Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બધું જ ભેગું નથી કરવું, પૂરતું ભોગવવું પણ છે

બધું જ ભેગું નથી કરવું, પૂરતું ભોગવવું પણ છે

Published : 28 February, 2025 08:42 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

અગાઉની પેઢી અને આજની પેઢીના વિચારમાં આવેલા આ પરિવર્તન પાછળ કયાં-કયાં પરિબળો કારણભૂત છે એનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વિચાર છે આજની મિલેનિયલ જનરેશનના. એક સમય હતો જ્યારે ત્રીસીમાં પ્રવેશેલા નવા પરણેલા યુવાનો પર પરિવાર અને ઘરની એટલી જવાબદારીઓ વધી જતી કે તેઓ વધુ કમાઈને વધુ બચાવવાના પ્રયાસોમાં જ રત રહેતા, પણ આજની ત્રીસીની જનરેશન આ બન્ને વચ્ચેનું સંતુલન કેળવી જાણે છે. પહેલી જ કમાણીથી બચત કરવાની સાથે જીવનના તમામ રંગોને મોકળાશથી માણે છે. ક્યાં પૈસા રોકવા જેથી ભવિષ્ય સિક્યૉર રહે એની ગણતરી પણ તેમને આવડે છે અને એન્ટરટેઇનમેન્ટ, ટ્રાવેલ, ફૅશન, પાર્ટી અને એક્સપરિમેન્ટ્સ કરીને અનુભવો રળવામાં પણ અવ્વલ છે. અગાઉની પેઢી અને આજની પેઢીના વિચારમાં આવેલા આ પરિવર્તન પાછળ કયાં-કયાં પરિબળો કારણભૂત છે એનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરીએ


 ‘લાઇફ મેં જિતના ભી ટ્રાય કરો, કુછ ના કુછ તો છૂટેગા હી. ઇસ લિએ યહીં ઇસી પલ કા મઝા લેતે હૈં.’



‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મનો રણવીર કપૂરનો આ ડાયલૉગ આજની ત્રીસીમાં પ્રવેશેલા લોકોને બહુ જ આકર્ષે છે.


‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મ જેવાં અનેક ઉદાહરણો આપણને ત્રીસીમાં જીવતા અનેક યુવાનોમાં જોવા મળી જાય છે. યુવાનો હવે માનવા લાગ્યા છે કે કામ તો જીવનભર ચાલ્યા જ કરવાનું છે, પણ જીવનમાં જો અનુભવો અને યાદો એકઠાં કરવાં હોય તો આ જ ઉંમર છે. એટલે જીવનમાં એ વસ્તુઓ પણ કરી લેવી જોઈએ જેનાથી આપણને આનંદ મળે છે. આજની યંગ જનરેશનને આવી ફિલ્મો વધુ આકર્ષે છે એનું કારણ જ એ છે કે તેઓ ખરેખર જીવનમાં અનુભૂતિને માણવામાં માને છે. એ જમાનો હવે ગયો જેમાં આપણી જૂની પેઢી એવું વિચારતી કે જુવાન છીએ તો કામ કરી લઈએ. એ જમાનો પણ ગયો કે ત્રીસીના દાયકામાં પરિવારને બેપાંદડે બેઠો કરવાનો છે. એ જમાનો પણ ગયો જેમાં યુવાનો વિચારતા કે ભવિષ્યની અસલામતીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બચત અત્યારે કરી લઈએ, વૃદ્ધાવસ્થામાં કામ આવશે.

કદાચ માતા-પિતાને લાગી શકે કે અમે આખી જિંદગી પાઈ-પાઈ ભેગી કરવામાં કાઢી નાખી ત્યારે આટલું વસાવી શક્યાં છીએ જ્યારે આજના યુવાનો મન ફાવે એમ ખર્ચો કરીને પૈસાનું પાણી કરે છે. જોકે આ જ વસ્તુને યંગસ્ટર્સની નજરથી જોઈશું તો એ લોકોનું માનવું છે કે કમાણીમાંથી રોજિંદો ખર્ચ કાઢતાં જે પૈસા બચે છે એ બધા બચત કરવા કરતાં એમાંથી અડધા પૈસા હું મારા મોજશોખ પાછળ પણ ખર્ચું, કારણ કે આજકાલ જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. આનો અર્થ એવો જરાય નથી કે આજના યુવાનોને પૈસાની કદર નથી કે તેમને બચતનું ભાન નથી. એવાં અનેક સર્વેક્ષણ છે જેમાં સાબિત થયું છે કે આજકાલના યંગસ્ટર્સમાં અગાઉની પેઢી કરતાં વધુ ફાઇનૅન્શિયલ અવેરનેસ છે. એટલે જ તેઓ ગાડી, બંગલા જેવી મટીરિયલિસ્ટિક વસ્તુ વસાવવા કરતાં ટ્રાવેલિંગ કરવામાં, બ્રૅન્ડેડ વસ્તુઓ વાપરવામાં, મૂવી જોવા જવામાં, પાર્ટી કરવામાં વધુ રસ દાખવે છે.


આકાશ શાહ

આ બદલાવ ક્યાંથી આવ્યો?

આજની યંગ જનરેશનનો માઇન્ડસેટ સમજાવતાં શાહ ઇન્વેસ્ટમેન્ટ્સના આકાશ શાહ કહે છે, ‘અગાઉની જનરેશન એટલે કે જે અત્યારે પંચાવનથી ૬૫ વર્ષની વચ્ચે છે તેમનું આખું જીવન રોટી, કપડાં અને મકાનમાં જ ગયું છે. એ જનરેશનમાં મોટા ભાગના લોકોએ પોતાનું ઘર અપગ્રેડ કર્યું છે. ચાલીમાં રહેતા હોય તો બિલ્ડિંગમાં વન રૂમ-કિચનનું ઘર લીધું હોય કે પછી વન રૂમ-કિચનમાંથી વન બીએચકેમાં રહેવા ગયા હોય. સંતાનોને ભણાવી-ગણાવીને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. આગામી પેઢીને થોડી સારી લાઇફસ્ટાઇલ આપવામાં જ તેમની ઉંમર વીતી છે. એ લોકોએ જીવનમાં મજા કરી હશે, પણ જે પૈસાથી મજા થાય જેમ કે ટ્રાવેલ કરવું, મૂવી જોવા જવું, હોટેલમાં જમવા જવું એ બધી વસ્તુમાં હંમેશાં કચાશ રાખી છે. પચીસથી ૩૫ વર્ષ વચ્ચેની જે યંગ જનરેશન છે તેમણે આ બધી વસ્તુ જોઈ છે. અત્યારે જ્યારે એ લોકોના પેરન્ટ્સ પાસે પૈસા છે ત્યારે પૈસા ઉડાવવા માટે એ એજ કે સારી હેલ્થ બચી નથી. આપણે જે વીસીમાં કરી શકીએ એ ત્રીસીમાં ન કરી શકીએ અને ત્રીસીમાં કરી શકીએ એ ચાલીસીમાં ન કરી શકીએ. આ વસ્તુ આજની જનરેશન સારી રીતે સમજી ગઈ છે. એટલે એ લોકો પોતાના ઉપર પૈસા ખર્ચ કરે છે. એવી વસ્તુઓ કરે છે જેનાથી તેમને આનંદ મળતો હોય. એ પછી ટ્રાવેલ કરતા હોય, બ્રૅન્ડેડ વસ્તુઓ વાપરતા હોય, પાર્ટી-કૉન્સર્ટમાં જતા હોય. એ લોકો ફક્ત બૅન્ક-બૅલૅન્સ વધારવા પર ધ્યાન આપવા કરતાં આ બધા એક્સ્પીરિયન્સ મેળવવા પાછળ ખર્ચ કરે છે.’

યંગસ્ટર્સનું માઇન્ડસેટ

જલસ્મી હાથી

આજની પેઢીને બેઝિક જરૂરિયાતો સરળતાથી મળી હોવાથી તેઓ દુનિયાને અલગ રીતે જોઈ શકે છે એમ જણાવતાં આકાશ શાહ કહે છે, ‘અગાઉની જનરેશન વધુ ભણેલી નહોતી. કહેવાનો અર્થ એ કે તેમનું એજ્યુકેશન એક્સ્ટ્રાઑર્ડિનરી નહોતું. તેમને લાઇફ ઝીરોથી બનાવવાની હતી એટલે જૉબ સિક્યૉરિટીને લઈને તેમના મનમાં ડર હતો. આજની જનરેશનમાં એવું નથી. એ લોકો વેલ એજ્યુકેટેડ છે. તેમની પાસે સારી ડિગ્રી છે. તેમને કૉન્ફિડન્સ છે કે આ જૉબ જશે તો બીજી મળી જશે. એટલે આ પણ એક રીઝન છે કે અગાઉની જનરેશન મોજશોખ પાછળ કેમ વધુ ખર્ચ નહોતી કરતી અને આજની જનરેશન કરે છે. ત્રીજું એ કે જ્યારે કોઈ દેશની પર કૅપિટા ઇન્કમ ૨૫૦૦ ડૉલરને ક્રૉસ થાય છે ત્યારે ડિસ્ક્રિશનરી એક્સપેન્સિસ જેમ કે ટ્રાવેલ, લક્ઝરી વસ્તુઓ પર થતા ખર્ચમાં મોટું ટ્રાન્સફૉર્મેશન દેખાય છે. ગ્લોબલ સ્ટડી કહે છે કે જ્યાં સુધી તમે વર્ષના ૨૫૦૦ ડૉલર કમાશો ત્યાં સુધી તમારું ફોકસ પાયાની જરૂરિયાતો પર જ હશે. તમે ૨૫૦૦ ડૉલરની આસપાસ કે એનાથી વધુ કમાતા થાઓ ત્યારે તમારું ફોકસ શિફ્ટ થાય છે, કેમ કે તમારી પાસે એક્સ્ટ્રા પૈસા બચવા લાગે. એટલે લોકો બીજી મોજશોખની વસ્તુ પર આ એક્સ્ટ્રા પૈસા ખર્ચ કરવાનું શરૂ કરી દે. એટલે આજની જનરેશન એટલું કમાય છે કે બેઝિક નીડ્સ અને સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ તેમની પાસે પૈસા બચે. આ પૈસા જ તેઓ પોતાના પર ખર્ચ કરી રહ્યા છે. મૂવી જોવા જવું, કૅફેમાં જવું અને એમાં હજાર-બે હજાર રૂપિયા ખર્ચી નાખવા એ આજની જનરેશન માટે નૉર્મલ વસ્તુ થઈ ગઈ છે, જે અગાઉની જનરેશનને ખોટા ખર્ચા લાગતા.’

ક્યારે પૈસા બચાવવા, ક્યારે ઉડાવવા એનું સંતુલન આજની જનરેશન પાસે છે. કાંદિવલીમાં રહેતી પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી ૨૯ વર્ષની જલસ્મી હાથી આ સંતુલન કેવી રીતે જળવાય છે એની વાત કરતાં કહે છે, ‘મેં આજથી પાંચ વર્ષ પહેલાં જૉબ કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે હું ફ્રેશર હતી એટલે અફકોર્સ સૅલેરી એટલી નહોતી. એ સમયે મને કોઈએ સલાહ આપેલી કે તું જેટલું જલદી બચત કરવાનું શરૂ કરીશ એટલો વધુ ફાયદો થશે. ઉપરથી મારી મમ્મી, માસી પણ ફાઇનૅન્સ ફીલ્ડમાં છે તો તેમનું પણ એમ જ કહેવું હતું કે જે પણ ઇન્કમ થાય એમાંથી ૨૦-૩૦ ટકા તો સેવિંગ કરવી જ જોઈએ. એટલે મેં બીજા જ મહિનાની સૅલેરીમાંથી જ ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. મેં મ્યુચ્યુઅલ ફન્ડ, LIC અને ગવર્નમેન્ટની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ બધામાં નાના-નાની અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું. એ પછી કોવિડના સમયગાળામાં મારી સૅલેરી અડધી થઈ ગઈ હતી. એ સમયે પણ મેં મારી સેવિંગ્સ ચાલુ રાખી અને મારા જે ખર્ચાઓ હતા એ ઘટાડી દીધા. એમ પણ એ દિવસોમાં ઘરે જ રહેવાનું હતું એટલે બહાર કંઈ જવાનું થતું નહીં એટલે ખર્ચો થવાનો પણ સવાલ નહોતો. એ પછી મેં જૉબ ચેન્જ કરી. મને સૅલેરી પણ સારીએવી મળતી હતી. એ ઑફિસમાં મોટા ભાગનો યંગ સ્ટાફ જ હતો એટલે તેમની સાથે કૅફે, પાર્ટીમાં જવાનું થાય. હું સ્કિન કૅર પ્રોડક્ટ યુઝ કરતી થઈ. એ ઉંમર જ એવી હતી કે તમને ફન કરવાનું મન થાય. એ સમયગાળામાં મારો ખર્ચો વધી ગયેલો. મેં ૨૦૨૨માં મારી પહેલી મેઘાલયની ઇન્ડિપેન્ડન્ટ ટ્રિપ પણ કરેલી. મેં મારી સૅલેરીમાંથી કરેલો આ સૌથી મોટો ખર્ચો હતો. એ સમયે હું એટલી સમર્થ હતી કે ખર્ચો ઉઠાવી શકું. અત્યારે હું જૉબ માટે અમદાવાદમાં શિફ્ટ થઈ છું. અહીં મારા રૂમનું રેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, ગ્રોસરી વગેરેમાં ખર્ચો થઈ રહ્યો છે. એટલે આ સમયે હું મોંઘા શોખ પાળી શકું એમ નથી. એ સિવાય પણ હું અમુક વસ્તુમાં ઍડ્જસ્ટ કરું જેથી પૈસા બચે. જેમ કે કોઈ એક્સપેન્સિવ કૅફેમાં જવાને બદલે મારા બજેટમાં બેસતી હોય એવી કૅફેમાં જાઉં કે પછી ઉબર બુક કરાવવાને બદલે રૅપિડો બાઇકની સર્વિસ લઈ લઉં. એટલે મેં હંમેશાં પરિસ્થિતિના હિસાબે મારા ખર્ચાઓ ઓછા-વધુ કર્યા છે પણ મારા ઇન્વેસ્ટમેન્ટ પર આંચ આવવા દીધી નથી.’

હર્ષ વીરા

હેમલ વોરા

દિશાંત જોશી

એન્જૉયમેન્ટ-ઇન્વેસ્ટમેન્ટ બન્ને

કમાવાનું શરૂ થતાં જ હવેની જનરેશનને ઇન્વેસ્ટમેન્ટના ફન્ડાઝ ક્લીઅર થવા લાગ્યા છે. પૈસા કમાવાની સાથે ખર્ચ કરવા પર પણ તેમનો હાથ છૂટો થવા લાગ્યો છે. નાલાસોપારામાં રહેતો અને હાલમાં અકાઉન્ટન્ટની જૉબ સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો અભ્યાસ કરતો ૨૮ વર્ષનો દિશાંત જોશી કહે છે, ‘હું મારી સૅલેરીની ૭૦ ટકા જેટલી રકમ શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરું છું. બાકીના ૩૦ ટકા હું ઘરખર્ચ અને મારા પર્સનલ ખર્ચ માટે વાપરું છું. અત્યારે સિંગલ છું એટલે પર્સનલ ખર્ચો પ્રમાણમાં ઓછો હોય. આ ટાઇમ મારા માટે મૅક્સિમમ ઇન્વેસ્ટ કરવાનો છે. મેં કમાવાનું શરૂ કર્યું એના થોડા જ સમયમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. મારો એક સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) ૧૦ વર્ષનો છે જે મેં ૨૦૧૮માં શરૂ કરેલો. ૨૦૨૮ સુધીમાં તો મૅચ્યોર થઈ જશે એટલે મારા હાથમાં એક સારીએવી રકમ આવી જશે. વ્યક્તિ જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થતી હોય ત્યારે પૈસાની જરૂરિયાતો પણ બદલાતી રહે છે એટલે ભવિષ્યનો વિચાર કરીને જ વર્તમાનમાં એ પ્રમાણે બચત કરતા જાઓ તો આગળ જતાં વાંધો ન પડે. હું પોતે તો ઇન્વેસ્ટ કરું જ છું, પણ મારા ફ્રેન્ડસર્કલમાં પણ જે લોકો હોય તેમની સાથે હું મારું ફાઇનૅન્શિયલ નૉલેજ શૅર કરું છું. હું મારા પપ્પાને જોઈને આ બધી વસ્તુમાં ઇન્વેસ્ટ કરતાં શીખ્યો હતો. મારા પપ્પા મોટા-મોટા શેઠિયાઓને ત્યાં રસોઈ બનાવવા જતા. એ સમયે ઘણા શેઠિયાઓ તેમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં નાખવા કરતાં આ રીતે મ્યુચ્યુઅલ ફન્ડમાં પૈસા નાખવાની સલાહ આપતા. એ રીતે તેમણે સૌથી પહેલાં મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. તેમને જોઈને હું ઇન્વેસ્ટ કરતાં શીખ્યો.’

ફાઇનૅન્સ મૅનેજ કરવામાં સ્માર્ટ

ફાઇનૅન્સને લઈને આજના યુવાઓનું વલણ કેવું છે એ વિશે પોતાનો અનુભવ જણાવતાં ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર અને વેલ્થ મૅનેજર હર્ષ વીરા કહે છે, ‘આજની જનરેશન થોડી સ્માર્ટ છે. તેમને લાઇફમાં કઈ રીતે બૅલૅન્સ બનાવવું એ આવડે છે. માની લો કે એ લોકો મહિને ૫૦,૦૦૦ કમાતા હોય તો ૫૦ ટકા તેમના રોજિંદા ખર્ચમાં વાપરે અને બાકીના ૫૦ ટકામાંથી બચત પણ કરશે અને પોતાના શોખ પૂરા કરવા પાછળ પણ ખર્ચશે. મારી પાસે એવા ઘણા યંગસ્ટર્સ આવે છે જેમની હજી પહેલી સૅલેરી આવી પણ ન હોય તેમ છતાં અગાઉથી જ વિચારી નાખે છે કે તેમને એનો ઉપયોગ ક્યાં કરવો છે. એ લોકો મૂવી, ડિનર, પાર્ટી, ટ્રાવેલિંગ બધું જ કરશે પણ સાથે સૅલેરીમાંથી વીસથી ૩૦ ટકા ઇન્વેસ્ટ પણ કરશે. એમાં પણ આજકાલ રોકાણ કરવાના એટલા બધા વિકલ્પો છે જેમાં સારું રિટર્ન મળી શકે છે. એટલે તેઓ અગાઉની જનરેશનની જેમ બૅન્કની FDમાં જમા કરાવવા કરતાં બીજા ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન્સ એક્સપ્લોર કરે છે. ભારતમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્ડસ્ટ્રીનો સતત ગ્રોથ થઈ રહ્યો છે. એનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ પણ છે કે નાનાં શહેરોથી લઈને મોટાં શહેરોમાં વધી રહેલા SIPની લોકપ્રિયતા. આજના યુવાનોને એ ખૂબ આકર્ષે છે. એ લોકો અગાઉથી જ એવી વ્યવસ્થા કરી નાખે કે દર મહિને સૅલેરીનો અમુક હિસ્સો બૅન્ક-અકાઉન્ટમાંથી ડિરેક્ટ કટ થઈને મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ થઈ જાય. એ લોકોની સૅલેરી દસ તારીખે આવવાની હોય તો SIPની તારીખ તેઓ ૧૨-૧૩ જ રાખે. એટલે પૈસા વપરાઈ જાય એ પહેલાં જ ઇન્વેસ્ટ થઈ જાય.’

આ વિશે વધુ વાત કરતાં હર્ષ વીરા કહે છે, ‘આજના યુવાનો નવી-નવી વસ્તુ શીખવામાં અને જાણવામાં બહુ રસ લે છે. એમાં ફાઇનૅન્સથી લઈને બીજી બધી વસ્તુ આવી જાય છે. મારા ઘણા એવા યંગ ક્લાયન્ટ્સ છે જેઓ મારા મોઢેથી એવી કોઈ નવી ફાઇનૅન્શિયલ ટર્મ સાંભળી લે તો તરત એને ગૂગલમાં સર્ચ કરીને જોશે. યુટ્યુબમાં જઈને વિડિયો જોશે કે આ વસ્તુ શું છે. આની પાછળ બે કારણ છે, એક તો તેઓ એમ વિચારે છે કે મારી પાસે નૉલેજ હશે તો ચાર લોકોની વચ્ચે મારી વૅલ્યુ વધશે અને બીજું એ કે મને જેટલું સારું નૉલેજ હશે હું ફાઇનૅન્સને લઈને મારા નિર્ણયો વધુ સારી રીતે લઈ શકીશ. આજની યંગ જનરેશનમાં ફાઇનૅન્શિયલ અવેરનેસ લાવવામાં સોશ્યલ મીડિયાનો પણ ખૂબ મોટો હાથ રહ્યો છે. એવી જ રીતે આજની જનરેશન ટેક્નૉલૉજીનો યુઝ કરીને પૈસા બચાવવાનું પણ જાણે છે. એ લોકો દસ સાઇટ પર જઈને ચેક કરશે કે કઈ જગ્યાએ ટૂર પૅકેજ બુક કરવાથી સસ્તું પડશે. પોતાની રીતે ટ્રિપ પ્લાન કરી રહ્યા હોય તો પણ ક્યાં હોટેલ કે ફ્લાઇટ ટિકિટ સસ્તામાં મળી જશે એ ચેક કરતાં તેમને આવડે છે. બીજી બધી બાબતોમાં પણ આ વસ્તુ એટલી જ લાગુ પડે છે. બ્યુટી પ્રોડક્ટ્સ કે ક્લોથ્સ ખરીદવાં હોય તો ​તેમને સેલ ચાલતું હોય ત્યારે કઈ રીતે ખરીદવાં એની ખબર છે. ફૂડ ડિલિવરી ઍપ પરથી જમવાનું ઑર્ડર કરવું હોય તો ક્યાં વધુ ડિસ્કાઉન્ટ છે એ તેમને જોતાં આવડે છે. આજની જનરેશનની એ ક્વૉલિટી છે કે તેમને ખબર છે કે ક્યાં પૈસા ઉડાવવા અને ક્યાં પૈસા બચાવવા.’

ઉંમરની સાથે મનોરંજનમાં પણ બદલાવો

પ્રિયલ દેઢિયા

હળવું-મળવું અને સોશ્યલાઇઝિંગ એ દરેક ઉંમરની વ્યક્તિ માટે ટૉનિકનું કામ કરે છે. જોકે એની જરૂરિયાતો પણ ઉંમર મુજબ બદલાતી હોય છે. કઈ રીતે ઉંમરની જરૂરિયાતો બદલાય છે એ વિશે પોતાના અનુભવની વાત કરતાં પ્રિયલ દેઢિયા કહે છે, ‘આજની જેન ઝીમાં પબ-કલ્ચર બહુ ફૂલ્યુંફાલ્યું છે. તેમને માટે દોસ્તો સાથે મળીને નાચવું-ગાવું અને ઝૂમવું ગમે છે, પણ અમારી જનરેશનની વાત કરું તો ક્લબિંગનું કલ્ચર વધુ ફેસિનેટ કરે છે. તમે જુઓ તમે કૉલેજમાં ભણતા હો ત્યાં સુધી લગભગ રોજ તમારા દોસ્તોને મળતા જ હો. એવા સમયે તમારે માટે ફનનો મતલબ મળીને કંઈક રેક્રીએશનલ ઍક્ટિવિટી કરવી એ હોય. જ્યારે ૨૮-૩૦ વર્ષ પછી પ્રોફેશનમાં વ્યસ્ત થઈ ગયા હોઈએ ત્યારે સોશ્યલ સર્કલ સાથેનો ડેઇલી ટચ છૂટી જાય. એટલે અમારી જનરેશન માટે દોસ્તોને મળવું, વાતો કરવી વધુ મહત્ત્વની હોય. અલગ-અલગ ક્ષેત્રે ફેલાઈ ચૂકેલા દોસ્તો પાસેથી એક્સ્પીરિયન્સ શૅરિંગ વધુ ફૅસિનેટ કરે. એટલે જ ક્લબિંગ અમારી જનરેશનમાં વધી રહ્યું છે. મુંબઈમાં હો તો કૉન્સર્ટ‍્સ, લાઇવ પ્રોગ્રામ્સ અને સ્ટૅન્ડ-અપ કૉમેડી શોમાં જવાનું ગમે. આજકાલ મુંબઈમાં પણ હવે દુનિયાભરનાં ક્વિઝીન્સ મળતાં થઈ ગયાં છે એટલે ફાઇન-ડાઇન રેસ્ટોરાંઓ અમને વધુ આકર્ષે. મારા ઘણા દોસ્તોને મેં તેમની હૉબીઝ એક્સપ્લોર કરતા જોયા છે. સાલ્સા, જાઇવ, કપલ-ડાન્સ, ગરબા કે કંઈક નવી તેમને ગમતી આર્ટ શીખવા પાછળ થોડો સમય ફાળવવાનું ગમે.’

 

જી લે અપની ઝિંદગી

ફાઇનૅન્સની બાબતમાં જેટલી અવેર અને ઍક્યુરેટ આ જનરેશન છે એટલું જ જીવન માણવામાં પણ પાછી નથી પડતી. ઑલ વર્ક ઍન્ડ નો પ્લે એવું ન જ હોવું જોઈએ એવું દૃઢપણે માનતો દિશાંત જોશી કહે છે, ‘હું લાઇફને પણ એન્જૉય કરું છું. મને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. એ પછી ફ્રેન્ડ્સ સાથે ગોવા ફરવા જવાનું હોય કે ફૅમિલીને લઈને ગુજરાતની ટ્રિપ કરવાની હોય, હું હંમેશાં એક્સાઇટેડ રહું છું. એમાં પણ હું એ તો વિચારી જ લઉં કે મારી ટ્રિપને હું કઈ રીતે વધુ અફૉર્ડેબલ બનાવી શકું. હું ઑફ સીઝનમાં જવાનું પસંદ કરું અથવા બધી સાઇટ્સ પર જઈને ચેક કરી લઉં કે કઈ જગ્યાએથી સ્ટે માટે હોટેલ કે ટ્રાન્સપોર્ટેશન માટેની ટિકિટ સસ્તામાં મળી રહી છે.’

આજની ૨૮થી ૩૫ વર્ષની વયના લોકોનો સૌથી મોટો જો કોઈ ખર્ચ હોય તો એ છે ટ્રાવેલિંગનો. અમારી જનરેશન ફરવાની, દુનિયા જોઈ લેવાની અને નવા-નવા અનુભવો કરી લેવાની જબરી શોખીન છે એમ જણાવતાં બોરીવલીમાં રહેતી માસ્ટર્સ ઇન બિઝનેસ મૅનેજમેન્ટ થયેલી ૩૪ વર્ષની પ્રિયલ દેઢિયા કહે છે, ‘૨૩-૨૫ વર્ષની ઉંમરે કમાવાનું શરૂ કર્યું હોય ત્યારે એટલા પૈસા ન સેવ કર્યા હોય કે ઇચ્છો ત્યાં ફરી શકો. ભલે પેરન્ટ્સ ના ન પાડે, પણ તેમની પરમિશન તો હોવી જ જોઈએ. જોકે જેમ-જેમ ફાઇનૅન્શ્યલ ઇન્ડિપેન્ડન્સ આવે એટલે તમારું હોરાઇઝન વિશાળ થવા માંડે. અનુભવો લેવા અને એક્સપરિમેન્ટ્સ કરવા એ કદાચ અમારી જનરેશનનો પ્લસ પૉઇન્ટ છે. બધું જ ફરવું છે, પણ એમાંય ગણતરી હોય. ૨૭-૨૮ વર્ષની વયે અમે યુરોપની મોટા ભાગની કન્ટ્રીઝ બૅકપૅક ટ્રાવેલ કરીને જ ફર્યા છીએ. જસ્ટ દસ કિલો જેટલો સામાન લેવાનો અને હૉસ્ટેલ્સમાં રહીને ફરવાનું. બહુ જ ઇકૉનૉમિક પડે આ અનુભવો. દુનિયા જોઈને શીખવા પણ ઘણું મળે. પણ એ બધું પ્લાન કરતી વખતે શું સરવાળે સસ્તું પડશે એ માટે બધા જ ઑપ્શન્સ જોઈ લેવાના. એવું ઘણી વાર બન્યું છે કે અમે ફરવા જવાનું નક્કી કર્યું હોય કંઈક, પણ ટ્રાવેલ ફેર કમ્પેર કરતાં લાગે કે અત્યારે ઇન્ટરનૅશનલ ટિકિટ્સ સસ્તી પડશે તો એ ફરી આવવાનું.’

શૉપિંગ સ્માર્ટ

ખર્ચ કરવાની બાબતમાં આજના યુવાનોનો હાથ છૂટો છે, પણ એવો છૂટો પણ નથી કે તેઓ બેફામ ખર્ચો કરી નાખે. પ્રત્યેક રૂપિયો ખર્ચતાં પહેલાં યુવાનો પૂછે છે, ઇઝ ઇટ વર્થ? ક્યાંય બીજી સારી ડીલ અવેલેબલ છે? આ વાતનું ધ્યાન દરેક ખર્ચ પહેલાં રાખતી પ્રિયલ દેઢિયા કહે છે, ‘અમારી જનરેશન કદાચ સૌથી વધુ ખર્ચ કરતી હશે. અમે એક્સપરિમેન્ટેટિવ છીએ. બધું જ નવું અને લેટેસ્ટ જોઈએ. અમારે મૉડર્ન દેખાવું છે, એક્સપેન્સિવ લુક રાખવો છે, પણ એ માટે ઓવર ધ બોર્ડ જઈને ખર્ચ નથી કરી નાખતાં. મને બ્રૅન્ડ્સ આકર્ષે છે, પણ મનગમતી બ્રૅન્ડ્સમાં ક્યારે સેલ ચાલે છે એનું ધ્યાન પણ અમે રાખીએ છીએ. કોઈનાં લગ્ન આવે એ પછીથી મોંઘાંદાટ કપડાં ખરીદવા અમે ન નીકળીએ. પણ જ્યારે સેલ અને સીઝન ચાલતી હોય ત્યારે જ પચીસ જગ્યાએ જોઈને બધું તોલમોલ કરીને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં શૉપિંગ કરી લઈએ. હા, એને કારણે ક્યારેક એવું થાય કે વૉર્ડરોબમાં ચાર-છ મહિના પહેલાં ખરીદેલાં કપડાં ટૅગ કાઢ્યા વિનાનાં પડી રહ્યાં હોય, પણ એ કદી વેસ્ટ નથી જતું. મારી જનરેશનના લોકોની વાત કરું તો એવો વર્ગ બહુ ઓછો છે જે પ્યૉર બ્રૅન્ડ ક્રેઝી હોય. અમારી જનરેશન લૉજિકલ છે. અફૉર્ડ ભલે કરી શકતાં હોઈએ, કોઈ પણ ચીજ ખરીદતાં પહેલાં લૉન્ગ ટર્મ વૅલ્યુ શું હશે એ પણ વિચારી લઈએ. ફૅશન, સ્ટાઇલ અને લુક્સમાં અમને કોઈ કૉમ્પ્રોમાઇઝ નથી ચાલતું. અમારે એફ્લુઅન્ટ લુક જોઈએ, પણ એ માટે ડીલ અને સેલ પર પણ અમારું એટલું જ ધ્યાન હોય છે.’

યંગસ્ટર્સ માટે હવે વેલિંગ પ્રાયોરિટી છે

એક સર્વે મુજબ રોજિંદા જીવનના ખર્ચાઓ બાદ સૌથી વધુ ખર્ચ યુવાનો ટ્રાવેલિંગ પર કરે છે. યુવાનોમાં જોવા મળી રહેલા આ વલણ વિશે વાત કરતાં કૉસ્ટ ટુ કૉસ્ટ ટૂર્સના ઑપરેશન્સ મૅનેજર હેમલ વોરા કહે છે, ‘આજની જનરેશનની માનસિકતા હવે એ‍વી થઈ ગઈ છે કે એ લોકો એમ વિચારે કે મારી પાસે એક લાખ રૂપિયા બચ્યા છે તો હું એ ખર્ચ કરીને એક નવું ડેસ્ટિનેશન એક્સપ્લોર કરી લઉં. તમે જોશો તો આજકાલ લોઅર મિડલ ક્લાસમાંથી આ‍વતા યુવાનો છે એ લોકો ભલે ફૉરેન ટ્રિપ અફૉર્ડ ન કરી શકે, પણ પોતાના દેશને તો ઘમરોળી જ લે છે. બાકી જે ફૉરેન ટ્રિપ અફૉર્ડ કરી શકે છે એ લોકો તો બિન્દાસ ફરે જ છે. ટ્રાવેલિંગમાં પણ તેઓ સ્ટ્રેસ-ફ્રી એક્સ્પીરિયન્સ મેળવવા માટે લક્ઝરી પર ખર્ચ કરતાં પણ ખચકાતા નથી. મુંબઈની જ વાત કરીએ તો વીક-એન્ડમાં માથેરાન, મહાબળેશ્વર બધું જ ફુલ હશે. આજના યુવાનો ધાર્મિક સ્થળોએ ફરવા જવામાં પણ રસ ધરાવે છે એટલે તેઓ વારાણસી, અયોધ્યા, ઉજ્જૈન, પ્રયાગરાજ જેવાં ધાર્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોએ જાય છે. આમાં સોશ્યલ મીડિયાનો મોટો ફાળો છે. એને કારણે લોકો આ સ્થળોનું મહત્ત્વ સમજતા થયા છે. આજની જનરેશન માઇન્ડથી બહુ ક્લિયર છે. તેમણે જો નક્કી કરી લીધું હશે કે મમ્મી-પપ્પાને લઈને મહાકુંભ જવું છે તો એ લોકો જઈને જ રહેશે. એ માટે પછી ભલે થોડા વધુ પૈસા ખર્ચવા પડે. અગાઉ ટ્રાવેલિંગને એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નહોતું. ઘર, કાર, સોનું જેવી મટીરિયલિસ્ટિક વસ્તુ ખરીદવામાં લોકોને વધુ રસ હતો. લોકો હવે ટ્રાવેલિંગ પર ખર્ચ કરતાં પહેલાં વધુ વિચારતા નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ફક્ત યંગસ્ટર્સ નહીં, પણ જે ૫૦ વર્ષથી મોટી વયના છે એ લોકો પણ હરવા-ફરવામાં પૈસા ખર્ચ કરતા થયા છે. કોવિડ પછીથી આ ટ્રેન્ડ ખૂબ વધ્યો છે કેમ કે દરેક વ્યક્તિને લાઇફની વૅલ્યુ ખબર પડી છે. એ લોકોને પણ હવે જિંદગી જીવી લેવી છે. પોતાના પર ખર્ચ કરવાની જે માનસિકતા છે એ હવે એ લોકોમાં જોવા મળી રહી છે.’

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 08:42 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK