લાખો ભાવિકો આ બાળસ્વરૂપ આંજનેયનાં દર્શન કરવા એટલા માટે પણ આવે છે કારણ કે આ બાળરામદૂત શ્રદ્ધાળુઓના સંકટમોચન છે એવી માન્યતા છે
બાલાજી હનુમાન
રાજસ્થાનનાં ટૉપ મોસ્ટ વિઝિટેડ ટેમ્પલ્સની સૂચિમાં પાંચમા ક્રમાંકે આવતું મેહંદીપુર બાલાજી મંદિર છેલ્લા બે-અઢી દસકામાં વધુ ખ્યાતનામ બન્યું છે. ‘મેહંદીપુરના બાલાજી ભૂત-પ્રેત, વળગાડ, માનસિક રોગો અને આસુરી બલાઓથી છુટકારો અપાવે છે’ એ આસ્થાથી દેશભરના રોગીઓ અહીંના હનુમાનજીના શરણે આવે છે. જોકે ફક્ત એવું પણ નથી. લાખો ભાવિકો આ બાળસ્વરૂપ આંજનેયનાં દર્શન કરવા એટલા માટે પણ આવે છે કારણ કે આ બાળરામદૂત શ્રદ્ધાળુઓના સંકટમોચન છે એવી માન્યતા છે
અલ્પા નિર્મલ
ADVERTISEMENT
feedbackgmd@mid-day.com
મરુભૂમિ રાજસ્થાન માત્ર રાજમહેલો, કિલ્લાઓ કે પરાક્રમી રાજાઓની ગાથાઓથી સમૃદ્ધ ભૂમિ નથી. આ ધરતી સેંકડો પૌરાણિક, પ્રાચીન અને અર્વાચીન મંદિરોનું નિવાસસ્થાન પણ છે. અહીં ભગવાનો તથા શક્તિસ્વરૂપ માતાજીઓનાં સેંકડો ભવ્ય મંદિરો તો છે જ, સાથે અનેક લોકદેવતાઓનાં પણ શાનદાર મંદિરો છે. અને હા, રાજસ્થાનના નિવાસીઓને તેમના લોકદેવતાઓ પર અનહદ શ્રદ્ધા છે.
આજે આપણે સનાતન પરંપરાની મુખ્ય ધારાના દેવ હનુમાનજીના મંદિરે જવાનું છે, પણ પૂર્વીય રાજસ્થાનના દોસા જિલ્લાના મેહંદીપુરના બાલાજીને રાજસ્થાનીઓ એટલો પ્રેમ કરે છે કે ખાટુશ્યામ, સાંવરિયા શેઠ, સાલાસર બાલાજીની જેમ મેહંદીપુર બાલાજી સરકારનો ડંકો ફક્ત રાજસ્થાનમાં જ નહીં, પાડોશી રાજ્યોમાં પણ વાગે છે.
lll
ભલે ભગવાન કે દેવ એક જ હોય; બધાં રાજ્યો અને વિસ્તારોના લોકોની પોતાની આગવી પૂજાપદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ તથા અનુષ્ઠાનો હોય છે. એ જ રીતે અહીંના બાલાજી, ભૈરવજી તથા પ્રેતરાજ સરકારની પૂજા, વિશેષ ધાર્મિક વિધિઓ તથા મંદિરની અલગ પરંપરાઓને કારણે આ મંદિર અન્ય હનુમાન મંદિરોથી અલગ ઓળખ ધરાવે છે.
આવતા અઠવાડિયાથી પ્રકાશનું પર્વ દિવાળી શરૂ થાય છે ત્યારે આપણે પણ મનમસ્તિષ્કમાં રહેલા નકારાત્મકતા અને ખરાબ વિચારો, પૂર્વગ્રહો, દુર્ગુણો દૂર કરવા અને હૃદયમાં સદ્ભાવનાનો દીપક પ્રગટાવવા જઈએ મેહંદીપુર ધામે.... પણ એની કહાની વાંચીને પછી.
lll
લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાંની વાત છે. અત્યારના દૌસા અને કરોલી જિલ્લામાં એ સમયે ગીચ જંગલ હતું. એમાં મેહંદીપુર પાસે આવેલી નાની ટેકરીઓના ઘાટમાં બે પહાડીઓની વચ્ચે એક સ્વયંભૂ શિલા હતી, જેનો આકાર હનુમાનજી જેવો હતો. સમય જતાં આજુબાજુના ગ્રામવાસીઓ વૃક્ષો કાપવા જંગલમાં આવવા લાગ્યા અને ત્યાં તેમને આ શિલા દેખાઈ. એમાં તેમને હનુમાનજીનું બાળક રૂપ દેખાતાં સ્થાનિક લોકો કેસરીનંદનના બાળસ્વરૂપની પૂજા કરવા લાગ્યા અને પ્રભુને નામ મળ્યું બાલાજી. એ પછી અગેઇન થોડો કાળ વીત્યો અને ફરતાં-ફરતાં એક સાધુ અહીં આવ્યા. તેઓ અહીં વિશ્રામ માટે રોકાયા અને સપનામાં હનુમાનજીએ તેમને દર્શન દીધાં. એ પછી તેઓ અહીં નાની કુટિયા બાંધીને રહેવા લાગ્યા અને રામજી સાથે રામભક્તની પૂજા કરવા લાગ્યા. ધીમે-ધીમે આજુબાજુના વિસ્તારના લોકો બાલાજીનાં દર્શનાર્થે આવતા ગયા. અહીં આવતા ભક્તોએ નોંધ્યું કે બાલાજીનાં દર્શન કરતાં તેમના જીવનમાં રહેલી વિંડબણા, અડચણ દૂર થતી ગઈ. એ પછી અહીં ગણેશપુરી મહારાજજી પધાર્યા અને તેમને કુદરતી સંકેત મળતાં તેમણે બાલાજીની સાથે ભૈરવજી તથા પ્રેતરાજ સરકારની સ્થાપના કરી અને મુખ્ય ભગવાન પાસે દીપકની અખંડ જ્યોતની સ્થાપના કરી. એ પછી એવું થવા લાગ્યું કે અમુક લોકો અહીં દર્શન કરે અને અંખડ જ્યોત પર તેમની નજર પડે એટલે તેઓ જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કરે. ‘મને છોડી દે... મને છોડી દે’ બોલીને ચીસો પાડવા લાગે. એ વખતે ગણેશપુરી મહારાજજી તેમને હનુમાન ચાલીસા સંભળાવે અને તે ઝનૂની વ્યક્તિઓ શાંત થઈ જાય. આવું અવારનવાર થવા લાગ્યું. આથી આજુબાજુમાં એવી વાત ચર્ચાવા લાગી કે આ મંદિરનાં દર્શન કરવાથી પ્રેતબાધાની સમસ્યા ઠીક થઈ જાય છે.
વેલ, આમ તો આ અહીંના લોકોની વાયકા છે. મંદિરનું મૅનેજમેન્ટ, હાલના મહંત કે અધિકારિક વેબસાઇટ આ વાતોની પુષ્ટિ કરતાં નથી; પરંતુ એ હકીકત છે કે આજે પણ દરરોજ સેંકડો મનોરોગીઓને અહીં ભગવાનનાં દર્શન અર્થે લઈ અવાય છે અને તેઓ કલાકો સુધી ભગવાનના મુખ્ય ગર્ભગૃહની બહાર એક ખાસ વિસ્તારમાં બેઠા રહે છે. તેમના પરિવારજનોને દૃઢ વિશ્વાસ હોય છે કે મેહંદીપુરના બાલાજી તેમના પીડિત કુટુંબીઓનાં તન-મનમાં ઘર કરી ગયેલા બૂરા આત્માઓ, ભૂત-પ્રેતોને ભગાવવાના આશીર્વાદ આપશે અને રોગીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.
દર મંગળવાર અને શનિવારે તો અહીં હૈયેહૈયું દળાય એવી ભીડ હોય છે, પણ બાકીના દિવસોમાં પણ હજારોની સંખ્યામાં યાત્રાળુઓનું આવાગમન રહેવું એ આ તીર્થની આમ બાત છે. ભક્તો મંદિરમાં પ્રવેશીને સૌપ્રથમ બાલાજી મહારાજનાં દર્શન કરે છે. એ પછી ભૈરવ મહારાજ અને અંતમાં પ્રેતરાજ સરકારનાં દર્શન કરે છે. મુખ્ય ગર્ભગૃહ પ્રાચીન અને નાનું છે, પણ એની આજુબાજુનું વિસ્તરણ એ રીતે કરવામાં આવ્યું છે જેથી પ્રાચીન મૂર્તિઓને ખસેડવી નથી પડી. ગર્ભગૃહની બહારની બાજુ રામપરિવાર, શંકર ભગવાન, પાર્વતીમાતા, ગણેશજી, રાધે-કૃષ્ણ આદિની મૂર્તિઓ છે.
અહીં ફક્ત દરદીઓ જ આવે એવું નથી. અનેક ભક્તો સુખ-શાંતિની પ્રાપ્તિ માટે પણ દર્શનાર્થે આવે છે. એ જ રીતે અનેક ભક્તો તેમની મનોકામના પૂરી થતાં કૃતજ્ઞતા અને આભાર માનવા ફરી બાલાજીને પાય લાગવા આવે છે. આથી બધા ભક્તોના હાથમાં વિધ-વિધ પ્રકારનો પ્રસાદ હોય છે. શ્રીફળ અને પુષ્પ ધરાવવાં તો કૉમન છે, પરંતુ અહીં વિવિધ માનતાઓ પ્રમાણે પ્રસાદ ચડાવાય છે. ભૂત-પ્રેત ઉતારવા માટે દર્શન કરવા આવનારા દ્વારા ચડાવાતો પ્રસાદ સ્વયં ભક્ત પણ નથી લઈ શકતા કે તેમના ઘરે પણ નથી લઈ જવાતો (એ પશુઓને આપી દેવાય છે) તો માનતા પૂરી થયા પછી ચડાવાતો સવામણી પ્રસાદનો ભંડારો કરી શકાય છે, વહેંચાય છે અને પરિવારજનો માટે લઈ પણ જવાય છે.
મંદિર સવારના ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ફક્ત બે વખત થતી આરતી તથા બપોરે રાજભોગ તથા સાંજના શ્રૃંગાર સમયે ૩૦ મિનિટથી ૪૦ મિનિટ બંધ રહે છે. અહીં હનુમાન જયંતી, હોળી તથા દશેરાની રંગારંગ ઉજવણી થાય છે. એ સિવાય પણ બધા હિન્દુ તહેવારો અહીં પરંપરાગત રીતે ઊજવાય છે.
મહંત ડૉ. નરેશપુરી મહારાજે ૨૦૨૬ની ૧૦ જૂને ઑસ્ટ્રેલિયાના શહેર મેલબર્નમાં પાર્લમેન્ટઑફ વિક્ટોરિયામાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું, જે ઑક્સફર્ડ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું હતું. એ ઉપરાંત તેઓ ફ્રાન્સની સેનેટમાં બાલાજીની ધજા લઈને હાજર રહ્યા હતા તથા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના બ્રિટનની પાર્લમેન્ટમાં હનુમાન ચાલીસાના પઠન વખતે પણ ઉપસ્થિત હતા.
ખાસ કરીને વળગાડ ઉતારવા આવતી વ્યક્તિઓ મંદિરમાં દર્શન પહેલાં અને પછી ૩ દિવસથી ૭ દિવસ તામસિક ભોજન ન લેવાનો નિયમ પાળતી હોય છે તથા અહીંથી નીકળતી વખતે પાછા ફરીને ન જોવાની પ્રથા પણ નિભાવે છે.
કહે છે કે શ્રી બાલાજી ભગવાનની છાતી પાસે એક છિદ્ર છે. એમાંથી સતત જળ ઝર્યા કરે છે. આરતી બાદ પૂજારી ભક્તો પર એ પવિત્ર પાણીનો છંટકાવ કરે છે તેમ જ સવારના ભાગમાં મંદિર તરફથી એ જળનું વિતરણ પણ થાય છે.
બાલાજી ધામમાં આરતીનું ખૂબ મહત્ત્વ છે. જોકે કોઈ ભક્તો એમાં હાજર રહી શકતા નથી. એ સમયે મંદિરના પટ બંધ હોય છે, પરંતુ ભાવિકો મંદિરના પરિસરમાં ઊભા રહી એ આરતીનો મધુર નાદ તથા સકારાત્મક વાતાવરણ માણી શકે છે.
સામાજિક પ્રવૃત્તિઓ
મંદિર ટ્રસ્ટ તરફથી અનેક સામાજિક તથા જનકલ્યાણકારી કાર્યો થાય છે. શિક્ષણક્ષેત્રે મંદિર તરફથી અનેક સ્કૂલો ચાલે છે. ખાસ કરીને મહિલા-કન્યા છાત્રાલય તથા કૉલેજોમાં અદ્યતન સુવિધાઓ આપીને આખા વિસ્તારની કન્યાઓને શિક્ષિત કરાય છે. એ જ રીતે મેહંદીપુરમાં મંદિર ટ્રસ્ટની હૉસ્પિટલ પણ છે અને અવારનવર મેડિકલ કૅમ્પ પણ યોજાય છે.
આખા મંદિરનો પરિસર સફેદ સંગેમરમરથી નવો બનાવવામાં આવ્યો છે. એમાં રામ-લક્ષ્મણ- સીતાજીનું કોતરણીયુક્ત મંદિર લાજવાબ છે. આ ઉપરાંત અહીં રાધાકૃષ્ણની મૂર્તિ પણ છે અને એની પણ સુંદર પૂજા થાય છે.
હાલમાં મંદિરમાં મુખ્ય મહંતની પંદરમી પેઢીના વંશજ ડૉ. નરેશપુરી મહારાજ મહંત તરીકેની સેવા બજાવે છે. તેમને યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજી-જયપુર દ્વારા માનદ ડૉક્ટરેટની ઉપાધિ અર્પણ થઈ છે.
મંદિરમાં ચડાવાતા સવામણી પ્રસાદમાં વિવિધ કૅટેગરી હોય છે. ભક્તો ૩૫,૦૦૦ રૂપિયાના છપ્પનભોગથી લઈ સાદો ગુડ-મિસરી-પુડીનો પ્રસાદ પણ ધરાવી શકે છે. આ સેવા મંદિર દ્વારા પણ કરાય છે અથવા ભક્તો બહારથી પણ પ્રસાદ લઈને આવી શકે છે. જોકે એ ચડાવવાનો સમય બપોરે ૧૨ વાગ્યાથી બે વાગ્યા દરમ્યાન જ રહે છે અને મંદિર તરફથી વ્યવસ્થા કરાવવી હોય તો આગોતરું બુકિંગ કરવું પડે છે.
કેવી રીતે જવાય?
મુંબઈથી મેહંદીપુર જવા માટે બેસ્ટ લૅન્ડિંગ પૉઇન્ટ છે જયપુર. રાજ્યનું પાટનગર દેશ-વિદેશનાં બધાં મોટાં શહેરો સાથે હવાઈમાર્ગે જોડાયેલું છે. આ ઉપરાંત ભારતીય રેલ દ્વારા દેશના દરેક ખૂણાથી ટ્રેનો જયપુર જાય છે. જયપુરથી મેહંદીપુરનું ડિસ્ટન્સ ૧૧૧ કિલોમીટર છે જે સરકારી બસો, પ્રાઇવેટ ટેક્સી, શૅર-અ-સીટ દ્વારા કરી શકાય છે. તીર્થયાત્રા દ્વારા ગ્રામીણ ઇલાકાનો વિકાસ થવો એ આપણા દેશની ખાસ શૈલી છે. એ તરજ પર એક સમયનો અરણ્ય વિસ્તાર આજે ધોમધખતા વ્યાપારિક કેન્દ્રમાં તબદીલ થઈ ગયો છે. મેહંદીપુર ગામના બેથી ૩ કિલોમીટરના પરિઘમાં રિસૉર્ટ, હોટેલ, ધર્મશાળાઓ સાથે ભોજનાલય, રેસ્ટોરાં, ઢાબાંઓ આવેલાં છે. સાથે ઠેર-ઠેર પ્રસાદ અને પૂજાપાનું હાટણું કરતી હાટડીઓ સાથે રાજસ્થાની મુખવાસ, પાપડ, શાકભાજીની સુકવણીઓ, અથાણાં તથા જાતજાતનાં રમકડાં વેચતી હજારો દુકાનો છે.
