Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > લગ્નમાં જૂઠાણાં અને પરિવારના દબાણને કારણે કરુણ અંત આવ્યાના આવા અઢળક કિસ્સા છે

લગ્નમાં જૂઠાણાં અને પરિવારના દબાણને કારણે કરુણ અંત આવ્યાના આવા અઢળક કિસ્સા છે

Published : 29 June, 2026 07:15 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પેરન્ટ્સની નારાજગી વહોરવાને બદલે મર્ડર વધુ સરળ લાગ્યું સિયા ગોયલને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈકે પોતાની ડિગ્રી ખોટી કહી હોય કે પછી કોઈ નોકરીને લઈને જૂઠું બોલ્યું હોય, કોઈએ બીજાના ઘરને પોતાનું દેખાડ્યું હોય, કોઈએ બીમારી છુપાવી હોય તો કોઈએ પરિવારને વશ થઈને પહેલી પત્ની હોવા છતાં બીજાં લગ્ન કર્યાં હોય... ફૅમિલી કોર્ટના એક્સ- કાઉન્સેલર પાસેથી જાણીએ આવા જ કેટલાક ચોંકાવનારા બનાવો વિશે

લોહગઢના કિલ્લા પરથી પોતાના બૉયફ્રેન્ડ સાથે મળીને ભાવિ હસબન્ડને ખીણમાં ધક્કો મારી દેનારી સિયા ગોયલના કેસમાં સતત નવાં-નવાં અપડેટ્સ આવી રહ્યાં છે. એક તરફ જ્યાં સિયા તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેને કેતન અગ્રવાલ વિગ પહેરે છે અને તે તોતડું બોલે છે એ વાતથી સગાઈ પહેલાં અજાણ રાખવામાં આવી હતી તો બીજી બાજુ પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં એવું બહાર આવ્યું છે કે સિયા માટે પરિવારની વિરુદ્ધ જઈને સગાઈ તોડીને પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું મર્ડર કરવા કરતાં વધુ અઘરું હતું અને એટલે જ તેણે આ અંતિમ પગલુ ભર્યું હતું. લગ્નસંસ્થા ભરોસા અને આપસી પ્રેમ પર નિર્ભર હોય છે, પરંતુ એમાં જ્યારે જૂઠ અને બળજબરી ભળે ત્યારે એની સુંદરતા સમાપ્ત થઈ જતી હોય છે અને કેટલીક વાર એનો અંત હત્યા અને આત્મહત્યાથી પણ આવતો હોય છે. લગ્ન માટે પરિવાર તરફથી દબાણ આવ્યું હોય અથવા લગ્ન પહેલાં ખોટેખોટા દાવાઓ કર્યા હોય અને લગ્ન પછી ભાંડો ફૂટ્યો હોય એવા કેટલાક રિયલ લાઇફ કિસ્સાઓ વિશે પચીસ વર્ષ સુધી ફૅમિલી કોર્ટમાં કાઉન્સેલર તરીકે કામ કરનારા અને છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપ કાઉન્સેલર તરીકે સક્રિય અજિતકુમાર બડવે પાસેથી જાણીએ.



ઑલરેડી પરણેલો હતો


થોડાંક વર્ષ પહેલાં એક ડિવૉર્સ કેસ આવ્યો હતો જેમાં બન્ને બહુ જ સારા ઘરનાં હતાં. છોકરી પુણેની અને છોકરો મુંબઈનો. ૩ વર્ષનો કોર્ટશિપ પિરિયડ ચાલ્યો અને પછી લગ્ન થયાં. લગ્ન પછી હસબન્ડ અઠવાડિયાના થોડાક દિવસ બહાર રહે છે એવી ખબર પડતાં વાઇફે તપાસ કરી અને તેને ખબર પડી કે પોતે જેની સાથે લગ્ન કર્યાં છે તે તો ઑલરેડી પરણેલો છે અને તેને પાંચ વર્ષની અગાઉનાં લગ્નથી એક દીકરી પણ છે. તે જ્યારે રંગેહાથ પકડાયો ત્યારે તેણે કબૂલ પણ કર્યું કે મા-બાપનું દબાણ હતું કે સમાજની યુવતી સાથે તે લગ્ન કરે અને એટલે તેના પેરન્ટ્સે પણ ખબર હોવા છતાં યુવકનાં પહેલાં લગ્નની વાત છુપાવી. એક રીતે જુઓ તો આ ક્રિમિનલ કેસ પણ ગણાય. જોકે એ વખતે લગ્નના ૧૫ જ દિવસમાં યુવતીનાં મા-બાપ અને યુવતીએ મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવૉર્સ લઈને છુટકારો મેળવ્યો હતો.

ઘર, ડિગ્રી અને નોકરી બધું ખોટું


બીજા એક કિસ્સામાં યુવકે પોતાને એમિરેટ્સની એમ્બેસીમાં ઑફિસર લેવલ પર કામ કરે છે એવું દેખાડ્યું હતું. તેનો માહિમમાં બે બેડરૂમ હૉલ કિચનનો ફ્લૅટ હોવાનું પણ કહ્યું હતું અને ડબલ ગ્રૅજ્યુએટની ડિગ્રીનું પણ કહ્યું હતું. યુવક મુંબઈનો અને યુવતી સાતારાના સંપન્ન પરિવારની દીકરી. મિડલમૅન તરીકે જે વ્યક્તિ હતી તે બન્નેને ઉપરછલ્લી ઓળખતી હતી. જોકે છોકરો વાતચીતમાં સારો, દેખાવે સારો અને મુંબઈમાં જ્યારે તેના કહેવાતા ઘરે ગયા ત્યારે એ તપાસમાં પણ બધું સરખું લાગતાં લગ્ન થઈ ગયાં. લગ્ન પછી યુવતી મુંબઈ યુવક સાથે રહેવા આવી ત્યારે ખબર પડી કે તે તો એક રૂમના ભાડાના મકાનમાં રહે છે. તે એક પ્રાઇવેટ કંપનીમાં પ્યુનની નોકરી કરે છે અને ૧૯,૦૦૦ રૂપિયા તેનો પગાર છે. તેના ફ્રેન્ડે છોકરી પટાવવા પોતાના ઘરને તેનું ઘર કહીને દેખાડ્યું હતું. કોર્ટમાં કેસ આવ્યો. કાઉન્સેલિંગમાં પેલા યુવકે કબૂલ પણ કર્યું કે તે સારી છોકરી સાથે લગ્ન કરવા માટે બધું ખોટું-ખોટું બોલ્યો હતો. દરઅસલ તેને એમ હતું કે એક વાર લગ્ન થયા પછી છોકરી ક્યાંય નહીં જાય અને જો ગઈ તો તે બ્લૅકમેઇલ કરશે, પરંતુ એ પહેલાં જ છોકરી પોતાના ઘરે પાછી જતી રહી. તે યુવકની યુવતીના પરિવાર પાસેથી પૈસા પડાવવાની દાનત હતી. જોકે જ્યારે તેને ખબર પડી કે આ કેસમાં તે ખરાબ રીતે ફસાઈ શકે છે એટલે તેણે આપસી સમજણમાં આસાનીથી છૂટાછેડા આપી દીધા.  બેશક, છોકરી અને તેના પરિવાર માટે આ ડાયજેસ્ટ કરવું ખૂબ અઘરું હતું.

વિદેશને લગતા અનેક કિસ્સા

પૈસાની લાલચ હોય, પ્રૉપર્ટીનો મુદ્દો હોય, સુંદર છોકરી હોય તો લગ્ન માટે ગમે એવું જૂઠ બોલવામાં પણ છોકરાઓ અચકાતા નથી હોતા. વિદેશમાં પોતાની દીકરીને પરણાવવાની ઘેલછામાં મા-બાપ પોતે પણ ઘણી વાર અજાણતાં જ પોતાની દીકરીને નરકમાં ધકેલી દેતાં હોય છે. એક કિસ્સામાં અમેરિકામાં રહેતા યુવક સાથે યુવતીનાં લગ્ન નક્કી થયાં. સગાઈ પછી પણ યુવક જ્યારે વાત કરે ત્યારે યુવતીને લાગે કે તેને કંઈ ઇન્ટરેસ્ટ નથી. બહુ જ ટૂંકી અને શુષ્ક વાતો પછી યુવતીએ પરિવારને ફરિયાદ કરી અને એક ફોન સ્પીકર પર સંભળાવ્યો પણ ખરો. પરિવારે એ બધી જ વાતો ઇગ્નૉર કરીને કહ્યું કે આવું તો થાય જેમાં શરૂઆતમાં યુવક શરમાળ હોય તો ખૂલીને વાત ન કરે, વ્યસ્ત હોય તો ફોન ઓછા કરે, લગ્ન પછી બધું સારું થઈ જશે. જોકે એવું કંઈ થયું નહીં. લગ્ન માટે તે યુવક ૮ દિવસની રજા લઈને આવ્યો હતો. લગ્ન પછી તે યુવતીથી બહાનાંઓ કાઢીને દૂર ભાગતો રહ્યો. અમેરિકા પાછો પહોંચ્યા પછી તેણે યુવતીને ચોખ્ખું કહી દીધું કે તેને તેનામાં કોઈ રસ નથી અને તેણે પરિવારના દબાણમાં આવીને લગ્ન માટે હા પાડી છે, તેમની વચ્ચે ક્યારેય પતિ-પત્ની જેવો સંબંધ નહીં હોય અને તેને તે ક્યારેય અમેરિકા સાથે લઈ નહીં જાય. આ વાત જ્યારે યુવતીએ પોતાના પરિવારને કરી ત્યારે દેખીતી રીતે ધ્રાસકો પડ્યો. સમાજની વચ્ચે બધાની હાજરીમાં લગ્ન કર્યા પછી આ બન્યું હતું. જોકે છેલ્લે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી તેમના છૂટાછેડા પણ થઈ ગયા. બીજા કિસ્સામાં અહીં લગ્ન કરીને યુવતીને એક યુવક જ્યારે અમેરિકા લઈ ગયો ત્યારે ખબર પડી કે ત્યાં તો ઑલરેડી તેની એક વાઇફ છે, આ તો માત્ર તેણે નોકરાણી તરીકે કોઈ જોઈતું હતું એમ વિચારીને ભારતની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં.

લગ્ન પછી હનીમૂન પર જઈ રહેલા કપલમાં વાઇફ બાથરૂમ જવાનું કહીને પોતાના બૉયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હોય અને પછી છૂટાછેડા લેવા માટે યુવક કોર્ટમાં પહોંચ્યો હોય એવા બનાવો પણ બન્યા છે.

બીમારીઓ છુપાવવી

એક કિસ્સામાં લગ્ન પહેલા જ કંઈક ગાયનેક પ્રૉબ્લેમ હોવાથી યુવતીને બાળક નહીં થઈ શકે એવી ખબર પડી ગઈ હતી. જોકે લગ્ન સમયે તેમણે આ વાતની છોકરાવાળા સામે કોઈ રજૂઆત ન કરી. છેલ્લે લગ્નનાં બે વર્ષ બાદ બાળક ન થવાની બાબતમાં તપાસ કરવામાં આવી ત્યારે એ વાત બહાર આવી કે પહેલેથી જ યુવતીના ગાયનેક ડૉક્ટરે તેને બાળક નહીં થઈ શકે એ કહી દીધું હતું. આ કેસમાં યુવકને અને તેના પરિવારને વિશ્વાસઘાત થયો હોય એવું લાગ્યું અને તેમણે કોર્ટમાં તેમની સાથે થયેલા દગાને પ્રૂવ કર્યો અને છૂટાછેડા લીધા. જોકે એ પછીયે બન્ને પરિવારના લોકો ઘણાબધા માનસિક પરિતાપમાંથી પસાર થયા જેની ભરપાઈ ક્યારેય નહીં થઈ શકે. એ જ રીતે પુરુષ ઇમ્પોટન્ટ હોય એવા તો ઢગલાબંધ કિસ્સાઓ આવતા હોય છે જેમાં લગ્ન પછી ખબર પડે અને કોર્ટમાં છૂટાછેડા લેવાય. ઘણાં પ્રતિષ્ઠિત ઘરોની યુવતીઓ કોર્ટ સુધી પહોંચી નથી શકતી, પરંતુ મેન્ટલ ટૉર્ચરને કારણે આખી જિંદગી આ વાત સ્વીકારીને સહન કરે છે.

પેરન્ટ્સને સલાહ

લગ્ન કે સગાઈ તોડવી એ લગ્ન પછી આખી જિંદગી નરક બનાવવા કરતાં કે ગુનો કરવા કરતાં હજારગણું સારું છે. બાળકો પર લગ્નનું એટલું દબાણ ન કરો કે તે સાચું બોલતાં ડરે. કમ્યુનિકેશનના દરવાજા ખુલ્લા રાખો.

લગ્ન પહેલાં કેવી-કેવી બાબતોમાં જૂઠ બોલાય છે?

 ગંભીર શારીરિક રોગ કે ડિપ્રેશન કે બાયપોલર જેવી માનસિક સ્થિતિ છુપાવવાનું સામાન્ય બને છે.

 મન ક્યાંક બીજે હોય છતાં પરિવારના દબાણમાં લગ્ન કરી લેવાં. ભૂતકાળના સંબંધો અથવા ચાલુ અફેર ખૂબ સિફતપૂર્વક છુપાવી લેવાય છે.

 ડિગ્રી, નોકરી, પગાર, પોતાનું ઘર કે માથે રહેલા દેવા વિશે જૂઠું બોલવાના કિસ્સાઓ ઘણી વાર સામે આવતા હોય છે.

 ડ્રગ્સ, આલ્કોહોલની લત કે ભૂતકાળના કોઈ કેસની વિગત છુપાવવાનું પણ સામાન્ય છે.

લગ્ન પહેલાં ચલાવાતાં જૂઠાણાંથી બચશો કેમ?

મિડલમૅન તરીકે ભલે કોઈ પણ હોય, તમારે તમારા સંતાનનાં જેની સાથે લગ્ન થવાનાં છે તેની ક્રૉસ તપાસ જાતે જ કરવી જોઈએ. તમે તેના મિત્રો, આડોશી-પાડોશીઓ, ઑફિસના કલીગ એમ બધાને મળો, વાત કરો અને તપાસ કરો. તેના બિલ્ડિંગના પ્રવેશદ્વાર પર તેના નામની નેમપ્લેટ છે કે નહીં એ જુઓ. તેનું ઘર પોતાનું છે કે કોઈ બીજાનું, એના પર લોન છે કે નહીં એ જુઓ. તેનો સિબિલ સ્કોર ચેક કરાવો. તેનાં બૅન્ક-સ્ટેટમેન્ટ ચેક કરી લો. દરેક કપલને કહીશ કે તમારે કમ્પલ્સરી પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ કરાવવું જ અને બન્નેએ થર્ડ પાર્ટીને સામેલ કરીને બધા જ ડૉક્યુમેન્ટ્સ અને હેલ્થ-રિપોર્ટ્સ ચેક કરાવવા જોઈએ. વિદેશમાં વસતી વ્યક્તિ સાથે લગ્ન કરવાનું વિચારતા હો તો તેના પાસપોર્ટની ચકાસણી કરો. તે જે કંપનીમાં કામ કરતો હોવાનું કહે છે ત્યાંની કંપનીમાં ઈ-મેઇલ દ્વારા તેના વિશે જાણકારી મેળવવાના પ્રયાસ કરો. તેની સૅલેરી-સ્લિપ ચેક કરો. દીકરીને લગ્ન પછી વિદેશ મોકલવાના હો તો તેની સાથે તમારા પણ એ દેશના વીઝા કઢાવી લો જેથી કોઈ ઇમર્જન્સી આવે તો તમે ત્યાં જઈ શકો.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 07:15 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK