આ નોંધપાત્ર વધારો સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલા ૧૪.૭ ટકાના વૃદ્ધિદરની સરખામણીએ વેગ દર્શાવે છે.
પ્રતીકાત્મક તસવીર
પહેલી નવેમ્બરે જાહેર થયેલા આંકડા મુજબ ઑક્ટોબર મહિનામાં ભારતમાં કુલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું કલેક્શન વાર્ષિક ધોરણે ૨૨.૯ ટકાના ઉછાળા સાથે ૨.૩૧ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે છેલ્લાં ૪ વર્ષના સમયગાળામાં નોંધાયેલો સૌથી ઝડપી વૃદ્ધિદર છે.
આ નોંધપાત્ર વધારો સપ્ટેમ્બર મહિનામાં નોંધાયેલા ૧૪.૭ ટકાના વૃદ્ધિદરની સરખામણીએ વેગ દર્શાવે છે. આ સાથે માસિક GST વસૂલાત બે લાખ કરોડ રૂપિયાથી વધુ રહેવાનો સિલસિલો સતત ચોથા મહિને પણ જળવાઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ મુદ્દે અર્નેસ્ટ ઍન્ડ યંગના ઇન્ડિયાના પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘વૈશ્વિક સ્તરે સતત પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં ઑક્ટોબર ૨૦૨૬ માટેનું GSTનું કલેક્શન ભારતીય અર્થતંત્રની અડીખમ ક્ષમતાને દર્શાવે છે. આવકમાં મહિને-મહિને જોવા મળતો સતત વધારો મજબૂત વપરાશ અને કર અનુપાલનમાં થઈ રહેલા સુધારાનો સંકેત આપે છે. તહેવારોની સીઝન હજીયે માર્કેટને વેગ આપશે એટલે આગામી મહિનામાં પણ GSTનું કલેક્શન મજબૂત રહેવાની શક્યતા છે.’
એપ્રિલ મહિનામાં નોંધાયેલા ૨.૪૩ લાખ કરોડ રૂપિયા પછી ઑક્ટોબર મહિનાનું કલેક્શન ચાલુ નાણાકીય વર્ષમાં બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે. આ તીવ્ર ઉછાળાનું મુખ્ય કારણ આયાતમાંથી થતી આવક હતી, જે વાર્ષિક ધોરણે ૪૨.૨ ટકા વધીને ૭૨,૨૪૬ કરોડ રૂપિયા થઈ હતી; જ્યારે ગયા વર્ષના ઑક્ટોબરમાં આ આંકડો ૫૦,૭૯૬ કરોડ રૂપિયા હતો.
૨૦૨૫ના ઑક્ટોબરમાં ૧.૬૨ લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં નેટ GSTની આવક ૨૫.૬ ટકા વધીને ૨.૦૩ લાખ કરોડ રૂપિયા થઈ છે.
મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે
મહારાષ્ટ્ર ડોમેસ્ટિક GSTના કલેક્શનમાં સૌથી મોટું યોગદાન આપનાર રાજ્ય રહ્યું છે. ઑક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રની આવક ૧૩ ટકા વધીને ૩૫,૧૫૦ કરોડ રૂપિયા થઈ છે.
