ફ્રાન્સ અને સ્પેન બે દાયકા બાદ વર્લ્ડ કપમાં ટકરાશે : ૨૦૦૬માં પહેલી વખત સામસામે રમ્યાં ત્યારે સ્પેન સામે ફ્રાન્સે ૩-૧થી પ્રી-ક્વૉર્ટર-ફાઇનલ જીતી હતી
ફ્રાન્સનો સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપ્પે અને ૧૯ વર્ષનો સ્ટાર સ્પૅનિશ ફુટબૉલર લામિન યમાલ
ફુટબૉલ વર્લ્ડ કપ 2026માં આજે મધરાત પછી ૧૨.૩૦ વાગ્યે ડૅલસ સ્ટેડિયમમાં પહેલી સેમી-ફાઇનલ મૅચ રમાશે. ૧૯૯૮ અને ૨૦૧૮ની વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ ફ્રાન્સ સામે ૨૦૧૦નું ટાઇટલ જીતનાર સ્પેનની ટીમ ટકરાશે.
ફ્રાન્સ આઠમી વખત અને સ્પેન ૨૦૧૦ બાદ બીજી વખત સેમી-ફાઇનલ રમવા ઊતરશે. ફ્રાન્સ સતત ત્રીજી વર્લ્ડ કપમાં સેમી-ફાઇનલ રમનાર જર્મની અને બ્રાઝિલ બાદ ત્રીજી ટીમ બનશે. સ્પેનની ટીમે ૨૦૧૦માં પોતાની એક માત્ર સેમી-ફાઇનલમાં જર્મની સામે ૧-૦થી જીત નોંધાવી હતી. ફ્રાન્સ પહેલી ત્રણેય સેમી-ફાઇનલ હાર્યા બાદ છેલ્લી ચારેય સેમી-ફાઇનલમાં અજેય રહ્યું છે.
ADVERTISEMENT
6,527,410 દર્શકોની હાજરી નોંધાઈ સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપ દરમ્યાન. આ સંખ્યા છેલ્લા બે વર્લ્ડ કપની ટોટલ સંખ્યા કરતાં પણ વધારે છે.
સેમી-ફાઇનલની ટીમોમાંથી કોણે સૌથી વધુ ગોલ કર્યા અને આપ્યા?
આ વર્લ્ડ કપમાં હમણાં સુધી આર્જેન્ટિનાએ ૧૭, ફ્રાન્સે ૧૬, ઇંગ્લૅન્ડે ૧૩ અને સ્પેને ૧૧ ગોલ કર્યા છે. સ્પેન પોતાની સામે માત્ર એક ગોલ થવા દીધો છે. ફ્રાન્સે બે ગોલ જ્યારે આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડે ૬-૬ ગોલ આપ્યા છે.
ફ્રાન્સ અને સ્પેનનો સામસામેનો રેકૉર્ડ કેવો રહ્યો છે?
ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં આ બન્ને ટીમો ૩૮ વખત સામસામે રમી છે. એમાંથી સ્પેન ૧૮ મૅચ અને ફ્રાન્સ ૧૩ મૅચ જીત્યું છે. બન્ને વચ્ચે ૨૦ વર્ષ બાદ વર્લ્ડ કપમાં ટક્કર થશે. ૨૦૦૬માં પહેલી વખત સામસામે રમ્યાં ત્યારે સ્પેન સામે ફ્રાન્સે ૩-૧થી પ્રી-ક્વૉર્ટર-ફાઇનલ જીતી હતી.
૨૦૧૪થી ૨૦૨૫ વચ્ચે ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં છેલ્લી પાંચ ટક્કરમાં સ્પેન ત્રણ અને ફ્રાન્સ બે મૅચ જીત્યું છે. તેમની છેલ્લી ત્રણ ટક્કર ટુર્નામેન્ટોની નૉકઆઉટ મૅચમાં થઈ હતી.
સુપર કમ્પ્યુટર અનુસાર આ ટીમો જીતશે સેમી-ફાઇનલ
ઑપ્ટા ઍનલિસ્ટના સુપર કમ્પ્યુટરે આગાહી કરી છે કે કઈ ટીમો વર્લ્ડ કપ 2026 ફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. ફ્રાન્સ પાસે સ્પેન સામેની સેમી-ફાઇનલ જીતવાની ૫૭.૭૦ ટકા શક્યતા છે. સ્પેન સેમી-ફાઇનલ જીતે એની શક્યતા ૪૨.૩૦ ટકા છે. ઇંગ્લૅન્ડ પાસે આર્જેન્ટિનાને હરાવીને ફાઇનલમાં પહોંચવાની ૫૦.૯૪ ટકા શક્યતા છે, જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિના પાસે જીતની ૪૯.૦૬ ટકા શક્યતા છે. સેમી-ફાઇનલ હારનારી ટીમો બ્રૉન્ઝ મેડલ માટે મૅચ રમશે.
૨૦૩૦ના વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને ૬૪ કરવા પર વિચાર
ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશન પુરુષોના વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા વધારીને ૬૪ કરવા પર ચર્ચા કરશે. ફેડરેશનનું કહેવું છે કે દરેક દેશને ફુટબૉલના સૌથી મોટા મહાકુંભમાં રમવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની તક મળવી જોઈએ, જો તમે નાના દેશોને વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક નહીં આપો તો તેઓ સુધારો કરતાં રહેવાની પ્રેરણા ગુમાવી દેશે.
|
ગોલ્ડન બૂટની રેસમાં કોણ છે ટૉપ-ફાઇવ ખેલાડીઓ? |
|
|
કિલિયન એમ્બાપ્પે (ફ્રાન્સ) |
૮ ગોલ, ૩ અસિસ્ટ ગોલ |
|
લીઅનલ મેસી (આર્જેન્ટિના) |
૮ ગોલ, બે અસિસ્ટ ગોલ |
|
અર્લિંગ હાલૅન્ડ (નૉર્વે) |
૭ ગોલ, ઝીરો અસિસ્ટ ગોલ |
|
હૅરી કેન (ઇંગ્લૅન્ડ) |
૬ ગોલ, એક અસિસ્ટ ગોલ |
|
જુડ બેલિંગમ (ઇંગ્લૅન્ડ) |
૬ ગોલ, એક અસિસ્ટ ગોલ |
