સરસ્વતી કમર્શિયલનાં પરિણામ ખરાબ આવ્યાં, ટ્વિસ્ટના ખેલ ચાલતાં શૅર ૧૯ ગણા વૉલ્યુમે ૧૩૯૫ રૂપિયા વધ્યો : બિટકૉઇન નવી વિક્રમી સપાટી હાંસલ કરી ઢીલો પડ્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સરસ્વતી કમર્શિયલનાં પરિણામ ખરાબ આવ્યાં, ટ્વિસ્ટના ખેલ ચાલતાં શૅર ૧૯ ગણા વૉલ્યુમે ૧૩૯૫ રૂપિયા વધ્યો : બિટકૉઇન નવી વિક્રમી સપાટી હાંસલ કરી ઢીલો પડ્યો : JSW સિમેન્ટ પૉઝિટિવ લિસ્ટિંગ બાદ બિલો-પાર થયો : ICICI બૅન્ક ફિફ્ટી ઉપરથી ફિફ્ટીનના લેવલે આવી ગઈ : ૬૩મૂન્સમાં સારાં રિઝલ્ટ ફૅન્સી લાવવામાં નિષ્ફળઃ ખરાબ પરિણામમાં સૂર્યા રોશનીનું તેજ હણાયું : સાંવલિયા ફૂડ્સમાં લગભગ ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો
આખરે બિટકૉઇન તેજીની નવી ઑર્બિટમાં પ્રવેશ્યો છે. ભાવ ગુરુવારે ૧૨૪૪૫૭ ડૉલરની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ રનિંગમાં સવા ટકાના ઘટાડે ૧૨૧૬૭૧ ડૉલર દેખાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ સવાબે ટકા કે ૨૫૪ અબજ ડૉલર વધીને ૪.૧૫ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે. અમેરિકામાં નૅસ્ડૅક ૨૧૮૦૪ની નવી વિક્રમી સપાટી નોંધાવી નહીંવત્ સુધારે ૨૧૭૧૩ તો ડાઉ ઇન્ડેક્સ એક ટકાની આગેકૂચમાં ૪૪૯૨૨ બુધવારની મોડી રાતે બંધ રહ્યા છે, પરંતુ તાજેતરની રૅલી બાદ ગુરુવારે મોટા ભાગનાં એશિયન બજાર ઢીલાં હતાં. જૅપનીઝ નિક્કી ૧.૪ ટકા, થાઇલૅન્ડ પોણો ટકો તથા ચાઇના-સિંગાપોર-હૉન્ગકૉન્ગ અને તાઇવાન અડધો ટકો માઇનસ હતું. ઇન્ડોનેશિયા અડધો ટકો આગળ વધ્યું છે. સાઉથ કોરિયા પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ હતું. યુરોપ ખાતે રનિંગમાં લંડન ફુત્સી નહીંવત્ ઢીલો હતો, અન્ય માર્કેટ સામાન્ય સુધારો દર્શાવતાં હતાં. ૭૯મા આઝાદ દિન નિમિત્તે પાકિસ્તાની શૅરબજાર રજામાં હતું. આપણે ત્યાં આજે, શુક્રવારે બજાર સ્વતંત્રતા દિન નિમિત્તે બંધ રહેશે.
ADVERTISEMENT
સેન્સેક્સ આગલા બંધથી ૮૫ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૮૦૬૨૫ ખૂલી છેવટે ૫૮ પૉઇન્ટ સુધરી ૮૦૫૯૮ તથા નિફ્ટી ૧૨ પૉઇન્ટ વધી ૨૪૬૩૧ બંધ થયો છે. બજાર ઝિગઝાગ ચાલમાં નીચામાં ૮૦૪૯૦ અને ઉપરમાં ૮૦૭૫૧ થયું હતું. બજારનાં સેક્ટોરલ મિશ્ર વલણમાં હતાં. મેટલ ઇન્ડેક્સ દોઢ ટકો, ઑઇલ-ગૅસ સવા ટકો, એનર્જી એક ટકો, રિયલ્ટી પોણો ટકો નરમ હતા. આઇટી ઇન્ડેક્સ ૦.૪ ટકા સુધર્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પોણો ટકો પ્લસ હતો. બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા કે ૧૬૦ પૉઇન્ટ અપ હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૧૫૩ શૅરની સામે ૧૭૮૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૧૦૦૦ કરોડ રૂપિયા ઘટી ૪૪૪.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
ફ્યુઝન ફાઇનૅન્સ ૨.૮ ટકા નરમ હતો, પરંતુ એનો પાર્ટ પેઇડ આઠ ટકા લથડીને ૮૦ રહ્યો છે. કોહેન્સ લાઇફ સાયન્સ નબળા રિઝલ્ટમાં ૬ ગણા કામકાજે નીચામાં ૮૯૯ દેખાડી સાડાસાત ટકા પટકાઈ ૯૧૨ હતી. સમ્હી હોટેલનો નફો ૪૨૩ લાખથી વધી ૧૯૨૧ લાખ થયો છે, પરંતુ માર્ચ ક્વૉર્ટરના ૪૫૮૬ લાખના મુકાબલે એ ઘણો ઓછો હોવાથી શૅર ૯ ગણા વૉલ્યુમે સવાઆઠ ટકા તૂટી ૨૦૪ રહ્યો છે. મુંબઈની સરસ્વતી કમર્શિયલની આવક ૬૮ કરોડથી ગગડી ૩૧ કરોડ રહી છે. નેટ નફો ૫૨ કરોડની સામે ૨૩ કરોડ થયો છે છતાં માર્ચ ક્વૉર્ટરમાં કંપનીએ ૨૩ કરોડની ખોટ કરી હતી એના મુકાબલે જૂન ક્વૉર્ટરમાં એ ખોટમાંથી નફામાં આવી હોવાની વારતાને લઈ શૅર ઉપરમાં ૧૫૭૯૯ બતાવી સાડાદસ ટકા કે ૧૩૯૫ રૂપિયા ઊછળી ૧૪૭૦૦ બંધ આવ્યો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. બુકવૅલ્યુ ૭૮૪૮ રૂપિયાની છે. બોનસનું ખાનું ખાલી છે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૪ ટકા જેવું છે. ૨૪ સપ્ટેમ્બરે ભાવ ૨૭૭૭૫ના શિખરે હતો જે ગગડીને ૨૮ ફેબ્રુઆરીએ ૯૨૧૫ના ઐતિહાસિક તળિયે આવી ગયો હતો. ડિસેમ્બર ૨૦૦૭માં શૅરનો ભાવ ૫.૪૦ના ઑલટાઇમ તળિયે ગયો હતો.
નફો અડધો થઈ જતાં ટેક્સમાકોની રેલ ગબડી
રેવન્યુ ગ્રોથની નબળાઈમાં આગલા દિવસની ખરાબી આગળ વધારતાં NSDL ગઈ કાલે નીચામાં ૧૧૬૧ બતાવી અઢી ટકા ઘટી ૧૧૭૫ રહી છે. પરિણામ પાછળ ઊભરામાં બુધવારે વધી ગયેલી મામા અર્થ ફેમ હોનાસા કન્ઝ્યુમર ગઈ કાલે નીચામાં ૨૭૭ થઈ બે ટકાની નરમાઈમાં ૨૭૯ હતી. તો નાયકા ૨૧૫ના લેવલે ફ્લૅટ રહી છે. NMDC સ્ટીલ જે આગલા દિવસે પરિણામના જોરમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતી એ ગઈ કાલે ચાર ગણા કામકાજે નીચામાં ૩૯ થઈ સાત ટકા ધોવાઈને ૪૦ દેખાઈ છે. ટેક્સમાકો રેલનો નફો અડધો ધોવાઈને ૩૦ કરોડની અંદર જતાં શૅર સાડાપાંચ ટકા બગડી ૧૩૩ બંધ આવ્યો છે. CSB બૅન્કનો નફો પાંચ ટકા વધી ૧૧૯ કરોડ થયો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટ્યું છે. એને લીધે શૅર નીચામાં ૩૫૨ બતાવી બે ટકા ઘટીને ૩૭૭ હતો.
બજાજ હાઉસિંગ ફાઇનૅન્સમાં પ્રમોટર્સ બજાજ ફાઇનૅન્સ તરફથી OFS મારફત ડાઇવેસ્ટમેન્ટના અહેવાલે શૅર વૉલ્યુમ સાથે ૧૧૫ નજીક જઈ ૩.૮ ટકા ઊંચકાઈને ૧૧૩ રહ્યા છે. ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન ૬૦૫૫ની સર્વોચ્ચ સપાટી નોંધાવી સાધારણ વધી ૫૯૮૭ હતી. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસનો નફો ૯૫ ટકા વધી ૧૫૮ કરોડ થયો છે. શૅર પ્રારંભિક મજબૂતીમાં ૧૦૧૦ વટાવી છેવટે ત્રણ ટકા તરડાઈ ૯૩૬ હતો. કામકાજ ૯ ગણું નોંધાયું છે. MTNLની આવક ૬૪ ટકા ઘટી ૬૬ કરોડની અંદર આવી ગઈ છે. સામે ત્રિમાસિક નેટ લૉસ ૭૭૩ કરોડથી વધીને ૯૪૩ કરોડ વટાવી ગઈ છે. શૅર નીચામાં ૪૨ થઈ બે ટકાની નબળાઈમાં ૪૨.૩૩ બંધ થયો છે.
BJPના નેતા અને મહારાષ્ટ્રના ધારાસભ્ય પરાગ શાહની મન ઇન્ફ્રાકન્સ્ટ્રક્શને ૪૬ ટકાના ગાબડામાં ૧૮૩ કરોડની આવક પર ૩૧ ટકાના ધોવાણમાં ૫૮ કરોડનો નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર બમણા કામકાજે નીચામાં ૧૫૩ થઈ ૩.૮ ટકાની ખરાબીમાં ૧૫૬ હતો. દીપક નાઇટ્રેટે ૪૪.૬ ટકાના ગાબડામાં ૧૧૨ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર નીચામાં ૧૭૮૫ બતાવી ૨.૨ ટકા ઘટી ૧૮૩૧ થયો છે. ઇન્ડોસ્ટાર કૅપિટલ ફાઇનૅન્સે અગાઉના પોણાઅગિયાર કરોડ રૂપિયા સામે ૫૦ ગણા વધારામાં ૫૩૫ કરોડથી વધુ નેટ નફો બતાવ્યો છે, જે કેવળ ૧૧૭૬ કરોડની અસાધારણ આવક કે વન ટાઇમ ગેઇનને આભારી છે એથી શૅર ઉપરમાં ૨૮૫ વટાવ્યા બાદ નીચામાં ૨૬૫ થઈ ૨.૨ ટકા ઘટી ૨૬૭ રહ્યા છે. લૉઇડ્સ એન્ટરપ્રાઇઝિસ પાંચ શૅરદીઠ એકના પ્રમાણમાં શૅરદીઠ ૩૯ના ભાવથી રાઇટ ઇશ્યુમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે એક ટકો ઘટી ૭૩ હતી. ૬૩મૂન્સે ૫૬ ટકાના વધારામાં ૯૪૬૨ લાખની કુલ આવક મેળવી છે. કંપની અગાઉની ૮૫૯ લાખની ચોખ્ખી ખોટ ભૂંસીને ૩૦૮ લાખના નેટ પ્રૉફિટમાં આવી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૯૪૭ થયા બાદ નીચામાં ૯૨૭ બતાવી પોણો ટકો ઘટીને ૯૩૧ રહ્યા છે.
મુમ્બૈયા ઑલટાઇમ પ્લાસ્ટિક્સનું કંગાળ લિસ્ટિંગ
હાલની તારીખે આગામી સપ્તાહે કુલ ૭ ભરણાં નક્કી છે જેમાંથી પાંચ ઇશ્યુ મંગળવારે ખૂલવાના છે. સોમવારે અંધેરી-વેસ્ટની મલ્ટિમીડિયા પ્રોડક્શન કંપની સ્ટુડિયો એલએસડીનો ૧૦ના શૅરદીઠ ૫૪ રૂપિયાની અપર બૅન્ડમાં ૭૪૨૫ લાખ રૂપિયાનો NSE SME IPO છે. કંપનીએ ગયા વર્ષે ૧૦૫ કરોડની આવક પર ૧૧૬૭ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. કંપની ડેટ-ફ્રી છે. ઇશ્યુમાં QIB પોર્શન એક ટકાય નથી. રીટેલ પોર્શન ૫૬.૪ ટકા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયાં નથી. મહેન્દ્ર રિયલ્ટર્સનો ૧૦ના શૅરદીઠ ૮૫ના ભાવનો ૪૯૪૫ લાખનો SME ઇશ્યુ કુલ ૨૫ ગણા રિસ્પૉન્સમાં ગઈ કાલે પૂરો થયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ગાયબ થયું છે. મેઇન બોર્ડમાં રીગલ રિસોર્સિસનો પાંચના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૦૬ કરોડનો ઇશ્યુ કુલ ૧૬૦ ગણો ભરાઈને પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૨૪ થયું છે.
ગુરુવારે મેઇન બોર્ડમાં JSW સિમેન્ટ ૧૦ના શૅરદીઠ ૧૪૭ની ઇશ્યુ પ્રાઇસ અને પાંચેકના પ્રીમિયમ સામે ૧૫૩ ખૂલીને ઉપરમાં ૧૫૫ નજીક તથા નીચામાં ૧૪૫ બતાવી ૧૪૬ બંધ થતાં પોણા ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. વડાલા ખાતેની ઑલટાઇમ પ્લાસ્ટિક્સ બેના શૅરદીઠ ૨૭૫ની મારફાડ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટના ૨૦ના પ્રીમિયમ સામે ૩૧૪ ખૂલી ઉપરમાં ૩૨૨ અને નીચામાં ૨૮૧ બતાવીને ૨૮૩ બંધ રહી છે. એમાં ત્રણ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં સાંવલિયા ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૦ના પ્રીમિયમ સામે ૨૨૮ ખૂલીને ૨૩૯ બંધ થતાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. જ્યારે અમદાવાદી કૉનપ્લેક્સ સિનેમાઝ શૅરદીઠ ૧૭૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૨ના પ્રીમિયમ સામે ૧૯૫ ખૂલી ૧૮૬ બંધ રહી છે. સરવાળે ૫ ટકા લિસ્ટિંગ ગેઇન એમાં પ્રાપ્ત થયો છે.
સોમવારે ANB મેટલ કાસ્ટ, મેડીસ્ટેપ હેલ્થકૅર તથા સ્ટાર ઇમેજિંગનું લિસ્ટિંગ છે. હાલ મેડીસ્ટેપમાં ૧૨નું પ્રીમિયમ છે. સ્ટાર ઇમેજિંગમાં ૩થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટીને અત્યારે બે છે.
પરિણામ પૂર્વે વોડાફોન વૉલ્યુમ સાથે વર્સ્ટ લેવલે
નિફ્ટી ખાતે વિપ્રો ૨.૧ ટકા વધી ૨૪૭ નજીકના બંધમાં ટૉપ ગેઇનર બન્યો છે. સેન્સેક્સમાં એટર્નલ ૩૨૦ જેવી વિક્રમી સપાટી નોંધાવી ૧.૭ ટકા વધી ૩૧૭ વટાવી જતાં એનું માર્કેટ કૅપ ૩.૦૬ લાખ કરોડને આંબી ગયું છે. ઇન્ફી દોઢ ટકો વધી ૧૪૪૭ના બંધમાં બજારને ૬૫ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ટેક મહિન્દ્ર દોઢ ટકો, HCL ટેક્નો પોણો ટકો, TCS અડધો ટકો, લાટિમ નહીંવત્ નરમ હતી. HDFC બૅન્ક અડધા ટકા પ્લસની આગેકૂચમાં બજારને સર્વાધિક ૭૨ પૉઇન્ટ ફળી છે. ICICI બૅન્ક ફિફ્ટીમાંથી ફિફ્ટીનમાં આવી ગઈ છે. મતલબ કે ન્યુનમત ૫૦ હજારના બૅલૅન્સ સામે લોકોનો ભારે આક્રોશ જાગતાં બૅન્કને એ ઘટાડીને ૧૫ હજાર કરવાની ફરજ પડી છે. શૅર ૦.૪ ટકા સુધરી ૧૪૨૭ હતો. સ્ટેટ બૅન્ક અડધો ટકો પ્લસ તો કોટક બૅન્ક અડધો ટકો ડાઉન હતી. રિલાયન્સ અડધા ટકાથી વધુની નરમાઈમાં ૧૩૭૪ નીચે રહી છે. જિયો ફાઇનૅન્શિયલ એક ટકો કપાઈ છે. અન્યમાં HDFC લાઇફ દોઢ ટકો, એશિયન પેઇન્ટ્સ ૧.૨ ટકા, આઇશર ૦.૯ ટકા, મારુતિ સુઝુકી અડધો ટકો, ગ્રાસિમ પોણો ટકો વધી હતી.
તાતા સ્ટીલ ત્રણ ટકા પીગળી ૧૫૫ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. અદાણી પોર્ટ્સ ૧.૩ ટકા, ભારત ઇલેક્ટ્રિક એક ટકો, અલ્ટ્રાટેક અને હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો, હીરો મોટોકૉર્પ સવા ટકો, JSW સ્ટીલ પોણો ટકો, હિન્દાલ્કો પોણો ટકો માઇનસ હતી. પરિણામના જોરમાં આગલા દિવસે ૫૦૦ રૂપિયાથી વધુની તેજી દાખવનારી અપોલો હૉસ્પિટલ્સ ૭૮૫૯ની નવી વિક્રમી સપાટી બનાવી નહીંવત્ વધીને ૭૮૨૧ થઈ છે. ઇન્ડિયન ઑઇલનો નફો બમણાથીય વધીને ૫૬૮૯ કરોડ આવ્યો છે, પરંતુ શૅર દોઢ ટકો ઘટીને ૧૪૦ બંધ રહ્યો છે. વોડાફોન પરિણામ પૂર્વે પોણાબે ગણા વૉલ્યુમે ૬.૧૨ના વર્સ્ટ લેવલે જઈને સાડાત્રણ ટકા કપાઈને ૬.૧૫ બંધ રહી છે.

