મલાડની ચોંકાવનારી ઘટના: ૧૧ તોલા સોનું લૂંટી લીધું, ત્રણ લોકોની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
દિવાળી નજીક આવી રહી છે ત્યારે જે મુંબઈકરો દિવાળીની સફાઈ માટે ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા ઘરકામ કરવા હાઉસહેલ્પને બોલાવી રહ્યા છે તેમણે સાવચેત રહેવાની જરૂર છે. મલાડ પોલીસે એક એવી ગૅન્ગનો પર્દાફાશ કર્યો છે જે સફાઈ કરી આપવાના બહાને લોકોના ઘરે ચોરી કરતી હતી. આ પ્રોફેશનલ હોમ-ક્લીનિંગ સર્વિસ આપનારા લોકો ગ્રાહકોના ઘરમાંથી કીમતી વસ્તુઓની ચોરી કરતા હતા. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી લગભગ ૧૧ તોલા સોનું જપ્ત કર્યું છે.
ચોરીની આ ઘટના ૨૬ ઑક્ટોબરે બની હતી. મલાડ-વેસ્ટમાં આવેલા ફાલ્કન ટાવરમાં રહેતાં બાવન વર્ષનાં મહિલાએ પચીસ ઑક્ટોબરે ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા ઘરની સફાઈ માટે સ્લૉટ બુક કરાવ્યો હતો. ફરિયાદ મુજબ બીજા દિવસે સવારે લગભગ ૧૦ વાગ્યે ૪ લોકો ફ્લૅટ પર આવ્યા અને કેમિકલ છાંટવાના બહાને ઘરના બધા જ સભ્યોને બહાર જવાનું કહીને માસ્ટર બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે બેડરૂમની સફાઈ પૂરી થયા પછી તે માણસોમાંથી એક જણ વડાપાંઉ લેવાના બહાને બહાર ગયો હતો અને ૧૫ મિનિટ પછી પાછો આવ્યો હતો.
ADVERTISEMENT
આ કામદારોએ બાકીનું કામ ઉતાવળમાં પૂરું કર્યું અને બપોરે લગભગ ૧.૩૦ વાગ્યે ઘરની બહાર નીકળી ગયા હતા. જતી વખતે તેમણે બાકીનું કામ પૂરું કરવા માટે બીજા દિવસે પાછા આવવાનું વચન આપ્યું હતું.
૨૮ ઑક્ટોબરે પરિવારને ખબર પડી કે બેડરૂમના કબાટમાંથી કીમતી વસ્તુઓ ગાયબ છે. ચોરાયેલી વસ્તુઓમાં ૫૦ ગ્રામનો સોનાનો હાર, ૧૦ ગ્રામનું મંગળસૂત્ર, ૫૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ અને ૫૦૦ ગ્રામ ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે જેની કુલ કિંમત અંદાજે ૧૨ લાખ રૂપિયા થતી હતી. એથી મલાડ પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ શરૂ કરી હતી. મલાડ પોલીસની તપાસ ટીમે FIR નોંધાયાના એક દિવસની અંદર જ બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્રીજા આરોપી પવન ધિવરને શુક્રવારે ઝડપી લેવાયો હતો. અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓ સત્યમ શુક્લા અને અનીશ ચૌરસિયા હાલ પોલીસ-કસ્ટડીમાં છે.
આ આરોપીઓ આ વર્ષના જૂન મહિનાથી ઑનલાઇન ક્લીનિંગ કંપની સાથે કામ કરી રહ્યા હતા એમ જણાવીને એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘એવી શંકા છે કે પવન ધિવર આ સમગ્ર ચોરીનો માસ્ટરમાઇન્ડ છે. તેણે ચોરીનું આયોજન કર્યું હતું અને એને અંજામ આપ્યો હતો. તેની વિરુદ્ધ અગાઉ પણ ગુનાહિત કેસ નોંધાયેલા હોવાનું મનાય છે. ચોરીનું આયોજન કરવામાં અને એને પાર પાડવામાં પવન ધિવરે મુખ્ય ભૂમિકા ભજવી હોવાની શંકા છે. અમે તેના ગુનાહિત રેકૉર્ડની ચકાસણી કરી રહ્યા છીએ. આરોપીઓ પાસેથી લગભગ ૧૧ તોલા સોનું રિકવર કરવામાં આવ્યું છે.’
