Jaipur Wall Collapsed: રાજસ્થાનના આમેરમાં રિસોર્ટની નિર્માણાધીન દીવાલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા ત્રણ શ્રમિકોના મોત અને ત્રણ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે; આ મામલે વધુ તપાસ ચાલી રહી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજસ્થાન (Rajasthan)ના આમેર (Amer)માં સોમવારે એક રિસોર્ટમાં નિર્માણાધીન દીવાલ ધરાશાયી થતાં (Jaipur Wall Collapsed) ઓછામાં ઓછા ત્રણ શ્રમિકોના મોત થયા છે અને અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટના રાજસ્થાનના જયપુર જિલ્લાના ચંદવાજી વિસ્તારમાં તાલામોડ નજીક બની હતી.
રિસોર્ટના બેઝમેન્ટમાં બની દુર્ઘટના
ADVERTISEMENT
જયપુર (Jaipur)ના ચંદવાજી (Chandwaji) વિસ્તારમાં આવેલા તાલામોદ (Talamod) ખાતે એક નિર્માણાધીન અરાવલી પેલેસ રિસોર્ટ (Aravali Palace Resort)માં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રિસોર્ટના બેઝમેન્ટમાં એસટીપી (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એક દીવાલ કડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી.
બે શ્રમિકોના મૃત્યુ
દિવાલ ધરાશાયી થવાના કારણે ત્યાં કામ કરી રહેલા અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે મહિલા શ્રમિકોના મોત થયા છે, જ્યારે ચારથી વધુ શ્રમિકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય કેટલાક ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.
પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી, તપાસ ચાલુ
ઘટનાની માહિતી મળતાં જ સિવિલ ડિફેન્સ, પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પ્રારંભિક માહિતી અનુસાર, બેઝમેન્ટમાં નિર્માણ કાર્ય દરમિયાન અચાનક દીવાલ ધસી પડી હતી, જેના કારણે ત્યાં હાજર શ્રમિકોને સંભાળવાની તક પણ મળી ન હતી. પ્રશાસન અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. સાથે જ એ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે નિર્માણ કાર્ય દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.
કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા
જિલ્લા કલેક્ટર સંદેશ નાયકે જણાવ્યું કે અત્યાર સુધીમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આશંકા છે કે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દટાયેલા હોઈ શકે છે. તેમની શોધખોળ માટે ઇન્ફ્રારેડ કેમેરાની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.
એસડીએમ રાજેન્દ્ર અને તહસીલદાર સૌરભ ગુર્જર સહિતના વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને રાહત તેમજ બચાવ કામગીરી પર સતત દેખરેખ રાખી રહ્યા છે.
આમેરમાં ગયા વર્ષે પણ દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી
જયપુર નજીક દીવાલ ધરાશાયી થવાની આ તાજેતરની ઘટના, ઐતિહાસિક આમેર કિલ્લાની બહારની દીવાલનો એક ભાગ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો તેના લગભગ એક વર્ષ બાદ સામે આવી છે.
ઓગસ્ટ ૨૦૨૫માં, જયપુરમાં પડેલા અવિરત વરસાદને કારણે કિલ્લાની બહારની દીવાલનો આશરે ૨૦૦ ફૂટ લાંબો હિસ્સો ધરાશાયી થયો હતો. તે સમયના વીડિયોમાં જોવા મળ્યું હતું કે વરસાદી પાણીએ જૂના પથ્થરોના બાંધકામને નબળું પાડી દીધું હતું અને ત્યારબાદ દીવાલ અચાનક તૂટી પડી હતી, જેના કારણે તેનો કાટમાળ ઢોળાવ પરથી નીચે સરકી આવ્યો હતો. સાવચેતીના પગરૂપે, સત્તાવાળાઓએ પ્રવાસીઓ અને હાથીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી આદેશ સુધી કિલ્લા પર હાથીની સવારી સ્થગિત કરી દીધી હતી.
