમાન દેશો છે. આ વૈશ્વિક સૂચકાંકમાં ૦.૭૪ના સ્કોર સાથે ભારત અને સ્વીડન સંયુક્ત રીતે સાતમા ક્રમે છે જે દર્શાવે છે કે ભારતમાં પણ સંપત્તિનું વિતરણ ચિંતાજનક રીતે અસમાન છે. 



ઈરાન-અમેરિકન વૉરની સ્થિતિ માંડ-માંડ થાળે પડી રહી છે ત્યાં એલ-નીન્યો અને નબળા મૉન્સૂનની મોંકાણ શરૂ થઈ ગઈ છે. કૉર્પોરેટ પરિણામની મૌસમ શરૂ થવામાં છે. બહુ સારાવાટની આશા નથી. TCSનાં રિઝલ્ટ ૯મીએ છે, પણ શૅર ગગડતો રહી છ વર્ષ પ્લસના નવા તળિયે પહોંચી ગયો છે. ઇન્ફોસિસનો ત્રણ આંકડા સાથે પોણાછ વર્ષની નીચી સપાટીએ ગયો છે. માર્કેટકૅપ ચાર લાખ કરોડ રૂપિયાની અંદર આવી ગયું છે. ચાલુ વર્ષનો ઉત્તરાર્ધ સારો હશે એવા વિશ્લેષકોના વરતારાની હાલ ITમાં કોઈ પૉઝિટિવ અસર દેખાઈ નથી. 
એશિયા ખાતે નવા મહિનાનો આરંભ મિશ્ર વલણથી થયો છે. તાઇવાન નવા શિખર સાથે બે ટકા વધ્યું છે. જપાન અને ઇન્ડોનેશિયા એક ટકા નજીક તો ચાઇના અડધો ટકો પ્લસ હતું. સામે સાઉથ કોરિયા બે ટકા અને હૉન્ગકૉન્ગ અડધા ટકાથી વધુ નરમ હતું. યુરોપ ખાતે રનિંગમાં જર્મન ડેક્સ ફ્લૅટ તો અન્ય બજાર અડધાથી એકાદ ટકો ડાઉન હતાં. પાકિસ્તાની શૅરબજાર મજબૂત વલણ જાળવી રાખતાં ૩૯૨૨ પૉઇન્ટ કે સવાબે ટકા વધી ૧,૮૪,૨૨૩ બંધ થયું છે. બ્રેન્ટ ક્રૂડ અડધો ટકો ઘટી ૭૨.૫૦ ડૉલર નજીક હતું. બિટકૉઇન ઢીલા વલણમાં ૫૮,૩૬૫ ડૉલર ચાલતો હતો. ડૉલર સામે રૂપિયો ૯૪.૬૭ના આગલા બંધ સામે ગગડી ૯૫.૨૯ થઈ ૯૫.૨૪ રહ્યો છે. ક્રૂડની ખાસ્સી નરમાઈ પણ ડૉલર સામે રૂપિયાને ટકાવી શકી નથી એ સૂચક છે. 
સેન્સેક્સ આગલા બંધથી ૪૪૪ પૉઇન્ટ સુધી ૭૬,૯૨૩ તથા નિફ્ટી ૧૪૦ પૉઇન્ટ વધી ૨૪,૦૦૬ ગઈ કાલે બંધ થયો છે. માર્કેટકૅપ ૨.૩૮ લાખ કરોડ વધીને ૪૭૬.૪૮ લાખ કરોડ વટાવી ગયું છે. એટર્નલ પોણાછ ટકા જેવી તેજીમાં ૨૮૦ નજીક બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બની છે. તેની હરીફ સ્વિગી પણ સવાત્રણ ટકા સુધરી ૨૪૭ થઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩૧૫૦ની પોણાબે વર્ષની ટોચે જઈ સાડાત્રણ ટકા ઊંચકાઈ ૩૧૪૩ તથા અદાણી પોર્ટ્‍સ ૧૮૮૧ની સર્વોચ્ચ સપાટી નોંધાવી બે ટકા વધી ૧૮૪૮ બંધ હતી. રિલાયન્સ એક ટકો સુધરી ૧૩૦૮ હતી. જૂન માસના વેચાણના આંકડાના પગલે ઑટો શૅરોમાં પસંદગીયુક્ત આકર્ષણ હતું. ગત મહિને મારુતિ સુઝુકીનું વેચાણ ૧૯ ટકા, અશોક લેલૅન્ડનું વેચાણ ૨૫ ટકા, મહિન્દ્રનું વેચાણ ૩૭ ટકા, એસ્કોર્ટ્‍સનું સેલ્સ ૧૯ ટકા, અતુલ ઑટોનું વેચાણ ૩૪ ટકા, તાતા મોટર્સનું વેચાણ ૩૫ ટકા, તાતા મોટર્સ પૅસેન્જરનું વેચાણ ૬૯ ટકા વધ્યું છે. મારુતિ સુઝુકી ગઈ કાલે બે ટકા, મહિન્દ્ર બે ટકા નજીક, અશોક લેલૅન્ડ ત્રણ ટકા, તાતા મોટર્સ ૧.૯ ટકા, અતુલ ઑટો સવાબે ટકા, એસ્કોર્ટ્‍સ અડધો ટકો વધીને બંધ હતા. હીરો મોટોકૉર્પનું વેચાણ ૩ ટકા ઘટ્યું છે. શૅર પોણો ટકો વધી ૪૮૩૫ બંધ હતો. બજાજ ઑટોમાં બાયબૅકની હૂંફ રહેતાં ભાવ સવા ટકો વધી ૯૮૪૨ થયો છે. સેઇલ, જિંદલ સ્ટીલ, હિન્દાલ્કો, હિન્દુસ્તાન ઝિન્ક, તાતા સ્ટીલ, જિંદલ સ્ટેનલેસ, નાલ્કો જેવા મેટલ શૅર દોઢથી ત્રણ ટકા ડૂલ થયા હતા. સ્ટેટ બૅન્ક બે ટકા તો એશિયન પેઇન્ટ્સ ત્રણ ટકા મજબૂત બન્યો છે.


લોઅર પરેલની વૉટરવેઝમાં શૅરદીઠ ૧૪૧ રૂપિયા લિસ્ટિંગ લૉસ મળી

ગઈ કાલે કુલ પાંચ ભરણાં લિસ્ટેડ થયાં છે. મેઇન બોર્ડમાં મુંબઈના લોઅર પરેલની વૉટરવેઝ લીઝર ટૂરિઝમ ૧૦ના શૅરદીઠ ૮૦૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૦થી શરૂ થઈને ઉપરમાં ૨૪ રૂપિયા પ્રીમિયમ બોલાયા બાદ છેલ્લે ચાલતા ૪૭ના ડિસ્કાઉન્ટ સામે ગઈ કાલે ૬૯૦ ખૂલી ૬૬૭ બંધ રહેતાં એમાં ૧૭.૪ ટકા કે શૅરદીઠ ૧૪૧ રૂપિયા લિસ્ટિંગ લૉસ મળી છે. ૫૮૫ કરોડના આ ભરણાને કુલ દોઢ ગણો તથા QIBમાં માત્ર ૭૨ ટકા રિસ્પૉન્સ મળ્યો હતો. રીટેલ પોર્શન લગભગ સાડાચાર ગણો છલકાયો હતો. જયપુરની અદ્વવેત જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૩૮ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૫૬થી શરૂ થઈ ઉપરમાં ૯૧ થયા બાદ છેલ્લે બોલાતા ૫૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૮૭ ખૂલી ૧૭૮ બંધ થતાં એમાં ૨૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ૧૬૫ કરોડ પ્લસનો આ ઇશ્યુ કુલ આશરે ૨૧૩ ગણો છલકાયો હતો. QIB પોર્શન ૧૯૫ ગણો તો HNI પોર્શન ૫૩૬ ગણો ભરાયો હતો. 


SME સેગમેન્ટમાં ગુજરાતના રાજકોટની GVL ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૧૯૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૧૫૭ ખૂલી ૧૫૯ બંધ રહેતાં એમાં ૧૯ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. કુલ ૩૨ કરોડનું આ ભરણું રીટેલમાં માત્ર ૨૨ ટકા પ્રતિસાદ સાથે કુલ ૯૩ ટકા જ ભરાયું હતું. મુંબઈના વિલે પાર્લે-ઈસ્ટ ખાતેની શ્રીધર સ્પિનર્સ ૧૦ના શૅરદીઠ ૫૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૫૪ ખૂલી ૫૭ બંધ થતાં ૭.૭ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૩૧ કરોડનો આ ઇશ્યુ એકંદર પોણાસાત ગણા જેવો ભરાયો હતો. અમદાવાદી રિયાસત લાઇફ સ્ટાઇલ ૧૦ના શૅરદીઠ ૧૦૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSEમાં ૮૫ ખૂલી ૮૦.૬૦ બંધ થતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૩૦ કરોડનો આ ઇશ્યુ HNIમાં ફક્ત ૯ ટકા અને રીટેલમાં ૪૪ ટકા સહિત QIBની મહેરબાનીથી કુલ ૧.૩ ગણો ભરાયો હતો. ઓડીસાની CSM ટેક્નૉલૉજીસ આજે મેઇન બોર્ડમાં લિસ્ટેડ થવાની છે. પ્રીમિયમ ઝીરો છે.

વધુ ખરાબી સાથે IT ઇન્ડેક્સ સવાપાંચ વર્ષના તળિયે 

હૈદરાબાદી મિડવેસ્ટ ગોલ્ડ તરફથી ૧૦ના શૅરનું એક રૂપિયામાં વિભાજન નક્કી થયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૪૪૪ થઈ પાંચ ટકા ગગડીને ૪૪૪૪ બંધ રહ્યો છે. ભાવ વર્ષ પૂર્વે ૯૦૩ હતો. ૨૦૨૬ની ૨ ફેબ્રુઆરીએ ૫૯૦૦ના બેસ્ટ લેવલે ગયો હતો. ૧૨૯૦ લાખની ઇક્વિટી ઉપર ૩૮૮ કરોડ રિઝર્વ ધરાવતી આ કંપનીએ ગત વર્ષે ૨૪૪૬ લાખની આવક ઉપર તાજેતરમાં ભૂતકાળમાં પ્રથમ વાર ૨૮૦ લાખ નેટ નફો મેળવી શૅરદીઠ માંડ અઢી રૂપિયાની EPS બતાવી છે. કંપની માર્બલ, ગ્રેનાઇટ તથા સિરૅમિકસનું કામકાજ કરે છે. પ્રમોટર્સ પાસે ૫૮.૮ ટકા માલ છે. 
એક વર્ષમાં ૩૦ ટકા નેગેટિવ રિટર્ન સાથે આગલા દિવસે ૨૫,૬૩૧ની સવાપાંચ વર્ષની બૉટમ બનાવી અઢી ટકા તૂટી ૨૫,૭૧૮ બંધ રહેલો IT ઇન્ડેક્સ ગઈ કાલે ૨૫,૧૬૫ની નવી બૉટમ બનાવી બે ટકા ઘટીને ૨૫,૨૧૯ બંધ આવ્યો છે. પૉઝિટિવ માર્કેટમાં પણ ટેક મહિન્દ્ર ૩.૨ ટકા બગડી ૧૩૬૦ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટાડામાં મોખરે હતી. HCL ટેક્નૉલૉજી ૧૦૩૦ની ૧૭ એપ્રિલ ૨૦૨૩ પછીની બૉટમ બનાવી ૩.૫ ટકા ગગડી ૧૦૩૫ થઈ છે. TCS ૧૯૭૬ની ૭૩ માસની નીચી સપાટી નોંધાવી અઢી ટકા ખરડાઈ ૧૯૮૨ રહી છે. ઇન્ફોસિસ ૯૮૪ના પોણાછ વર્ષના તળિયે જઈ દોઢ ટકો ઘટી ૯૮૫ હતી. વિપ્રો ૧૬૯ની ૨ સપ્ટેમ્બર ૨૦૨૦ પછીની વર્સ્ટ બૉટમ બનાવીને નજીવા ઘટાડે ૧૭૦ હતી. આગલા દિવસે ૬૨ માસના તળિયે ગયેલી લાર્સન માઇન્ડ ટ્રી ગઈ કાલે નહીંવત સુધારે ૩૫૪૭ થઈ છે. 

સાઇડ શૅરમાં ફોક્સવૅગન તથા BMW જેવી ઑટો જાયન્ટ તરફથી સ્પેન્ડિંગ કટ શરૂ થયાના અહેવાલે KPIT ટેક્નૉલૉજી ૫૫૫ની પોણાચાર વર્ષની નીચી સપાટી નોંધાવી ૧૭ ટકાના કડાકામાં ૫૫૭ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે. તાતા એલેક્સી ૩૫૫૮ રહી છે. કોફોર્જ ૬.૫ ટકા ગગડી ૧૩૭૨ હતી. બિરલા સૉફ્ટ પણ ૨૭૫ની ૩૮ માસની નીચી સપાટી દેખાડી ૩.૭ ટકા બગડી ૨૭૬ થઈ છે. સામે BLS ઈ-સર્વિસીસ ૨૫૯ની વર્ષની ટૉપ બનાવી ૯.૭ ટકા ઊછળી ૨૫૫ થઈ છે. હેક્સાવેર ૭ ટકા, ઇન્વેન્ચર્સ નૉલેજ ૭.૬ ટકા, સાસ્કેન પાંચ ટકા મજબૂત બની છે. 
હિન્દુસ્તાન યુનિલીવર ત્રણ ટકા, નેસ્લે ત્રણ ટકા, ગોદરેજ કન્ઝ્યુમર સવાત્રણ ટકા, ડાબર ઇન્ડિયા ૫.૫ ટકા, કોલગેટ પામોલીવ સાડાત્રણ ટકા, આઇટીસી ૧.૨ ટકા વધીને બંધ આવતાં FMCG બેન્ચમાર્ક ૧.૮ ટકા ઝળક્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૪૯,૭૮૩ નજીક નવી ઑલટાઇમ હાઈ બનાવી પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં ૧૮૬ પૉઇન્ટની પીછેહઠમાં ૪૯,૧૧૯ બંધ થયો છે. ડૉ. રેડ્ડીઝ લૅબ, ગ્લેનમાર્ક, અપોલો હૉસ્પિટલ્સ, લુપિન, લૌરસ લૅબ, ડિવીઝ લૅબ, સિપ્લા, મેનકાઇન્ડ, અરબિંદો ફાર્મા જેવી ચલણી જાતો નરમ હતી. મોરપેન લૅબ સવાછ ટકા ઝળકી ૬૩ નજીક ગઈ છે.

અમદાવાદી નૅક પૅકેજિંગનો ઇશ્યુ પ્રથમ દિવસે જ પાર થયો

ગઈ કાલે મેઇન બોર્ડમાં અમદાવાદી નેક (KNACK) પૅકેજિંગ ૧૦ના શૅરદીઠ ૧૭૦ના ભાવથી ૬૦ કરોડથી OFS સહિત કુલ ૪૩૯ કરોડનો ઇશ્યુ લાવી છે. એ પ્રથમ દિવસે રીટેલમાં સવા ગણા સહિત કુલ અઢી ગણો ભરાયો છે. ૧૨થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૨૮ બોલાય છે. તો ગુજરાતના હળવદની આસ્થા સ્પિનટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૬ના ભાવનો ૧૭૦ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ રીટેલમાં અઢી ગણા સહિત કુલ પાંચ ગણા પ્રતિસાદમાં ગઈ કાલે પૂરો થયો છે. ૪થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ઘટી એક થયું છે. 
SME સેગમેન્ટમાં ગઈ કાલે વાશી-નવી મુંબઈની ઍડઑન ઍગ્રો કૉમોડિટીઝ ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો કુલ ૪૪ કરોડનો BSE SME IPO આખરી દિવસે રીટેલમાં ૮૫ ટકા સહિત કુલ દોઢેક ગણો ભરાયો છે. તો પંજાબની ટ્‍વિન્કલ પેપર્સનો ૧૦ના શૅરદીઠ ૬૯ની અપરબૅન્ડ સાથે કુલ ૨૮ કરોડનો BSE SME IPO એના છેલ્લા દિવસના અંતે રીટેલમાં ૨૬ તથા HNIમાં બે ટકા સહિત કુલ ૨૪ ટકા જ ભરાયો છે. પ્રીમિયમ ઉપરમાં ૯ થયા બાદ ઝીરો થયું હતું. ઇશ્યુ પાછો ખેંચી લેવાયો છે. 

આજે ગુરુવારે છ SME ભરણાં પૂરાં થવાનાં છે જેમાંથી અત્યાર સુધીમાં સુરતની વિનિત મોબાઇલનો ૧૦ના શૅરદીઠ ૧૫૮ની અપરબૅન્ડ સાથે કુલ ૩૪ કરોડનો NSE SME IPO કુલ ૪૫ ટકા, નોએડાની ક્રેટિકલ ટેકનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપરબૅન્ડ સાથે કુલ ૪૦ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૧૪.૪ ગણો, ગુજરાતના ભરૂચની તેની એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૨૦ના ભાવનો ૩૭ કરોડનો NSE SME IPO કુલ ૩૩ ટકા, પુણે ખાતેની અથર્વા પૉલિપ્લાસ્ટનો ૧૦ના શૅરદીઠ ૬૦ની અપરબૅન્ડ સાથે ૨૭ કરોડનો BSE SME ઇશ્યુ કુલ સવાબે ગણો, નવી દિલ્હીની સંપર્ક ઇન્ડિયા લૉજિસ્ટિક્સનો ૧૦ના શૅરદીઠ ૮૪ની અપરબૅન્ડ સાથે ૨૭ કરોડનો BSE SME IPO કુલ અઢી ગણો તેમ જ ગુજરાતના બરોડાની સિમેક્સ રિસૉર્સિસનો ૧૦ના શૅરદીઠ ૧૪૧ની અપરબૅન્ડ સાથે ૨૦ કરોડનો BSE SME ઇશ્યુ કુલ ૩.૩ ગણો ભરાઈ ચૂક્યો છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે અથર્વામાં ૬ રૂપિયા, વિનિત મોબાઇલમાં ૩૦ રૂપિયા, કૅપિટલમાં ૪૧ રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 06:39 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK