Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આનંદો! મુંબઈ પર મેઘરાજા મહેરબાન થતાં રાહત, તળાવોમાં પાણીનું સ્તર વધ્યું

આનંદો! મુંબઈ પર મેઘરાજા મહેરબાન થતાં રાહત, તળાવોમાં પાણીનું સ્તર વધ્યું

Published : 02 July, 2026 12:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Lake Levels: મુંબઈમાં ભારે વરસાદથી સાતેય જળાશયોના જળસ્તરમાં વધારો શરૂ, કુલ સ્ટોક ૮.૧૨ ટકાએ પહોંચ્યો; જો આમને આમ વરસાદ વરસશે તો આગામી દિવસોમાં મુંબઈમાં પાણીની કટોકટી નહીં રહે તેવી સંભાવના બીએમસીએ વ્યક્ત કરી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ (Mumbai) અને તેની આસપાસના કેચમેન્ટ વિસ્તારો (જળગ્રાહ્ય વિસ્તારો)માં રાતભર પડેલા ભારે વરસાદને (Mumbai Rains) કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય મુખ્ય તળાવો અને ડેમના જળસ્તરમાં ધીમે-ધીમે વધારો (Mumbai Lake Levels) થવા લાગ્યો છે. હવે કુલ સ્ટોક ૮.૧૨ ટકાએ પહોંચ્યો છે.

પાલિકાએ જાહેર કર્યા આંકડા



બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) દ્વારા ગુરૂવાર, ૨ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યા સુધીના જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ સાતેય તળાવોમાં હાલમાં તેમની કુલ ક્ષમતાના ૮.૧૨ ટકા ઉપયોગી લાઈવ વોટર સ્ટોક ઉપલબ્ધ છે.


હાલમાં તમામ જળાશયોમાં થઈને કુલ ૧,૧૭,૫૩૨ મિલિયન લીટર (ML) પાણીનો સંગ્રહ થયો છે, જ્યારે આ તળાવોની કુલ સંગ્રહ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટર છે. જો ગયા વર્ષના આંકડા સાથે સરખામણી કરીએ તો, ગયા વર્ષે સમાન ગાળામાં તળાવોમાં ૪૩.૪૬ ટકા સ્ટોક હતો, જ્યારે વર્ષ ૨૦૨૪ માં આ સ્તર ઘણું નીચું એટલે કે ૭.૧૫ ટકા હતું.

જોકે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ચોમાસાની શરૂઆત ધીમી રહેવાના કારણે હાલમાં જળસ્તર સામાન્ય કરતાં ઓછું છે, પરંતુ વર્તમાન વરસાદથી તેમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.


મુંબઈને પાણી પૂરું પાડતા મુખ્ય સાત તળાવોની સ્થિતિ

મુંબઈ શહેરની તરસ છિપાવતા સાત મુખ્ય જળાશયોમાં ભાતસા (Bhatsa), અપર વૈતરણા (Upper Vaitarna), મિડલ વૈતરણા (Middle Vaitarna), તાનસા (Tansa), મોડક સાગર (Modak Sagar), વિહાર (Vihar) અને તુલસી (Tulsi)નો સમાવેશ થાય છે.

આ જળાશયોની વર્તમાન સ્થિતિ નીચે મુજબ છે:

અપર વૈતરણા: આ ડેમનું જળસ્તર હાલમાં ૫૯૪.૭૬ મીટર પર છે, જે તેના લઘુત્તમ ડ્રોડાઉન લેવલ (LDL) ૫૯૫.૪૪ મીટર કરતાં નીચું હોવાથી હાલમાં આ ડેમનો ઉપયોગી સ્ટોક શૂન્ય નોંધાયો છે.

ભાતસા ડેમ: મુંબઈને સૌથી વધુ પાણી આપતા આ ડેમની સ્થિતિમાં સુધારો થયો છે. તે હાલ ૧૦૮.૧૦ મીટર એટલે કે ૫.૭૨ ટકા ક્ષમતા પર છે.

મિડલ વૈતરણા: આ જળાશય હાલ ૨૪૨.૦૯ મીટરની સપાટી સાથે ૧૨.૩૮ ટકા ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, આ ડેમમાંથી ૩૦ નવેમ્બર, ૨૦૨૫ થી પાણી છોડવાનું ચાલુ હતું અને જાન્યુઆરી ૨૦૨૬ માં તેના વિશેષ ગેટ પણ ખોલવામાં આવ્યા હતા.

તાનસા તળાવ: તાનસા તળાવ હાલ ૧૧૯.૩૯ મીટર પર છે, જેમાં ૨.૨૧ ટકા પાણીનો જથ્થો છે.

જો અપર વૈતરણા, મિડલ વૈતરણા અને તાનસાનો સંયુક્ત સ્ટોક જોવામાં આવે તો તે હાલમાં ૭.૫૪ ટકા જેટલો થાય છે.

આગામી દિવસોમાં પાણીની કટોકટી હળવી થવાની આશા

છેલ્લા ૨૪ કલાકોમાં મોટાભાગના તળાવોના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગે આગામી સમયમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી છે. જૂન મહિનામાં મુંબઈ પર પાણીની કટોકટીનું સંકટ તોળાઈ રહ્યું હતું, પરંતુ હવે સતત વરસી રહેલા આ મુશળધાર વરસાદને કારણે આગામી દિવસોમાં જળસ્તરમાં મોટો ઉછાળો આવશે અને સ્થિતિમાં ઝડપથી સુધારો થશે.

આજે મુંબઈમાં રેડ એલર્ટ

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રાતભર પડેલા ભારે વરસાદને કારણે ગુરૂવારે સવારે સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. વરસાદની ગંભીર સ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ અને તેની આસપાસના પાડોશી જિલ્લાઓ જેવા કે થાણે, પાલઘર અને રાયગઢ માટે `રેડ એલર્ટ` જારી કર્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, આ આકાશી આફતના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જેવા કે અંધેરી, કિંગ્સ સર્કલ, ગાંધી માર્કેટ, SIES કોલેજ અને સાયનમાં ભારે જળબંબાકાર જોવા મળ્યો હતો, જેના લીધે સવારના વ્યસ્ત સમયે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી ગઈ હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના આંકડા અનુસાર, મુંબઈ શહેરમાં સરેરાશ ૧૩૪ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વીય ઉપનગરોમાં ૧૬४ મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં ૧૪૯ મીમી વરસાદ ખાબક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2026 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK