Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > યુદ્ધના તનાવથી ટેવાતું ગયું છે બજારઃ ગ્લોબલ-રીટેલ ઇન્વેસ્ટર્સ પાછા ફરી રહ્યા છે?

યુદ્ધના તનાવથી ટેવાતું ગયું છે બજારઃ ગ્લોબલ-રીટેલ ઇન્વેસ્ટર્સ પાછા ફરી રહ્યા છે?

Published : 13 July, 2026 10:29 AM | IST | Mumbai
Jayesh Chitalia

યુદ્ધ પૂરું થયું કે ચાલુ છે? ટેન્શન ગયું કે ચાલુ છે? કોઈ પાકા જવાબ નથી, પરંતુ માર્કેટ યુદ્ધના નામે તૂટે છે અને શાંતિ-સમજૂતીના નામે ઊછળે છે.

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


બાય ધ વે, FII હાલ નેટ બાયર્સ બનવા લાગ્યા છે. ગ્લોબલ પરિબળો સુધરવા લાગ્યાં છે, છતાં ટૂંકા ગાળા માટે રોકાણ કરતા હો તો સાચવીને અને લાંબા ગાળા માટે કરતા હો તો વિવેકપૂર્વક સમજીને સ્ટૉક્સ સિલેક્ટ કરવા જોઈશે.

ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) ફરી વાર ભારતીય શૅરબજારમાં નેટ બાયર્સ બનવા તરફ આગળ વધી રહ્યા છે. તેઓ ફાઇનૅન્શિયલ સ્ટૉક્સ તરફ પાછા આકર્ષીત થયા છે. જૂનના બીજા પખવાડિયામાં તેમની ખરીદી અને વેચાણના આંકડાઓએ આ સાબિતી આપી હતી. જૂનના પ્રથમ પખવાડિયામાં આ રોકાણકારોએ ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં ૧૧,૨૬૩ કરોડ રૂપિયાનું વેચાણ કર્યા બાદ જૂનના બીજા પખવાડિયામાં ૧૪,૬૩૪ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરી બાદ તેમની આ સૌથી ઊંચી પખવાડિક ખરીદી નોંધાઈ હતી. આમ આ વિદેશી ઇન્વેસ્ટર્સ ઘણા સમય બાદ નેટ સેલર્સમાંથી નેટ બાયર્સમાં રૂપાંતરિત થયા એ સારા સંકેત ગણી શકાય. ગયા ત્રણ મહિનામાં સતત નેટ સેલર્સ રહ્યા બાદ તેમની ખરીદી ફાઇનૅન્સ અને બૅન્ક સ્ટૉક્સમાં નેટ બાયર્સની બની હતી.



આ ઉપરાંત FII વર્ગ કન્સ્ટ્રક્શન, કન્ઝ્યુમર સર્વિસીસ, સર્વિસીસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં પણ નેટ બાયર્સ બન્યો છે. જોકે ઑટો, કૅપિટલ ગુડ્સ, ઑઇલ-ગૅસ, પાવર અને મેટલ્સ-માઇનિંગ સેક્ટરમાં તેમનું નેટ વેચાણ નોંધાયું હતું. 


ઇક્વિટી ઇશ્યુઝ મૂડીસર્જનના વિવિધ માર્ગ

આ વર્ષના એપ્રિલથી અત્યાર સુધીમાં એક લાખ કરોડનું ભંડોળ ઊભું કરાયું છે જે ઇક્વિટી ઇશ્યુ મારફત થયું છે અને ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ બમણું છે. આમાં ઑફર ફૉર સેલ, ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP)નો સમાવેશ થાય છે. IPOની વાત અલગ છે. ગ્લોબલ સંજોગો સુધરતાં IPOની કતાર સક્રિય થવાની છે. વધુમાં બલ્ક અને બ્લૉક ડિલ્સ મારફત પણ નોંધપાત્ર ફન્ડ ઊભું કરાયું છે. એપ્રિલથી અત્યાર સુધીમાં આ માર્ગે ૫૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરાયા છે જેમાં અદાણી પોર્ટ, લેન્સકાર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, બિલ્યનબ્રેઇન ગૅરેજ, મેક્રોટેક ડેવલપર્સ, સેકસૉફ્ટ, પીબી ફિનટેક વગેરેનો સમાવેશ થાય છે. સેકન્ડરી માર્કેટમાં તેજી જામશે ત્યારે પ્રાઇમરી માર્કેટ પણ વેગ પકડશે જેમાં રોકાણકારોએ સિલેક્ટિવ બનવું જોઈશે. યાદ રહે, નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને જિયો, ઝેપ્ટો, મનિપાલ હેલ્થ અને SBI ફન્ડ મૅનેજમેન્ટ જેવા જંગી IPO આગામી મહિનાઓમાં માર્કેટમાં પ્રવેશવાના છે. આ ઇશ્યુઝ બજારમાંથી નોંધપાત્ર ભંડોળ ખેંચી જશે. જોકે અે રોકાણકારોને નવી તકો પણ ઑફર કરશે. આ સાથે સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) IPOની કતારને પણ ધ્યાનમાં લેવા જેવી છે, જ્યાં ઇશ્યુ કદ ભલે એકંદરે નાના હોય, પરંતુ અેનું ફન્ડ રેઇઝિંગ અને લિસ્ટિંગ વધતું જાય છે. આ કંપનીઓમાં બધી જ સારી છે અને બધી જ નબળી છે એવું કહી શકાય નહીં, પરંતુ રોકાણકારે આ મામલે સાવચેત અને સિલેક્ટિવ બનવું પડે.


મજાની વાત એ છે કે IPO પહેલાં કંપનીઓ પ્લેસમેન્ટ માટે સક્રિય થઈ ગઈ છે, કારણ કે સંસ્થાકીય ડિમાન્ડ નીકળી છે. કંપનીઓને આવા પ્રી-IPO પ્લેસમેન્ટથી વૅલ્યુએશનનો અંદાજ મળે છે, જ્યારે કે રોકાણકાર વર્ગને કંપનીમાં આકર્ષણ વધે છે. 

ડીમૅટ અકાઉન્ટ્સની વૃદ્ધિ શું સૂચવે?

જૂન મહિનાની એક ખાસિયત એ રહી કે આ મહિનામાં ડીમૅટ અકાઉન્ટ્સ ખૂલવાની પ્રક્રિયાને વેગ મળ્યો. છેલ્લા ચાર મહિનામાં જૂનમાં પચીસ લાખથી વધુ ડીમૅટ અકાઉન્ટ્સ ખુલ્યાં જે નવા રોકાણકારોના આવી રહેલા પ્રવાહનો સંકેત છે. એપ્રિલથી ટર્ન લેનાર માર્કેટમાં નવેસરથી ટ્રસ્ટ ઊભો થઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં સુધારો નોંધાતાં માર્કેટને નવો કરન્ટ પ્રાપ્ત થયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં ૨૮ લાખથી વધુ નવાં ડીમૅટ અકાઉન્ટ્સ ખુલ્યાં હતાં. એ પછી માર્ચથી મેમાં ગતિ ધીમી પડી હતી જે જૂનમાં ફરી તેજ બની જેનું એક કારણ બ્રૉડર માર્કેટમાં આવેલી રિકવરી ચોક્કસ કહી શકાય. આમ ડીમૅટ અકાઉન્ટ્સની કુલ સંખ્યા ૨૩ કરોડ ઉપર પહોંચી ગઈ છે જે ગયા વરસના સમાન ગાળા સામે ૧૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

યુદ્ધના તનાવમાં બજારનું ડાઉન-અપ

ગયા સપ્તાહમાં વરસાદનું જોર જબરદસ્ત રહ્યું, જ્યારે કે બજારની ગતિ ધીમી પડી હતી. આપણે અગાઉ કરેલી ચર્ચા મુજબ બજાર વધે કે પ્રૉફિટ બુકિંગ આવી જાય છે જેને લીધે સપ્તાહના પ્રથમ બે દિવસ કરેક્શનની ગાડી ચાલી હતી. બુધવારે અમેરિકા-ઈરાન તનાવ પુનઃ બહાર આવતાં માર્કેટ કરેક્શન તરફ વળી ગયું, ટ્રમ્પના એક નિવેદન પર માર્કેટ કડડડભૂસ થયું, ટ્રમ્પે આક્રોશપૂર્વક કહ્યું કે ઈરાન સાથેની યુદ્ધબંધીની વાટાઘાટ ખતમ, હવે કોઈ ચર્ચા કરવી નથી. આ નિવેદન સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બે ટકાથી વધુ તૂટી ગયા હતા. આગલા થોડા દિવસોમાં જે રિકવરી થઈ હતી અે એક જ દિવસના અમુક કલાકોમાં ધોવાઈ ગઈ હતી. આ ઉપરાંત ક્રૂડના ભાવ પણ યાદ રહે. આપણે અહીં દર વખતે ચર્ચા કરતા હતા કે આ બે દેશોનો કોઈ પાકો ભરોસો થઈ શકે નહીં. ખાસ કરીને ટ્રમ્પસાહેબ ગમે ત્યારે કંઈ પણ નિર્ણય લઈ શકે છે. જોકે બીજા દિવસે ગુરુવારે યુદ્ધના તનાવના અહેવાલ બદલાયા અને માર્કેટ શરૂના બે કલાકમાં જ ૬૦૦ પૉઇન્ટની રિકવરી નોંધાવી. મહત્ત્વની બાબત એ જોવાઈ કે FII સતત ચોથા દિવસે નેટ બાયર્સ રહ્યા. બીજું, જેમ બજાર વધે કે પ્રૉફિટ બુકિંગ આવી જાય છે અેમ બજાર બહુ તૂટે ત્યારે વૅલ્યુ બાઇંગ (નીચા ભાવે ખરીદી) પણ આવી જાય છે. રોકાણકારોની બદલાયેલી માનસિકતા અને હિંમતમાં ઘટાડે લેવાલીનો તાલ જોવા મળી જાય છે. અલબત્ત, ટ્રમ્પસાહેબના નવા નિવેદનની પણ કંઈક અંશે અસર હતી.

યુદ્ધના તનાવનો વિષય ક્યારેક મજાકનો વિષય બની જતો હોય એવું લાગે જે તનાવને કારણે માર્કેટમાં એક દિવસ કડાકો બોલાયો હોય અે જ તનાવ ૨૪ કલાકમાં એવો અદૃશ્ય થાય કે બજાર બે દિવસ ઉછાળા મારીને રિકવર થઈ જાય. આ સંજોગો વચ્ચે પણ ગ્લોબલ સંકેતો પૉઝિટિવ બહાર આવે, ક્રૂડના ભાવ ઘટે, રૂપિયો પણ રિકવર થાય અને IT સ્ટૉક્સનો સુધારો પણ અેમાં ભળે એટલે બેન્ચમાર્ક ઇન્ડેક્સ પુનઃ સીડી ચડવા લાગે.

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ડ્રિવન તેજીનો લાભ લેવા ગ્લોબલ ફન્ડ બ્લૅક રૉક ટૂંક સમયમાં આઇશૅર-નાસદાક-૧૦૦ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) ઑફર લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. નાસદાક (સ્ટૉક એક્સચેન્જ)એ અમેરિકાસ્થિત ગ્લોબલ IT કંપનીઓનું મક્કા ગણાય છે.

એક અહેવાલ મુજબ ગૂગલ કલાઉડ ભારતમાં અેનું લેટેસ્ટ AI મૉડલ્સ હૉસ્ટ કરવાનો પ્લાન ધરાવે છે. આ માર્ગે અે માત્ર ભારતમાં જ નહીં, બલકે એશિયામાં સર્વિસ પૂરી પાડવાનું લક્ષ્ય રાખે છે. અેનો પ્લાન ડેટા સેન્ટરનો પણ છે. આ દિશામાં ગૂગલ પાર્ટનર પણ શોધી રહી છે, આ સાથે ટેક્નિકલ ટેલેન્ટની ડિમાન્ડ નીકળશે.

દરમ્યાન IMF (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ-૬.૪ ટકા) અને ADB (એશિયન ડેવલપમેન્ટ બૅન્ક-૬.૬ ટકા)એ ભારતના વિકાસદરનો અંદાજ નીચો કર્યો છે. ક્રૂડ-એનર્જીના ઊંચા ભાવોને ધ્યાનમાં રાખી આ અંદાજ ઘટાડાયો છે.

ભારત અને ઇન્ડોનેશિયાએ ડિફેન્સ, મેરિટાઇમ સિક્યૉરિટી, ફાર્મસ, સ્ટીલ, મિનરલ્સ ક્ષેત્રે પરસ્પર સહયોગના કરાર કરવાનું નક્કી કર્યું છે.

હાઉસિંગ જાયન્ટ હુડકો (હાઉસિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન-જાહેર સાહસ)એ વર્ષે સોશ્યલ ઇમ્પેક્ટ બૉન્ડ્સ ઇશ્યુ પ્લાન કર્યો છે. તેણે ૨૦૩૦ સુધીમાં ૩ લાખ કરોડ રૂપિયાની લોનબુકનો અંદાજ રાખ્યો છે.

ખાસ વાત: દરમ્યાન આ લખાય છે ત્યારે અમેરિકાએ ઈરાન પર ભારે આક્રમણની ધમકી આપી છે. આનો અર્થ શું કરવો - શું સમજવો એ રોકાણકારો પોતે સમજે. આ બન્ને દેશોના એકબીજા પ્રત્યેના વલણને કારણે એટલું કહી શકાય કે કુછ ભી હો સકતા હૈ...

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 10:29 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK