Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નવા રોકાણકારોએ ધ્યાનમાં રાખવાની મહત્ત્વપૂર્ણ વાતો

નવા રોકાણકારોએ ધ્યાનમાં રાખવાની મહત્ત્વપૂર્ણ વાતો

17 January, 2022 03:25 PM IST | Mumbai
Khyati Mashru Vasani

કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો પ્લાનિંગ કરવું આવશ્યક છે.

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક


કોઈ પણ કાર્યમાં સફળ થવું હોય તો પ્લાનિંગ કરવું આવશ્યક છે. નાણાકીય બાબતમાં પણ આ નિયમ લાગુ પડે છે. નવા વર્ષની શરૂઆતમાં આપણે નવા રોકાણકારો વિશે વાત કરવાના છીએ. આપણે આ મુદ્દાને ત્રણ તબક્કામાં વહેંચી દઈએ.
તબક્કો ૧ – પોતાની સંપત્તિ વિશે માહિતી મેળવી લો
પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિને સમજી લેવાનું અગત્યનું છે. નવા રોકાણકારોએ અહીં આપેલા કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ.
૧. પોતાનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત કરો
તમે ક્યારે નિવૃત્તિ લેવા માગો છો? તમે કેટલાં વર્ષની અંદર નવું ઘર ખરીદવા ઇચ્છો છો? આવા કેટલાક પ્રશ્નો પોતાને પૂછીને લક્ષ્યો નિશ્ચિત કરવા જોઈએ. 
૨. પોતાની નેટવર્થનો અંદાજ કાઢો 
તમારા આયોજનનું દરેક પગલું તમારી નેટવર્થમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃદ્ધિ કરવા માટેનું હોવું જોઈએ. તમારી પાસેની બધી ઍસેટ્સના સરવાળામાંથી તમારી જવાબદારીઓ એટલે કે લાયેબિલિટીઝની બાકબાકી કરીએ ત્યારે તમને નેટવર્થ જાણવા મળે છે.
નેટવર્થ ગણવા માટે તમારે સૌથી પહેલાં રોકડ અને બૅન્ક-બૅલેન્સની રકમ જાણી લેવી, તમે કોઈ રોકાણ કર્યું હોય તો એનું બજારમૂલ્ય જાણી લેવું. ત્યાર બાદ તમારા ક્રેડિટ કાર્ડના બિલની રકમ કે બીજી કોઈ લોનની બાકી નીકળતી રકમ જાણી લેવી. તમારી ઍસેટ્સ હંમેશાં લાયેબિલિટીઝ કરતાં વધુ હોવી જરૂરી છે. 
તબક્કો ૨ – પોતાની સંપત્તિનું સંચાલન કરો
તમને હવે પોતાની નાણાકીય સ્થિતિનો અંદાજ આવ્યો હોવાથી તમારે સંપત્તિના સંચાલન પર ધ્યાન આપવું જોઈએ. 
૧. બજેટને વળગી રહેવું
દર મહિનાનું બજેટ બનાવવું અને એને વળગી રહેવું. આ રીતે તમે પોતાના ખર્ચને કાબૂમાં રાખતા શીખી જાઓ છો. ખર્ચની ગણતરી કરવી જરૂરી છે. બજેટમાં સમય જતાં પરિવર્તનો પણ કરવાં પડે છે. દા.ત. આવક વધે ત્યારે અને ખર્ચ વધે એ બન્ને સ્થિતિમાં ફેરફાર કરવા પડે છે. 
૨. કરજ સમયસર ચૂકવી દેવું
કોઈ પણ કરજની ચુકવણી સમયસર કરવામાં આવે નહીં તો નાણાકીય સ્થિતિ બગડતા વાર લાગતી નથી. આથી દરેક રોકાણકારે પોતાના પરનું કરજ વહેલામાં વહેલી તકે ઉતારી દેવા પર ધ્યાન આપવું. 
૩. વીમા કઢાવો અને એસ્ટેટ પ્લાનિંગ કરો
જીવન વીમો અને આરોગ્ય વીમો કઢાવવામાં તત્કાળ કોઈ લાભ થતો નહીં હોવાથી મોટા ભાગે લોકો એના તરફ દુર્લક્ષ કરે છે. જોકે જીવન અનિશ્ચિત હોવાથી વીમો કઢાવવા પર અને એસ્ટેટ પ્લાનિંગ પર પૂરતું લક્ષ આપવું જોઈએ. આ કાર્યમાં નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 
૪. ઇમર્જન્સી ભંડોળ રાખવું
ઇમર્જન્સીને પહોંચી વળવા માટે પૂરતું ભંડોળ અલાયદું રાખવું જોઈએ. અત્યાર સુધી લોકો ત્રણથી ચાર મહિના સુધીના પગાર જેટલી રકમને ઇમર્જન્સી ભંડોળ તરીકે રાખતા હતા, પરંતુ કોરોનાએ ચિત્ર બદલી નાખ્યું છે. હવે છથી બાર મહિનાના પગાર જેટલી રકમને ઇમર્જન્સી ભંડોળ કહેવામાં આવે છે. આ નાણાં સેવિંગ્સ ખાતામાં અથવા શૉર્ટ ટર્મ લિક્વિડ ફંડમાં રાખી શકાય છે. 
તબક્કો ૩ – પોતાની સંપત્તિમાં વૃદ્ધિ કરો
સ્ટૉક માર્કેટની મદદથી સંપત્તિમાં વૃદ્ધિ કરી શકાય છે એ વાત હવે યુવાનોને ખાસ સમજાઈ ગઈ છે. આથી ઇક્વિટીમાં રોકાણ કરવા બાબતે કોઈ પૂર્વગ્રહ ધરાવવો જોઈએ નહીં એ ખાસ કહેવું ઘટે. રોકાણ માટે બીજાં પણ સાધનો છે. એ બધાનો ઉપયોગ કરતાં રહીને પોતાની સંપત્તિમાં વૃદ્ધિ કરવી. 
૧. રોકાણની વહેલી શરૂઆત કરો
ફુગાવાને કારણે સમય જતાં દરેક વસ્તુના ભાવ વધી જવાના છે. આથી હંમેશાં ફુગાવાના દર કરતાં વધારે વળતર મળે એવાં સાધનોમાં રોકાણ કરવું હિતાવહ છે. રોકાણમાં ચક્રવૃદ્ધિનો લાભ પણ મહત્ત્વપૂર્ણ હોય છે. લાંબા ગાળાનું રોકાણ હંમેશાં વધુ સલામતી સાથે ઊંચું વળતર આપી જાય છે. આથી નાની ઉંમરે જ રોકાણ શરૂ કરી દેવું, જેથી લાંબા ગાળા સુધી રોકાણ થઈ શકે. 
૨. ડાઇવર્સિફિકેશન કરો
પોતાની બચતનાં નાણાંનું કોઈ એક જ પ્રકારની ઍસેટ્સમાં રોકાણ કરવું જોઈએ નહીં. વૈવિધ્યસભર રોકાણ જોખમને ઘટાડે છે. તમે પસંદ કરેલી ઍસેટ તમારાં નાણાકીય લક્ષ્યો સુધી પહોંચાડવા સમર્થ હોવી જોઈએ. વિવિધ ઍસેટ્સમાં રોકાણ કરવા માટેના કેટલાક વ્યુહ તમને ઉપયોગી થઈ શકે છે. 
ટૂંકમાં, નવા રોકાણકારે આ  મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રોકાણ શરૂ કરવું અને પોતાને જ્યાં સમજાય નહીં ત્યાં નિષ્ણાતની મદદ લેવી. 


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2022 03:25 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK