અમેરિકાના પ્રેસિડન્ટે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરનો કર્યો પર્દાફાશ : અન્ય દેશો પરીક્ષણો કરી રહ્યા હોય તો અમેરિકાએ પણ એમ કરવું જોઈએ એવી ઇચ્છા વ્યક્ત કરી
					
					
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રવિવારે એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં દાવો કર્યો હતો કે ભારતનું પાડોશી પાકિસ્તાન સક્રિય રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યું છે. આ મુલાકાતમાં ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે રશિયા, ચીન, નૉર્થ કોરિયા અને પાકિસ્તાન બધાં પરીક્ષણો કરી રહ્યાં છે પણ અમેરિકા આમ કરી રહ્યું નથી; હવે અમેરિકાએ પણ પરીક્ષણો કરવાં જોઈએ.
આ મુદ્દે વધુમાં બોલતાં ટ્રમ્પે આ દેશો વિશે કહ્યું હતું કે ‘તેઓ ભૂગર્ભમાં પરીક્ષણો કરે છે જ્યાં કોઈ તેમને જોઈ શકતું નથી, ફક્ત થોડું કંપન અનુભવાય છે. જોકે અમેરિકા એક ખુલ્લો સમાજ છે એટલે અમેરિકાએ સતર્ક રહેવું પડશે.’
ADVERTISEMENT
૧૯૯૨થી અમેરિકાએ પૂર્ણ સ્તરનાં પરમાણુ શસ્ત્રોનાં પરીક્ષણો કર્યાં નથી. હવે ટ્રમ્પ એના પુનઃ પ્રારંભની હિમાયત કરી રહ્યા છે. તેમની દલીલ છે કે જો નૉર્થ કોરિયા જેવો નાનો દેશ સતત પરીક્ષણો કરી શકે છે તો અમેરિકા જેવા સુપરપાવરે પાછળ ન રહેવું જોઈએ. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે પરીક્ષણ કરીશું, કારણ કે તેઓ પરીક્ષણ કરી રહ્યા છે.
		        	
		         
        

