છેલ્લાં બે-ત્રણ વર્ષથી આપણે સોનું અને ચાંદી બન્નેના ભાવમાં નોંધપાત્ર અને સતત વધારો થતો જોયો છે. આ વખતે તો હજી સુધી પ્રસારમાધ્યમોમાં સોના-ચાંદીની જ વાતો થઈ રહી છે. વધુ ને વધુ લોકો હવે આ કીમતી ધાતુઓમાં રોકાણ કરવા વિશે વિચારવા લાગ્યા છે.
					
					
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ચળકે એ બધું સોનું નહીં એવી ઉક્તિ પ્રચલિત છે. એ વાત સાચી, પરંતુ સાચું સોનું હોય તો ચળકે જ એ વાત પણ એટલી જ સાચી છે. આ વખતે દિવાળીમાં સોનું ખૂબ જ વધારે ચળકતું હતું એટલે કે એના ભાવ ઘણા જ વધી ગયા હતા. છેલ્લા થોડા દિવસોમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ભાવ હજી વધારે જ કહેવાય. 
છેલ્લાં બે-ત્રણ વર્ષથી આપણે સોનું અને ચાંદી બન્નેના ભાવમાં નોંધપાત્ર અને સતત વધારો થતો જોયો છે. આ વખતે તો હજી સુધી પ્રસારમાધ્યમોમાં સોના-ચાંદીની જ વાતો થઈ રહી છે. વધુ ને વધુ લોકો હવે આ કીમતી ધાતુઓમાં રોકાણ કરવા વિશે વિચારવા લાગ્યા છે. 
અહીં નોંધવું ઘટે કે સોનું તો પહેલેથી જ ભારતીયો માટે રોકાણનું મુખ્ય સાધન રહ્યું છે. અન્ય ઍસેટ્સના ભાવમાં ઉતાર-ચડાવ વધુ આવતી હોવાથી લોકો સોનામાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. અત્યાર સુધી રોકાણનાં અન્ય સાધનો બાબતે ભલે ફરક પડ્યો હોય, પરંતુ સોનામાં રોકાણ કરવાનું મહત્ત્વ હજી સુધી જળવાઈ રહ્યું છે. સોનાને એક પ્રકારે ચલણ પણ કહેવામાં આવે છે, કારણ કે એ વેચીને તત્કાળ અને સહેલાઈથી નાણાં મળી જતાં હોય છે. 
સોના-ચાંદીમાં રોકાણ કરતી વખતે આ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છેઃ
સામાન્ય રીતે ઍસેટ્સને નાણાકીય અને નક્કર એમ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. ઘર, ઘરેણાં, ચાંદીનાં વાસણો અને ઘરેણાં, મોંઘાં ચિત્રો વગેરેનો એમાં સમાવેશ થાય છે. આ ઍસેટ્સ વપરાશ અને રોકાણ બન્ને માટે વપરાય છે. આથી પહેલાં એ નક્કી કરી લેવું કે તમારો ઉદ્દેશ શું છે. 
જો વપરાશ માટે હોય તો ઘરેણાં સ્વરૂપે ફિઝિકલ સોનું લેવું જરૂરી છે. ફિઝિકલમાં પણ જો લગડી હોય તો એ વપરાશ નહીં પરંતુ રોકાણ માટે હોય છે. સોના-ચાંદીમાં ફક્ત રોકાણ કરવાનો હેતુ હોય તો એના માટે મ્યુચ્યુઅલ ફન્ડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ જેવા વિકલ્પો છે. 
સામાન્ય સંજોગોમાં ડાઇવર્સિફિકેશનની દૃષ્ટિએ સોના-ચાંદીમાં કુલ પોર્ટફોલિયોના આશરે ૧૦થી ૧૫ ટકા જેટલું રોકાણ કરવાનું સલાહભર્યું છે. હાલમાં એના ભાવમાં આવેલા ઉછાળાને જોઈને ઘણા લોકોને એમાં ઝડપથી નફો રળી લેવાનું પ્રલોભન થઈ ગયું છે. જોકે આવા ઉદ્દેશથી રોકાણ કરવાનું જોખમી સાબિત થઈ શકે છે. આ રોકાણ એકસામટું કરવાને બદલે સિસ્ટમૅટિક પદ્ધતિથી કરવામાં આવવું જોઈએ. 
રોકાણ પોતાનાં નાણાકીય લક્ષ્યોના આધારે કરવાનું હોય છે, બીજાઓની દેખાદેખી નહીં. નક્કર ઍસેટ્સ સાથે લાગણીઓ પણ જોડાયેલી હોય છે. આથી એમાં એકસામટો મોટો ઘટાડો આવે તો વધુ દુઃખ થવાની શક્યતા હોય છે. 
હાલમાં સોના-ચાંદીમાં આવેલા ઉછાળા પાછળ ભૂ-રાજકીય ઘટનાઓ, યુદ્ધ, કેન્દ્રીય બૅન્કો દ્વારા થઈ રહેલી સોનાની ખરીદી વગેરે અનેક પરિબળો છે. એ બધાં સતત બદલાતાં રહેશે. એમાં ક્યારે મોટો ફેરફાર આવે અને ભાવ તૂટી જાય એ કહી શકાય નહીં. આથી ફક્ત પોતાની જરૂરિયાત પ્રમાણે રોકાણ કરવું, બાહ્ય પરિબળોના આધારે નહીં.
		        	
		         
        

